આજોલના સંસ્કાર તીર્થમાં રોજગારીનો નવતર પ્રયોગ

આપણી પ્રાણવાન સંસ્થા

શ્રીજીત રાજન Wednesday 13th April 2022 06:30 EDT
 
 

વધતી મોંઘવારી શિક્ષણ પર પ્રતિકૂળ પ્રભાવ સર્જે છે. આમાંય મધ્યમવર્ગી પરિવારમાં કમાનાર એક હોય ત્યારે મોંઘવારીનો માર મૂંઝવે. ઉત્તર ગુજરાતમાં માણસા નજીક સંસ્કાર તીર્થ - આજોલમાં કન્યા શિક્ષણ દ્વારા મહિલા સશક્તિકરણનું કામ ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થી બાબુભાઈ શાહે કર્યું. તેમણે ધખાવેલી ધૂણી અખંડ રાખવાનું શ્રેય વિદ્યાપીઠમાં વિદ્યાર્થિની ડો. યોગિની મજમુદારે કર્યું. રાષ્ટ્રપતિ દ્વારા ઉત્તમ શિક્ષક તરીકે સન્માનિત અને અનુપમ મિશનના શાલિન માનવરત્ન સહિત સંખ્યાબંધ એવોર્ડ પામનાર માત્ર શિક્ષણને વરેલ ડો. મજમુદાર ગામડાંગામમાં શિક્ષણના વિરલ અને એકલ યોદ્ધાં બનીને ઝઝૂમે છે.
શિક્ષણ માટેના વર્ગોની જરૂરી સંખ્યાના અભાવે તેમણે પાકાં મકાનો માટે દાતા ના મળતાં કુટિરો સર્જી. ઓછા ખર્ચે બનતી કુટિરોમાં ‘ગુજરાત સમાચાર’ના સી.બી. પટેલે બે કુટિરનું પ્રથમ દાન આપીને આરંભ કર્યો. વર્ષોથી અમેરિકા સ્થાયી, શિક્ષણપ્રેમી અને વિદેશવાસી ગુજરાતીઓની ગૌરવગાથાના આલેખક, ડઝનબંધ દેશોના પ્રવાસી એવા પ્રા. ચંદ્રકાંત પટેલે પોતાનાં તેજસ્વી વિદ્યાર્થિની ડો. મજમુદારના સેવાયજ્ઞને પ્રજ્વલિત રાખવા બે કુટિરનું દાન કર્યું, તો તેમના બીજા મિત્રોએ ચાર કુટિર માટે દાન આપી. આમ આઠ કુટિરોનું નયનરમ્ય હરિયાળું ગુરુકુળ સર્જાયું. પ્રત્યેક કુટિર વેદકાલિન ઋષિનું નામ ધરાવે છે. ઋષિના જ્ઞાનનો નીચોડ ત્યાં અંકિત કર્યો છે. પ્રાચીન ગુરુકુળની ઝાંખી કરાવતું સંસ્કાર તીર્થ ગુરુકુળ અનન્ય છે. જૂના સમયમાં ગુરુકુળમાં કુમાર ભણતા. કન્યા કેળવણીને વરેલા ગુરુકુળનો અભાવ હતો ત્યારે આ ગુરુકુળ ગુજરાતમાં અનન્ય છે.
છેલ્લાં પચાસ વર્ષથી કન્યા કેળવણીને ક્ષેત્રે ધૂણી ધખાવીને બેઠેલાં ડો. યોગિની મજમુદારને કન્યા કેળવણીની સાથે સાથે મહિલા સશક્તિકરણ માટે શિક્ષણ ઉપરાંત આ કન્યાઓની માતાઓનો ય વિચાર આવતો હતો. દીકરીઓને ભણાવવા ઝંખતી કેટલીક માતાઓ-દીકરીઓને છાત્રાલયમાં મૂકવા આવતી ત્યારે પોતાની આર્થિક અટવામણોની વાત કરતી. સશક્ત હોય પણ કામ ન મળે. મળે તો કામચલાઉ હોય. આ સાંભળીને યોગિનીબહેન દિવસો સુધી વિચાર્યા કરે, ‘શું કરું તો આવી અટવામણ ટળે?’
યોગિનીબહેન દીન - દલિત - દુઃખીનાં ‘મોટાં બહેન’. બીજાના દુઃખે દુઃખી થવાના જન્મજાત સંસ્કાર. એકાદ સૈકા પર તેમના દાદા મણિલાલ મજમુદાર ગાયકવાડી રાજ્યમાં મોટા મહેસૂલી અધિકારી. વિસનગર એમનું વતન. પાટણમાં એ મહેસૂલી અધિકારી. ગાયકવાડ સરકારે ખેડૂતોનું જમીન મહેસૂલ વધાર્યું. હૂકમ મળ્યો. કિસાનોની હાલતથી વાકેફ, દયાથી ભરેલા તેમણે હૂકમનો અમલ કરવાને બદલે વિસનગરની વાવ પર જઈને ચિઠ્ઠી મૂકી, ‘હું ગરીબ ખેડૂતો પાસેથી મહેસૂલ વસૂલ કરવા અશક્ત છું. મારે હવે જીવવું નથી.’ તેમણે વાવમાં પડી આપઘાત કર્યો.
યોગિનીબહેન તેમના વિદ્યાગુરુ પ્રા. ચંદ્રકાંત પટેલને વાત કરી અને મહિલાઓને રોજગારી આપવાની યોજના રજૂ કરી.
વર્ષાબહેન મહિલા સ્વાશ્રય કેન્દ્ર
ચંદ્રકાંતભાઈને યોજના ગમી. તેમણે પોતાનાં પત્ની વર્ષાબહેન પટેલનાં નામે ‘વર્ષાબહેન મહિલા સ્વાશ્રય કેન્દ્ર’નું મકાન બાંધવાનું પૂરું ખર્ચ આપ્યું. વધારામાં તેમણે ખાખરા બનાવવા અને શેકવા માટેનું ઓટોમેટિક મશીન આપ્યું. આ ઉપરાંત કામે આવનાર મહિલાઓને લાવવા-લઈ જવા અને માલના પરિવહન માટે પર્યાવરણને ખ્યાલમાં રાખીને ઈ-રીક્ષા ભેટ આપી. આ ઉપરાંત બીજા રૂ. 1.75 લાખ રૂપિયાનું દાન એના વિકાસ માટે આપ્યું.
હજી આરંભ છે, પાંચ-સાત વ્યક્તિ કામ કરે છે. વિવિધ પ્રકારના ખાખરા બનાવે છે. જેમાં જીરા મરી, મસાલા, મેથી અને સાદા ખાખરા છે. આ ઉપરાંત પાલક સેવ, રતલામી સેવ, ગળ્યા અને તીખા શક્કરપારા, ચકરી, સીંગના ભજિયાં, ફરસી પુરી વગેરે નાસ્તા બનાવે છે.
વર્ષાબહેન મહિલા સ્વાશ્રય કેન્દ્ર કોઈ ધંધાદારી કે નફો કરવાના હેતુથી ચાલતું કેન્દ્ર નથી. હેતુ સ્પષ્ટ છે. વિદ્યાર્થિનીઓ, બિનશૈક્ષણિક કર્મચારીઓની પત્નીઓ કે ગામડાંની સ્ત્રીઓ જેમને કામ કરવું છે તે ખંડ સમય કે પૂરો સમય કામ કરીને ગૌરવભેર કમાણી કરે.
અહીંના ઉત્પાદન પર મામૂલી ઘસારો ઉમેરીને બજારભાવ કરતાં સસ્તી કિંમતે ગુણવત્તાયુક્ત નાસ્તો પ્રાપ્ત થાય છે. શરૂઆત છે, ટાંચાં સાધનો છે પણ સૂઝ છે. સપનું છે. ભાવિ વિકાસનો ખ્યાલ ડો. મજમુદારના મનમાં છે.
શિક્ષણ ક્ષેત્રે રોજગારી ઊભી કરીને વિદ્યાર્થિનીઓ અને મહિલાઓમાં મહેનતનો મહિમા પ્રેરતો મહિલા સશક્તિકરણનો ડો. મજમુદારનો આ પ્રયોગ અન્ય માટે પ્રેરક દીવાદાંડીરૂપ છે. પ્રા. ચંદ્રકાંત પટેલ જેવા બીજા દાતાઓ આ પ્રયોગમાં શક્ય તેટલો સાથ આપશે તો આ પ્રયોગ સફળ થશે અને અન્ય સંસ્થાઓની હિંમત વધશે. ડો. મજમુદાર અને ચંદ્રકાંત પટેલને નવી કેડી કંડારવા બદલ અભિનંદન.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter