કેરર્સ યુકે દ્વારા સારસંભાળ માટે ‘કોઈની સંભાળ લેવી’ ગુજરાતી ગાઈડબૂક તૈયાર

BAPS સ્વામીનારાયણ સંસ્થા સાથે સહયોગનું પરિણામ

Wednesday 12th December 2018 05:34 EST
 
 

લંડનઃ કેરર્સ યુકે (Carers UK) દ્વારા BAPS સ્વામીનારાયણ સંસ્થા સાથે સહયોગ થકી તેમની લોકપ્રિય ‘Looking after someone’ ગાઈડ ગુજરાતી ભાષામાં ‘કોઈની સંભાળ લેવી’ નામથી લોન્ચ કરવામાં આવી છે. કેરર્સ યુકે અને BAPS સ્વામીનારાયણ સંસ્થા વચ્ચે ભાગીદારીનો આરંભ એપ્રિલ ૨૦૧૮ની એન્યુઅલ ચેલેન્જ દરમિયાન થયો હતો, જેમાં યુકેના ૩,૦૦૦થી વધુ ઉત્સાહી લોકો વિવિધ સારા ઉદ્દેશ્ય માટે ફંડ એકત્ર કરવા જોડાયા હતા.

કેરર્સ યુકે સંભાળ લેનારાઓ માટે યુકેની એકમાત્ર નેશનિલ મેમ્બરશિપ ચેરિટી છે, જેનો હેતુ યુકેમાં વૃદ્ધ, અક્ષમ અથવા ગંભીર બીમાર સ્નેહીજનને મદદરુપ થનારા ૬.૫ મિલિયન લોકોના જીવનને બહેતર બનાવવાનો છે. પરિવાર અથવા મિત્રોની સંભાળ લેનારાઓ માટે ‘Looking after someone’ સારું સાધન છે. તેમાં સંભાળ લેનારાના અધિકારો ઉપરાંત, તેમને પ્રાપ્ત થતા પ્રેક્ટિકલ અને નાણાકીય સપોર્ટની વાતો જણાવાઈ છે.

BAPS ખાતે વ્હીલચેર અને ઓક્સિજનનો સહારો તેમજ પોતાના માટે પૂર્ણ સમયના કેરરની મદદ લેનારા સ્વયંસેવક કાશ્મીરા પોપટીઆએ ગુજરાતી ગાઈડ તૈયાર કરવામાં કેરર્સ યુકેને સહયોગ આપ્યો છે. આ ગાઈડથી ગુજરાતી કેરર્સને સપોર્ટ મેળવવામાં તેમજ પોતાની સંબંધિત કોમ્યુનિટીઓમાં જેની સંભાળ લે છે તેઓને શ્રેષ્ઠ સ્તરની સંભાળ આપવામાં મદદ મળશે.

કેરર્સ યુકેના કોર્પોરેટ અને ઈવેન્ટ્સ ફંડરેઈઝર હાન્નાહ હોકિને લંડનના BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે આઠ નવેમ્બર ૨૦૧૮, ગુરુવારે હિન્દુ નૂતન વર્ષ ઉજવણી દરમિયાન મિસિસ પોપટીઆને આ ગાઈડ પ્રેઝન્ટ કરી હતી. નવી ગાઈડના અનાવરણ અગાઉ એન્યુઅલ ચેલેન્જ દરમિયાન એકત્ર કરાયેલા ભંડોળ માટે કેરર્સ યુકેને સપ્ટેમ્બર મહિનામાં ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. કેરર્સ યુકેના અધ્યક્ષ પ્રોફેસર ડેવિડ ગ્રેસન CBEએ પત્ર લખી સપોર્ટ માટે BAPSનો આભાર માન્યો હતો અને ‘લૂકિંગ આફ્ટર સમવન’ ગાઈડને ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ કરવા ઉપરાંત પણ ભાગીદારીને આગળ વધારવા ઉત્સુકતા દર્શાવી હતી.

શ્રીમતી કાશ્મીરા પોપટીઆએ ઉમેર્યું હતું કે,‘ વાર્ષિક ચેરિટી ચેલેન્જમાંથી નોંધપાત્ર મદદ પ્રાપ્ત થવી ઘણી ઉત્સાહપ્રેરક છે. આ પુસ્તિકાએ ગુજરાતી કોમ્યુનિટીના કેરર્સનું જીવન ઘણું સારું બનાવ્યું છે. હું આશા રાખું છું કે યોગ્ય સાધનોની સુવિધા મેળવવા ઝંખતા કોમ્યુનિટીના લોકોના જીવનમાં પણ તેનાથી સુધારો આવશે.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter