લેબર પાર્ટીએ કાશ્મીર સંબંધિત નીતિ બદલવી જોઈશેઃ HFB

Saturday 16th May 2020 13:43 EDT
 

લંડનઃ હિન્દુ ફોરમ બ્રિટન (HFB)ના પ્રમુખ તૃપ્તિબહેન પટેલે યુકેસ્થિત ભારતીયો અને હિન્દુ કોમ્યુનિટીના પ્રશ્નો બાબતે લેબર પાર્ટીના પ્રમુખ સર કેર સ્ટાર્મરને પત્ર પાઠવ્યો છે. તેમણે HFB સાથે સતત પરામર્શ જાળવી રાખવાની સર સ્ટાર્મર અને તેમની ટીમની ઈચ્છાને આવકારી હતી. તેમણે લેબર પાર્ટીએ કેવા પગલાં લેવાની જરુર છે તેના વિશે પણ જણાવ્યું હતું અને કાશ્મીર મુદ્દે લેબર પાર્ટીની નીતિ બદલવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.

તૃપ્તિબહેન પટેલે જણાવ્યું છે કે સ્ટાર્મરની ટીમમાં જે સાંસદો નિયુક્ત કરાયા છે તેઓ ભારતવિરોધી લાગણી દર્શાવે છે. કાશ્મીર વિશે તેમની પોઝિશન સ્પષ્ટપણે પાકિસ્તાનતરફી છે. પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ હતુ અને રહેશે તે બાબતે કોઈ બાંધછોડને અવકાશ નથી તેમ પણ મિસ પટેલે સ્પષ્ટ કર્યું હતું. તેમણે લેબર પાર્ટીની શેડો કેબિનેટને જમ્મુ અને કાશ્મીરના ઈતિહાસથી શિક્ષિત કરવાની તૈયારી પણ દર્શાવી હતી.

તેમણે લેબરનેતાને એમ પણ જણાવ્યું હતું કે તેમની સાથેના કોન્ફરન્સ કોલ પછી પણ ઘણા લેબર રાજકારણીઓ અને સભ્યોએ હિન્દુ ફોરમ બ્રિટન અને ભારત વિરુદ્ધ બિનજરુરી હુમલા ચાલુ જ રાખ્યા છે. તેમણે સ્ટાર્મરની ટીમના સભ્ય અને સાંસદ નવેન્દુ મિશ્રાનું ઉદાહરણ ટાંકી પાર્ટીના દેખાવાના અને ચાવવાના દાંત જુદા હોવાનું પણ જણાવ્યું હતું. લેબર પાર્ટીમાં જે થાય છે તેની આખરી જવાબદારી લેબરનેતાની જ હોવાનું સ્પષ્ટ કર્યું છે.

લેબર પાર્ટી જે કહે છે અને કરે છે તેની અસર યુકેની કોમ્યુનિટીઓ પર થાય છે. લેબર પાર્ટી કાશ્મીર અથવા યુકેસ્થિત ભારતીય કોમ્યુનિટીઓ પરત્વે ચોક્કસ વલણ દર્શાવે તેના સ્વાભાવિક પ્રત્યાઘાતો આવશે. લંડનમાં ૧૫ ઓગસ્ટે લોકોના મોટા ટોળાએ તિરસ્કાર અને હિન્દુફોબિયા પ્રદર્શિત કર્યો ત્યારે ઉશ્કેરણી કરનારા દેખીતી રીતે લેબર પાર્ટીના સભ્યો, કાઉન્સિલર્સ અને સાંસદો હતા.

તૃપ્તિ પટેલે સ્પષ્ટપણે ભારતીયો કે હિન્દુઓ આવું ચલાવી લેશે નહિ તે સમજી લેવા જણાવ્યું હતું. ભારતીયો અને હિન્દુઓ બ્રિટિશ લાઈફના દરેક ક્ષેત્રમાં કાયદાપાલક વફાદાર નાગરિકો છે. આ સાથે દરેક રાજકારણી તેમની સાથે સત્ય, પ્રામાણિકતા અને ઈમાનદારી સાથે વ્યવહાર કરે તેમ પણ ઈચ્છે છે. લેબર પાર્ટીએ ભારતીય અને હિન્દુ કોમ્યુનિટીનો વિશ્વાસ પુનઃ સંપાદન કરવાની આવશ્યકતા પર તેમણે ભાર મૂક્યો હતો.

ઉલ્લેખનીય છે કે લેબર પાર્ટીએ કાશ્મીર મુદ્દે નીતિમાં નોંધપાત્ર બદલાવ કરી કાશ્મીર અથવા ભારતની કોઈ પણ સંવૈધાનિક બાબતોમાં હસ્તક્ષેપ નહિ કરે તેવી જાહેરાત લેબરનેતા સ્ટાર્મરે કરી હતી. તેમણે પાર્ટી હિન્દુફોબિયા સહિત તમામ પ્રકારના ભેદભાવની વિરુદ્ધ હશે તેમ પણ જણાવ્યું હતું. સ્ટાર્મરે હિન્દુ ફોરમ બ્રિટનની અધ્યક્ષા તૃપ્તિ પટેલને સમાજમાં હિન્દુઓના અમૂલ્ય યોગદાન વિશે પત્ર પણ લખ્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter