લોકડાઉનમાં ઈન્ટરનેટ વૃદ્ધોની વહારેઃ ડિપ્રેશનને પણ હરાવ્યું

Wednesday 28th April 2021 05:30 EDT
 
 

લંડનઃ સરે યુનિવર્સિટી દ્વારા લોકડાઉનમાં કરાયેલા સંશોધનના તારણો અનુસાર લોકડાઉનના ગાળામાં વયોવૃદ્ધ લોકો દ્વારા ઈન્ટરનેટના અવારનવાર ઉપયોગથી તેમના માનસિક આરોગ્યની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવાં મળ્યો હતો. ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વૃદ્ધો ડિપ્રેશનમાં ઓછાં આવે છે, જીવનની ગુણવત્તા પણ સુધરે છે.

ઇન્ટરનેટ માત્ર યુવાનો માટે નહિ, વૃદ્ધો માટે પણ લાભકારક છે. ઇન્ટરનેટથી તેમનામાં ડિપ્રેશન ઓછું થાય છે અને જીવનની ગુણવત્તા પણ સુધરે છે. સરે યુનિવર્સિટીના ન્યૂરોસાયન્સ વિભાગે ગત વર્ષે લોકડાઉનના ગાળા દરમિયાન ૫૫થી ૭૫ વયજૂથના ૩,૪૯૧ લોકોનો સર્વે કર્યો હતો. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે જે વયોવૃદ્ધોએ લોકડાઉન દરમિયાન મિત્રો અને સ્વજનો સાથે વાતચીત કરવા દિવસમાં એકથી વધુ વખત ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો હતો તેમનામાં ડિપ્રેશનનું પ્રમાણ લગભગ નહિવત્ હતું અને તેમના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થયો હતો. આનાથી સાબિત થયું કે ઇન્ટરનેટ વૃદ્ધોમાં એકલવાયા હોવાનું મનોવૈજ્ઞાનિક દબાણ ઘટાડવામાં ઘણું મદદરૂપ થઇ શકે છે. વૃદ્ધો ઇન્ટરનેટ પર કયા-કયા વિષય કેટલીવાર જુએ છે તેની જાણકારી પણ અભ્યાસ થકી મળી હતી.

જે લોકોએ સપ્તાહમાં એક દિવસ અથવા ઓછો સમય ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો હતો તેમની સરખામણીએ દિવસમાં એક અથવા વધુ વખત ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા વૃદ્ધોમાં હતાશાના લક્ષણો ઘણાં ઓછાં જણાયા હતા અને તેમના જીવનની ગુણવત્તા પણ વધારે હતી..

કોમ્યુનિકેશન માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોમાં લાભકારી અસર જોવાઈ હતી પરંતુ, માત્ર આરોગ્ય સંબંધિત માહિતી મેળવવા ઈન્ટરનેટનું સર્ચિંગ કરનારામાં ડિપ્રેશનનું પ્રમાણ ઊંચુ હતું. જોકે, સંશોધકોનું માનવું છે કે તે સમયે કોરોના ટોચ પર હોવાથી આરોગ્ય સંબંધી ચિંતાના કારણે આમ થયાનું બની શકે છે.

બ્રિટનમાં ૯૯ ટકા ઇન્ટરનેટ યુઝર્સ ૧૬થી ૪૪ વયજૂથના છે જ્યારે ૭૫ વર્ષથી વધુ ઉંમરના ૫૪ લોકો ઇન્ટરનેટનો નિયમિત ઉપયોગ કરે છે પરંતુ, આવા વૃદ્ધોની સંખ્યા સતત વધી રહી છે. ૨૦૧૩માં દેશમાં ૭૫ વર્ષથી વધુ વયના ઇન્ટરનેટ યુઝર્સ ૨૯ ટકા હતા, જે ૨૦૨૦ સુધીમાં વધીને ૫૪ ટકા અથવા તો લગભગ બમણા થયા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter