કાન્તિ ભટ્ટ હવે શબ્દદેહે ધબકશે અમદાવાદના ભારતીય વિદ્યા ભવનમાં

Wednesday 01st March 2023 05:11 EST
 
 

અમદાવાદઃ શહેરના જાણીતા સંસ્થાન ભારતીય વિદ્યા ભવનમાં સુપ્રસિદ્ધ પત્રકાર અને લેખક સ્વ. કાન્તિ ભટ્ટની સ્મૃતિમાં અનોખું સ્મારક અને વાંચન ખંડ સાકાર થયા છે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં પીઢ પત્રકાર અને સંપાદક શીલા ભટ્ટ અને જાણીતા લેખક મધુ રાયના હસ્તે આ સ્મારક અને વાંચન ખંડનું લોકાર્પણ કર્યું હતું.
સ્મારકની વિશેષતા એ છે કે કોઈ લેખક-પત્રકારની યાદમાં સાકાર થયેલું અને વાચનપ્રેમી જનતાને સમર્પિત એવું આ પહેલું સ્મારક છે. અહીં સ્વ. કાન્તિભાઈના 1,600થી વધુ પુસ્તકોના વ્યક્તિગત સંગ્રહની સાથે સાથે વિવિધ અખબારો - સામયિકોમાં પ્રકાશિત થયેલા તેમના 16,000થી વધુ લેખો, તેમજ તેમની કેટલીક અંગત વસ્તુઓનો સંગ્રહ જાળવવામાં આવ્યો છે. ભારતીય વિદ્યા ભવનના હરિલાલ ભગવતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ મેનેજમેન્ટ (HBICM) દ્વારા આ સ્મારકનું સંચાલન થશે.
કાન્તિભાઈએ પાંચ દાયકા લાંબી તેમની દીર્ઘ લેખન કારકિર્દીની શરૂઆત 1970માં કરી હતી. તેમનું લેખનકાર્ય વર્ષ 2019 સુધી અવિરત, તેમના અંતિમ શ્વાસ સુધી ચાલુ રહ્યું હતું. તેમણે મુખ્યત્વે કાન્તિ ભટ્ટ નામ ઉપરાંત બહુવિધ ઉપનામોથી અનેકવિધ વિષયો પર વ્યાપક લેખનકાર્ય કર્યું હતું. ઊંડા અભ્યાસ સાથે રસાળ શૈલીમાં લખાયેલા તેમના અહેવાલો, લેખો અને કોલમ્સ દાયકાઓ સુધી ગુજરાતી વાચકો માટે સ્થાનિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક બાબતો પર સચોટ માહિતી અને તીક્ષ્ણ પરિપ્રેક્ષ્ય જાણવા માટે લોકપ્રિય હતા. તેમણે અને તેમના જીવનસાથી શીલા ભટ્ટે સંયુક્તપણે સૌથી લોકપ્રિય ગુજરાતી સામયિકોમાંનું એક ‘અભિયાન’ શરૂ કર્યું હતું. તેમણે 50થી વધુ પુસ્તકો પણ લખ્યા છે. કાન્તિ ભટ્ટ તેમની પ્રમાણિકતા ઉપરાંત ખૂબ જ નિર્ભીક તથા ધારદાર લેખન માટે જાણીતા હતા.
“કાન્તિ ભટ્ટના કદના અને ગજાના પત્રકાર માટે સ્મારક એ એક યોગ્ય શ્રદ્ધાંજલિ છે,” એમ જણાવતાં શીલાબહેને આવું અનોખું સ્મારક બનાવવાની ભારતીય વિદ્યા ભવનની પહેલને બિરદાવી હતી. તેમણે આ સ્મારકથી પ્રેરણા લઇને અન્ય સુપ્રસિદ્ધ પત્રકારો અને લેખકોની યાદમાં આવા જીવંત સ્મારકો બનાવવા માટે આગ્રહ કર્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત પત્રકારો-લેખકો અને વાચનપ્રેમીઓને સંબોધતા શીલાબહેને કહ્યું હતું, “કાન્તિ ભટ્ટને પુસ્તકો ખુબ પ્રિય હતા. મને ખાતરી છે કે તેમની અંતિમ ક્ષણો દરમિયાન પણ તેઓ તેમના પુસ્તકો અને તેમના લખાણોનું શું થશે તે જ વિચારતા હશે. હવે જરૂરથી તેમના આત્માને શાંતિ મળશે.”
જાણીતા ગુજરાતી લેખક અને નાટ્યકાર મધુ રાયે આ સ્મારક લોકોને સમર્પિત કર્યું હતું. તેમણે કાન્તિ ભટ્ટને મળેલી જંગી લોકપ્રિયતા અને સફળતા સ્પષ્ટ રીતે ઉભરી આવી હોવાનું જણાવી પોતાની આગવી હળવી શૈલીમાં સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે સંબોધન કરતાં ‘ગુજરાત સમાચાર’ - Asian Voice સાપ્તાહિકના પ્રકાશક અને એડિટર-ઇન-ચીફ સી.બી. પટેલે કહ્યું હતું, ‘ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે ભટ્ટ દંપતી - કાન્તિ ભટ્ટ અને શીલા ભટ્ટનું યોગદાન અતુલનીય છે. કાન્તિ ભટ્ટે તેમની કલમ થકી આપેલું યોગદાન આ સ્મારકના માધ્યમથી અવિસ્મરણીય બની રહેશે તે વાતે મને લગારેય શંકા નથી.’
ભવન્સના રાજેન્દ્ર પ્રસાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્યુનિકેશન એન્ડ મેનેજમેન્ટના ડિરેક્ટર અને સ્મારકના ક્યુરેટર તરીકે કાર્યભાર સંભાળતા વરિષ્ઠ પત્રકાર તથા તંત્રી શ્યામ પારેખે કહ્યું હતું, “કાન્તિભાઈનો સમગ્ર વારસો આ જાહેર સંસ્થાને સોંપવો અને તેને સહુ કોઇ માટે સુલભ બનાવવો એ ખરેખર શીલાબહેનની એક મહાન પહેલ છે.” તેમણે ઉમેર્યું હતું કે હાલમાં કાન્તિભાઈના તમામ પ્રકાશિત લેખો ડિજિટાઇઝ થઈ રહ્યા છે અને થોડા સમય બાદ તે ઓનલાઈન ઉપલબ્ધ થશે. આમ દુનિયાના કોઇ પણ છેડે બેઠેલો વાચક ઘરેબેઠાં કાન્તિભાઇના લેખોને માણી શકશે.
આ પ્રસંગે ભવન્સના અમદાવાદ કેન્દ્રના અધ્યક્ષ મુકેશ પટેલ અને સેક્રેટરી પ્રકાશ ભગવતીએ સ્મારકની સ્થાપનામાં શીલાબહેને આપેલા સહકારને બિરદાવ્યો હતો. ભવન્સના ખજાનચી ગૌરવ શાહે એવી લાગણી વ્યક્ત કરી હતી કે ‘કાન્તિ ભટ્ટ જેવા દિગ્ગજ પત્રકારને આ એકદમ યોગ્ય શ્રદ્ધાંજલિ છે.’
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા સ્વ. કાન્તિભાઈના બહેન ઈન્દિરાબહેન વ્યાસે યુવાન કાન્તિભાઈના જીવન સાથે જોડાયેલી યાદો તાજી કરતા કહ્યું હતું કે તેઓ તેમના પુસ્તકો અને વાંચન સાથે ઊંડો લગાવ ધરાવતા હતા.
ઉલ્લેખનીય છે કે મેમોરિયલમાં કાન્તિભાઈના અંગત સંગ્રહના લગભગ 1,600 પુસ્તકો મૂકાયા છે, જે શીલા ભટ્ટ દ્વારા ભારતીય વિદ્યા ભવન-અમદાવાદને દાનમાં આપવામાં આવ્યા છે. આ સ્મારક પત્રકારત્વ અને અન્ય શાખાઓના વિદ્યાર્થીઓ માટે લેક્ચર હોલ અને વર્ગ ખંડ તરીકે પણ ઉપયોગમાં લેવાશે. સ્મારકમાં પ્રવચનો માટે 50 વ્યક્તિઓની બેઠક ક્ષમતા ધરાવતા હોલમાં ચર્ચાસભા અને વ્યાખ્યાનોનું આયોજન થશે. સ્મારક ખાતે અત્યાધુનિક ઓડિયો-વિઝ્યુઅલ સાધનો, પ્રોજેક્ટર અને જૂના કોમ્યુનિકેશન ગેજેટ્સનો એક ક્યુરેટેડ સંગ્રહ પણ મુકવામાં આવ્યો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter