શાહી સંતાનની મશ્કરી બદલ રેડિયો પ્રેઝન્ટરને પાણીચું મળ્યું

Wednesday 15th May 2019 02:44 EDT
 
 

લંડનઃ ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સના નવજાત બાળક વિશે ચિમ્પાન્ઝીના ફોટો સાથે રંગભેદ વિશેની ટ્વીટ કરવાના આક્ષેપો બદલ BBCરેડિયો 5એ પ્રેઝન્ટર ડેની બેકરને ૯મી મેએ નોકરીમાંથી પાણીચું પકડાવી દીધું હતું. આ અંગે ઘેરો ખેદ વ્યક્ત કરતાં બેકરે જણાવ્યું હતું,‘ તે મારી જિંદગીના અતિ ખરાબ દિવસો પૈકીનો એક હતો.’ ૬૧ વર્ષીય બેકરે ૧૦ મેએ ટ્વીટ કરીને જણાવ્યું હતું,‘ખરેખર મોટી ભૂલ હતી.’

બેકરે ડિલીટ કરી નાખેલા ટ્વીટમાં બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફમાં સુંદર વસ્ત્રોમાં સજજ યુગલ અને તેમની સાથે સૂટમાં ચિમ્પાન્ઝી દેખાતો હતા. તેના કેપ્શનમાં શાહી બાળક હોસ્પિટલથી રજા લઈને જાય છે. (રોયલ બેબી લીવ્સ હોસ્પિટલ). બેકરે આવો ફોટો મૂકવા બદલ માફી માગી હતી, પરંતુ તેમને નોકરીમાંથી કાઢી મૂકાયા હતા. મેગન મર્કેલની માતા આફ્રિકન અમેરિકન છે. પ્રિન્સ હેરી અને મેગને પુત્રનું નામ આર્ચી હેરિસન માઉન્ટબેટન–વિન્ડસર રાખ્યું છે.

બેકરે આ તસવીર મૂકવામાં રંગભેદની વાતનો ઈરાદો નકાર્યો હતો પરંતુ, હવે તેની કિંમત ચૂકવી રહ્યા હોવાનું ..અને તે જ યોગ્ય હોવાનું સ્વીકાર્યું હતું. તેમણે લખ્યું હતું, ‘જિંદગીના એક અતિ ખરાબ દિવસ બાદ મારે લીધે જે રોષ ફેલાયો તે બદલ હું માફી માગવા ઈચ્છું છું. હું કેવી રીતે તેમાં સંડોવાયો તેનો ખુલાસો કરવા માગું છું. જોકનું વર્ણન કરવા માટે મેં ખોટો ફોટો પસંદ કર્યો હતો.’

બીબીસીના પ્રવક્તાએ જણાવ્યું હતું,‘ બેકરની આ એક ગંભીર ભૂલ હતી. તે સારા બ્રોડકાસ્ટર છે. પરંતુ હવે તે અમારી સાથે વીક્લી શો રજૂ કરશે નહિ.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter