એઈલ્સબરીઃ એઈલ્સબરી હિન્દુ ટેમ્પલ (AHT) દ્વારા 27 જૂન શુક્રવારની સાંજે એઈલ્સબરી મલ્ટિકલ્ચરલ સેન્ટર ખાતે 7મો વાર્ષિક રથયાત્રા ઉત્સવ યોજાયો હતો જેમાં બકિંગહામશાયર, ઓક્સફર્ડશાયર, હર્ટફોર્ડશાયર અને ગ્રેટર લંડનથી પણ 350થી વધુ ભક્તોએ હાજરી આપી હતી.
રથયાત્રા પરંપરાના મૂળ ઓડિશાના પવિત્ર નગર પૂરીમાં રહ્યા છે. સ્કંદપુરાણ અનુસાર ભગવાન જગન્નાથજીની 12 વાર્ષિક શોભાયાત્રાઓમાં શ્રી ગુંડિચા રથયાત્રા સૌથી પવિત્ર ગણાય છે. એઈલ્સબરીના આ વાર્ષિક ઉત્સવમાં તમામ વય અને પશ્ચાદભૂના લોકો આવી પહોંચતા આધ્યાત્મિક ઉત્સાહ અને એકતાનું વાતાવરણ છવાયું હતું.
પવિત્ર સાંજનો આરંભ પૂજા અને આરતી સાથે થયો હતો, આ પછી, ભવ્ય રથને ખેંચવાની યાત્રા, ભક્તિગીતો અને કીર્તન, અને મહાપ્રસાદનું વિતરણ કરાયું હતું. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને માતા સુભદ્રાની મૂર્તિઓ સાથે સુંદર રીતે સજાવેલા રથની વિધિવિધાન, સંગીત અને જય જગન્નાથના ઉચ્ચારો સાથે પ્રતીકાત્મક યાત્રા કાઢવામાં આવી હતી. કોમ્યુનિટીના પુરુષો, સ્ત્રીઓ અને બાળકો ભગવાનના રથને ખેંચવામાં સામેલ થયા હતા અને ભગવાનનો સામૂહિક જયજયકાર ઉચ્ચારતા હતા. ઉત્સવની ઊર્જા, એકતા અને આધ્યાત્મિક સંબંધથી ઉપસ્થિત દરેક વ્યક્તિના મનમાં દિવ્ય અનુભવ સર્જાયો હતો. દર વર્ષે રથયાત્રા ઉત્સવમાં વધતી હાજરી સાથે AHTની રથયાત્રા આ વિસ્તારના લોકો માટે સીમાચિહ્ન સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઈવેન્ટ બની રહી છે જેના થકી સમાવેશિતા, સમર્પણ અને સામુદાયિકતાની ભાવના પ્રબળ બને છે.