સંસ્કૃતિ, શ્રદ્ધા અને ઓળખના મૂળિયાં વતન તરફ ખેંચે છે

હીના વડગામા Wednesday 25th June 2025 06:05 EDT
 
 

મને તાજેતરમાં જ બલહામ મંદિર મારફત વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) દ્વારા આયોજિત સ્થાનિક ઈવેન્ટમાં હાજરી આપવાનો આનંદ પ્રાપ્ત થયો હતો અને મારે કહેવું જોઈએ કે મને તેમાંથી ભારે પ્રેરણા મળી હતી. નાના બાળકોએ ભારે આનંદ અને આત્મવિશ્વાસ સાથે કૃષ્ણલીલાનું પરફોર્મન્સ આપ્યું તે મને સૌથી સ્પર્શી ગયું હતું. આ માત્ર સ્ટેજ પરફોર્મન્સ ન હતું, ઓળખની શાંત છતાં, શક્તિશાળી ઘોષણા હતી. VYO એજ્યુકેશન ટીમે આ બધાના સંયોજન, બાળકો અર્થસભર રીતે પોતાના વારસા સાથે સંકળાઈ શકે તેવું પ્લેટફોર્મ રચવાની અદ્ભૂત જહેમત ઉઠાવી હતી.

આપણને કામ, પરિવાર અને અનેક માંગ સાથે અલગ અલગ દિશાઓમાં ખેંચતા ગતિશીલ જીવનના વિશ્વમાં VYO એજ્યુકેશન જેવી સંસ્થા અસ્તિત્વ ધરાવે છે તે જાણવાથી આશા અને વિશ્વાસનો સંચાર થાય છે. હિન્દુ બાળકોમાં ગૌરવ અને આત્મશ્રદ્ધા સીંચવાનું તેમનું મિશન સમયસરનું આવશ્યક રહ્યું છે. ડેમોગ્રાફિક બદલાવો અને સાંસ્કૃતિક પ્રભાવમાં વૈવિધ્યતા આવી છે ત્યારે આપણા બાળકોને તેઓ કોણ છે અને ક્યાંથી આવ્યાં છે તેની મજબૂત સમજ આપવી આવશ્યક અને મહત્ત્વપૂર્ણ છે.

આ પ્રકારના ઈનિશિયેટિવ્ઝ માત્ર પૌરાણિકતા કે પરંપરા શીખવતા નથી – તેઓ સામાજિક જાગરૂકતા, કોમ્યુનિટી સાથે જોડાણ અને સંવેદનાત્મક પાયાનું નિર્માણ પણ કરે છે. ઘણા પેરન્ટ્સ માટે કામકાજ અને જીવન વચ્ચે સંતુલન જાળવી રાખવાનું મુશ્કેલ બની રહે છે. આ સાથે સાંસ્કૃતિક મૂલ્યોને પોષવાના પડકારો પણ ઉમેરાય છે, જે ભારે બોજો ઉભો કરે છે. આથી જ VYOની કામગીરી મહામૂલી છે, તે આવા કેટલાક બોજાને ઉપાડી લે છે તેમજ તળિયાનું સ્તર સમજનારા, દયાળુ અને સાંસ્કૃતિક જાગૃતિ ધરાવનારા બાળકોને ઉછેરવાનો પ્રયાસ કરી રહેલા પરિવારોને સપોર્ટ અને માળખાની ઓફર કરે છે.

પ્રશ્ન એ થાય કે મેં આ ઈવેન્ટમાં હાજરી શાથી આપી? પ્રામાણિક ઉત્તર એ છે કે મારાં મૂળિયાં મને ખેંચી ગયાં. મારી માતા, જેમને હું વહાલથી બા કહું છું- તેમનો જન્મ વૈષ્ણવ પરિવારમાં થયો હતો અને કૃષ્ણમાં તેમની આસ્થા મજબૂત હતી. મોટાં થવાં સાથે હું પણ ઘણી વખત તેમની સાથે અમારી સ્થાનિક પુષ્ટમાર્ગ હવેલીમાં દર્શન કરવા જતી હતી. દરેક સવારે પલાંઠી મારીને બેસવું, દીવો પ્રગટાવવો, શ્રીમદ્ ભાગવત ગીતા અને અન્ય ધર્મગ્રંથોમાંથી વાંચવું -બધું કાઈ કર્મકાંડ ન હતું. આ આસ્થા, અનુશાસન અને શાંત તાકાતનો માસ્ટરક્લાસ હતો.

તેમણે અમને ધર્મ, સચ્ચાઈ, અન્ય બધા ધર્મોને આદર આપવાનું મહત્ત્વ અને અન્યોને ભોજન કરાવવાનો આનંદ, આ વિશે શીખવ્યું હતું. તેમના દાદીમા પણ ચૂસ્ત વૈષ્ણવ હતાં અને તેમના પિતા-મારાં નાનાએ હાથમાં ભગવદ્ ગીતાજી રાખીને ચિરવિદાય લીધી હતી. આ બધાં સંસ્મરણો નથી, તેઓ મારાં મૂળિયાં છે, મારો કંપાસ છે. માતાઓ આપણાં બાળપણને જ નહિ, તેનાથી પણ વધુ ઘડતર કરે છે. તેઓ આપણાં સંવેદનશીલ જીવન, આપણાપણાની લાગણી, તેમજ પ્રેમ અને હેતુઓની આપણી સમજને પ્રભાવિત કરે છે. તેમણે ચિરવિદાય લીધાં પછી પણ સંપર્ક તૂટી જતો નથી. મારાં સંઘર્ષકાળમાં બા મારાં સ્વપ્નામાં આવતા, સરસ્વતીના શ્લોકો ઉચ્ચારતાં, મને શ્રદ્ધા રાખવાં અને અડગ રહેવાં અનુરોધ કરતાં હતા. આ દૈવી માર્ગદર્શન જેવું લાગતું હતું. સનાતન ધર્મની માન્યતા કે આત્મા અમર છેની યાદ અપાવતું હતું.

સનાતન ધર્મ એટલે માત્ર ધર્મ નહિ, તે જીવનમાર્ગ છે. આપણે કેવી રીતે જીવીએ, પ્રેમ કરીએ અને સેવા કરીએ તેનું ઘડતર કરતા શાશ્વત સત્યોનો સંગ્રહ છે. આપણને આ આધ્યાત્મક ધરોહરમાં જન્મ લેવાનો સાચો આશીર્વાદ મળ્યો છે. આપણે જો તેને જીવંત રાખવા ઈચ્છતા હોઈએ તો આપણે તેને આગળ વધારવું જોઈએ – માત્ર શબ્દો થકી જ નહિ, પરંતુ VYO એજ્યુકેશન જેવી સંસ્થાઓની માફક અર્થસભર પ્રવૃત્તિઓ અને સામૂહિક પ્રયાસો મારફત જ તેમ કરી શકાશે.

આપણા બાળકોનો ઉછેર માત્ર સ્માર્ટ થવા નહિ, પરંતુ આધ્યાત્મિક રીતે મૂળિયાં સાથે થાય તેમાં મદદરૂપ થતાં તત્વોને આપણે સપોર્ટ કરી તેને ઉજવીએ. કારણકે ભારે કોલાહલ સાથેના આ વિશ્વમાં માત્ર આપણા મૂળ જ આપણે કોણ છીએ તેનું સ્મરણ કરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter