શૈલેષ વારાનું ‘વેર ઈટ પિન્ક’ ફંડ રેઈઝર અભિયાનને સમર્થન

Tuesday 12th September 2017 08:30 EDT
 
 

લંડનઃ કન્ઝર્વેટિવ સાંસદ શૈલેષ વારાએ બ્રેસ્ટ કેન્સર નાઉના ફંડ રેઈઝર અભિયાન ‘વેર ઈટ પિન્ક’ માટે સ્કાય ટીવીના સ્પોર્ટ્સ પ્રેઝન્ટર જેકી બેલટ્રાઓ સાથે મળી સમર્થન દર્શાવ્યું હતું. ફંડ રેઈઝર કાર્યક્રમ શુક્રવાર ૨૦ ઓક્ટોબર ૨૦૧૭ના દિવસે યોજાશે જેમાં, બ્રેસ્ટ કેન્સર રીસર્ચ માટે મહત્ત્વનું ભંડોળ ઉઘરાવવા યુકેમાં હજારો લોકો પોતાના વસ્ત્રોમાં ગુલાબી રંગનો સ્પર્શ આપશે. સાંસદ વારાએ તાજેતરમાં અભિયાનના સમર્થનમાં પિન્ક શર્ટ પહેર્યું હતું.

વારાએ જણાવ્યું હતું કે, ‘યુકેમાં બ્રેસ્ટ કેન્સર સૌથી સામાન્ય કેન્સર છે. આઠમાંથી એક મહિલા તેના જીવનકાળમાં તેનો સામનો કરે છે અને તેના કારણે દર વર્ષે ૧૧,૫૦૦ સ્ત્રી અને ૮૦ પુરુષ પોતાની જિંદગી ગુમાવે છે. આ કોઈ ચોક્કસ લિંગજન્ય રોગ નથી. આ મુદ્દે મેં પ્રાઈવેટ મેમ્બર્સ બિલ પણ રજૂ કરી બ્રેસ્ટ કેન્સર માટે ફરજિયાત સ્ક્રીનિંગ પીરિયડ વધારવા પ્રયાસ કર્યો હતો. વેર ઈટ પિન્ક અભિયાન બ્રેસ્ટ કેન્સર નાઉ દ્વારા હાથ ધરાતા સંશોધનને ટેકો આપવાનો સરળ માર્ગ છે.’

ઓક્ટોબર મહિનાને બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ તરીકે ગણાવાય છે અને ગત ૧૬ વર્ષના ગાળામાં જીવનરક્ષક સંશોધન માટે ૩૦ મિલિયન પાઉન્ડ એકત્ર કરવામાં આવ્યા છે. વેર ઈટ પિન્ક અભિયાનમાં કોઈ પણ ભાગ લઈ શકે છે. લોકોએ પિન્ક વસ્ત્ર પહેરવાનું છે અથવા ઘર, કામના સ્થળ કે સ્કૂલમાં કાર્યક્રમ યોજી તેમાં ગુલાબી રંગને પ્રાધાન્ય સાથે બ્રેસ્ટ કેન્સર નાઉને દાન આપવાનું છે. વધુ માહિતી અને રજિસ્ટ્રેશન માટે wearitpink.org/2017 નો સંપર્ક કરી શકાશે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter