વિશ્વના સૌથી વિશાળ મેડિટેશન સેન્ટર કાન્હા શાંતિ વનમનું રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે ઉદ્ઘાટન

Wednesday 05th February 2020 05:21 EST
 
 

હૈદરાબાદ, લંડનઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે બીજી ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ હાર્ટફુલનેસ ઈન્સ્ટિટ્યૂટના વૈશ્વિક વડા મથક કાન્હા શાંતિ વનમનું હૈદરાબાદ ખાતે ઉદ્ઘાટન કર્યું હતુ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અંગત શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. કાન્હા શાંતિ વનમસ્થિત આ ઈન્સ્ટિટયૂટનું ૧૦૦,૦૦૦ લોકોની ક્ષમતા સાથેનું ધ્યાન કેન્દ્ર વિશ્વમાં સૌથી વિશાળ છે. રાષ્ટ્રપતિએ આ મુલાકાત દરમિયાન ૫૦૦,૦૦૦મું વૃક્ષ રોપીને ક્ષેત્રની હરિયાળીને આગળ વધારી હતી.

હાર્ટફૂલનેસના ઉત્સાહી હિમાયતી કોવિંદ અને સંસ્થાના વૈશ્વિક માર્ગદર્શક દાજીએ ૪૦,૦૦૦ સાથી અભ્યાસુઓને સંબોધન કરતા કહ્યું હતું કે,‘ હાર્ટફૂલનેસના અભ્યાસ થકી સધાયેલો આંતર સ્વવિકાસ સમગ્ર વિશ્વમાં વ્યક્તિગત અને સામૂહિક પરિવર્તન લાવવામાં મદદ કરે છે.’

સંસ્થાની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે ઘણા દિવસોની ઉજવણી પછીના આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ યોગ ગુરુ બાબા રામદેવ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ મેડિટેશન સેન્ટર હાર્ટફુલનેસના પ્રથમ માર્ગદર્શક લાલાજીને સમર્પિત કરાયું છે. ઉદ્ઘાટન સંદર્ભે દાજીએ જણાવ્યું હતું કે,‘પાંચ વર્ષમાં કાન્હા શાંતિ વનમ્ ભવ્ય સ્વાસ્થ્ય કેન્દ્ર તરીકે વિકસ્યું છે. આપણા હજારો અભ્યાસુઓના અથાક પ્રયાસો થકી વિશ્વના સૌથી વિશાળ મેડિટેશન સેન્ટર સાથે પરિપૂર્ણ થવાનું શક્ય બન્યું છે. હાર્ટફુલનેસ ચિરકાલ રહે તે માટેનું કાર્ય હવે આરંભ થાય છે.’

સુદર્શનીય મેડિટેશન સેન્ટરને સિડની ઓપેરા હાઉસ જેવી વૈશ્વિક ઈમારતોની ભવ્યતા સાતે સરખાવી શકાય છે. તેના મુખ્ય ઉદ્દેશને સમજાવતા દાજીએ કહ્યું હતું કે,‘આ મેડિટેશન સેન્ટર આગામી વર્ષોમાં વિશ્વમાં સૌથી સન્માનીય પ્રતીકોમાં એક બની રહેશે. તે માત્ર તેની ભવ્યતાના કારણે નહિ પરંતુ, માનવ રુપાંતરણના પ્રતીક તરીકે આદરપાત્ર બનશે.’ ૧૪૦૦ એકરમાં ફેલાયેલું કાન્હા શાંતિ વનમ એક સમયે ઉજ્જડ વિસ્તાર હતો જ્યાં હાલ પાંચ લાખ વૃક્ષોની હરિયાળી લહેરાય છે. માનવી હોય કે પ્રાણી ને વનસ્પતિ, તમામ માટે શ્રેષ્ઠ કક્ષાનો વસવાટ થઈ શકે તેવું પર્યાવરણ અહીં સર્જાયું છે.

સમગ્ર વિશ્વમાં લાકો પ્રેક્ટિશનર્સ સાથે હાર્ટફુલનેસ સંસ્થા યુકેમાં સ્વવિકાસ અને આંતરિક શાંતિ-સ્વસ્થતા માટે નિઃશુલ્ક સરળ અભ્યાસની ઓફર કરે છે. શ્રી રામ ચંદ્ર મિશન યુકે (SRCM UK) હાર્ટફુલનેસ યુકે કંપની તરીકે કાર્યરત છે અને ઈંગ્લેન્ડ-વેલ્સ તેમજ સ્કોટલેન્ડમાં ચેરિટી તરીકે નોંધાયેલ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter