કોરોના મહામારીના જંગમાં જીતવા સજ્જ બનેલ સેવાભાવીઓને સલામ

જ્યોત્સના શાહ Wednesday 06th May 2020 07:46 EDT
 
 

કોરોનાની મહામારીના લોકડાઉનમાં માણસો સાથે ભગવાનના ધ્વાર પણ બંધ થઇ ગયા. મંદિર, મસ્જીદ, ગુરૂદ્વારા, ચર્ચને તાળાં લાગ્યા. એ તાળાંનો ટાળો મેળવીએ. મૂર્તિઓમાંથી બહાર નીકળી પ્રભુ જન-જનમાં જઇ પહોંચ્યાં. મેડીકલ સ્ટાફમાં ડોક્ટર હોય કે નર્સ, કેરર હોય કે કેર ટેકર, બસ ડ્રાઇવર હોય કે એમ્બ્યુલન્સ ડ્રાઇવર, પોલીસ હો કે સમાજ સેવક….સૌનામાં ઇશ્વર જઇ વસ્યા. ઇશ્વર સર્વ-વ્યાપી છે એનું આથી મોટું પ્રમાણ કયું હોઇ શકે? જન સેવા એ જ પ્રભુ સેવાનો મંત્ર ગૂંજતો થઇ ગયો અને કોરોના સામે સંઘર્ષ ખેલી જીતવાનો જંગ આરંભાયો. ઘર એક મંદિરનો અહેસાસ થયો. પરિણામે ફ્રન્ટ લાઇનમાં સૌ આવી ગયા. ઘર-ઘર માનવતાના દીપ પ્રગટ્યા અને દર ગુરૂવારે લંડનની ગલીઓમાં રાતના આઠ વાગે ફ્રન્ટ લાઇનમાં સેવા આપતા સૌની કદર કરવા ભાઇ-બહેનો ઘરની બારીઓ ને બારણે આવી ઘઁટારવના નાદ કરી વધાઇ આપે છે.
આ મહામારીમાં માનવતાના દર્શન કરાવવાનો અવસર અમે ઝડપીને આપ સમક્ષ માનવતાના પૂજારીઓની ઝલક પ્રસ્તુત છે:
શ્રી સ્વામિનારાયણ મંદિર – વિલ્સડનનું મહત્વપૂર્ણ યોગદાન :
કોરોના મહામારીના કટોકટીભર્યા સંજોગોમાં લોકડાઉનની જાહેરાતના બીજા જ સપ્તાહથી શ્રી સ્વામિનારાયણ મંદિર, વિલ્સડનના યુવાન હરિભક્તો પોતાના જાનના જોખમની પરવા કર્યા વિના, નાત-જાત, ધર્મ, જ્ઞાતિના ભેદ રહિત જન કલ્યાણાર્થે ૯૦ સ્વયંસેવકોની વિવિધ ટૂકડીઓ પાડી અલગ-અલગ મોરચે સેવા સાદર કરી રહ્યા છે. દા.ત. નિશાળો બંધ હોવાને કારણે નાના બાળકોને ઘરમાં બેઠાં બેઠાં ઓન લાઇન શિક્ષણ સેવા આપી રહેલ છે. સુરક્ષિત વસ્ત્રો ધારણ કરી દર્દીઓને મળી જરૂર મુજબની દવાઓ પૂરી પાડે છે. • જરૂરતમંદ વિકલાંગો, વૃધ્ધો, ઘર-વિહોણાં, નિરાધારોને રાશન, શાકભાજી, વગેરે ઘેર-ઘેર ફરી પહોંચતા કરે છે. • દોડધામને પહોંચી વળવા વાહન મેળવી ભેગા કરેલા માલની કોથળીઓ બનાવી વિતરણ માટે તૈયાર કરે છે. • કોઇ ટૂકડી તેનું વિતરણ કરે છે. • મંદિરના નવા બંધાયેલા કેર હોમ અને ફલેટમાં રહેતા રહેવાસીઓ, મંદિરના પૂજારીઓ અને સંતો માટે જરૂરી સામગ્રી પૂરી પાડે છે.
આ બધા માટે જરૂરી આર્થિક મદદ માટે મંદિરના હરિભક્તો અને હિતેચ્છુઓ ખડે પગે તૈયાર રહે છે. રાશન, શાકભાજી, ફળો, જરૂરી સુરક્ષા સાધનો (PPE)વગેરેની ભેટ આપી પોતપોતાનું કર્તવ્ય અદા કરી રહ્યા છે.
કોરોના સામે ઝઝૂમી રહેલા, જાનના જોખમે સેવા આપતા ડોકટરો, નર્સો તેમજ અન્ય જરૂરી સેવા આપતા વીરો-વિરાંગનાઓને બિરદાવવા, તેમનો આભાર વ્યક્ત કરવા તાળી પાડી, થાળી વગાડીને અભિવાદન કરતા ચિત્રો નાના ભૂલકાંઓએ દોરી એનું પ્રદર્શન કર્યું.
આ કટોકટીના સમયમાં રામ નવમી, શ્રી હરિ જયંતિ અને ભૂજ મંદિરના નર-નારાયણ દેવોનો ૧૯૭મો પાટોત્સવ વગેરે ધામધૂમથી ઉજવાયા. ભૂજથી પધારેલ છ સંતોના સમસ્ત મંડળે આ મંદિરમાં છ મહિના રહી લાભ આપ્યો તેમજ યુવક મંડળના સંતોએ સહકાર આપ્યો. પાટોત્સવ પ્રસંગે એકત્ર થયેલ ૨૬૦૦૦ પાઉન્ડની રકમ તેમજ હરિભક્તો તરફથી મળેલ ૧૫,૦૦૦પાઉન્ડનો ઉપયોગ યુ.કે.માં કોવીદ-૧૯નો ભોગ બનેલ જરૂરતમંદો માટે વાપરવામાં આવશે. હજી દાનનો પ્રવાહ ચાલુ છે.
કોરોના મહામારીમાં કેટલાય હરિભક્તો માંદગીનો ભોગ બન્યા અને ૩૦-૩૫ જેટલા ભગવાનના ધામમાં ગયા. આવા આઘાતજનક સમયમાં જે તે કુટુંબોને રુબરૂ સહાનુભૂતિ આપી ન શકાઇ પરંતુ પરોક્ષ રીતે આધુનિક જમાનાની ટેકનોલોજીના સહારે સહાનુભૂતિ આપી, સ્મશાન યાત્રામાં જોડાયાં, શોકસભા /શ્રધ્ધાંજલિ સભામાં સહભાગી બન્યા. વચનામૃતની સભાઓ, યુવક મંડળની સભા અને સત્સંગની પ્રવૃત્તિઓ ચાલુ રહી. આ બધામાં ટેકનોલોજીના જાણકારોની ભૂમિકા ય મહત્વપૂર્ણ રહી. સંસ્થાના પ્રમુખ શ્રી કુરજીભાઇ મંદિરના સૌ સેવાભાવી ભાઇ-બહેનો, સંતો, દાતાઓ, ફ્રન્ટ લાઇન મેડિકલ સ્ટાફ સહિત આ મહામારી સામેની ઝૂંબેશના સૌ સહભાગીઓનો હ્દયપૂર્વક આભાર માને છે.
• સડબરી, વેમ્બલી સ્થિત જલસા સ્વીટ્સના ધીરજભાઇ કોટેચા અને એમના દિકરા જતીનભાઇએ કોરોનામાં સપડાયેલ જરૂરતમંદો સુધી ૩૦૦૦ થી વધુ ભોજન સેવા પહોંચાડી છે. તેઓ બન્ને બાપ-દિકરા જાતે જ ગરમ રસોઇ દાળ, ભાત, શાક, તેમજ ફરસાણ બનાવી દરરોજ ૧૦૦ થી વધુ ફ્રન્ટ લાઇન મેડીકલ સ્ટાફને વિના મૂલ્યે પહોંચાડવાનું પૂણ્ય કરી રહ્યા છે. અભિનંદન.
• શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર - મણિનગર તરફથી ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને રાહત સહાય ફઁડમાં રૂપિયા ૨૫ લાખનો ચેક અર્પણ કરાયો. કોરોનાના કપરા સમયે આચાર્ય શ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી મહારાજના આદેશ અનુસાર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનની ગુજરાત અને ભારતભરમાં જ્યાં જ્યાં શાખા-પ્રશાખાઓ છે ત્યાં ત્યાં સમર્પિત સંતો અને સમાજસેવકો દ્વારા શુધ્ધ અને સાત્વિક ભોજન, પાણી અને ઔષધ વગેરે ભૂખ્યા અને દુ:ખીયા દીન જનોની સેવા કરવાનો લાભ ઉત્સાહભેર ઉઠાવી રહ્યા છે. દૈનિક ૪૮૦૦ ઉપરાંત જરૂરતમંદોને ભોજન, ફુડ પેકેટ્સ અને લીલા શાકભાજીનું વિતરણ થાય છે. અને વિદેશોમાં પણ વિવિધ જગ્યાઓએ સેવાઓ ચાલુ છે. એમ શ્રી ચંદુભાઇ વારીયાએ પ્રેસ નોંધમાં જણાવેલ છે.
• સાઉથ લંડનમાં રહેતા દેવીબેન પટેલ Better Lives Foundationના ચેર છે. ૨૦૦૮માં આ ચેરિટી શરૂ કરી એમણે સમાજમાં સારી મેડીકેર, સોસીઓ અને એજ્યુકેશન અંગેના વિવિધ પ્રોજેકટ હાથ ધરી ચેરિટી કાર્યોમાં પ્રવૃત્ત છે. એમના ૮૩ વર્ષના પિતાશ્રી ચંદુભાઇ કેન્સરની ગંભીર બિમારીમાં બચ્યા અને ૮૦ વર્ષના માતા વિમળાબેનને હાર્ટ સર્જરી બાદ નવું જીવન મળતાં ડોક્ટર્સ સહિત અન્ય સ્ટાફે આપેલ અનુદાનની કદર કરવાનો વિચાર મનમાં ઉદ્ભવ્યો. અને કોવીદ-૧૯માં નિ:સ્વાર્થ સેવા કરનાર ફ્રન્ટ લાઇન સ્ટાફ માટે PPEના સાધનો ખરીદવા ફંડ એકત્ર કરવાનું તેમજ માતા-પિતા સાથે મળી ૨૬૦૦ એગલેસ કુકીસ બનાવી ક્રોયડનની યુનિવર્સિટી હોસ્પીટલ, સેંટ જ્યોર્જીસ હોસ્પીટલ, સેઁટ ક્રિસ્ટોફર હોસ્પીસ, ક્રોયડન સોસીયલ સર્વિસીસ અને ક્રોયડન ફેમીલી જસ્ટીસ સેન્ટરમાં વિતરણ કર્યું છે. અભિનંદન.
• ૬૬ વર્ષીય શ્રી રજનીકાન્ત ભોગીલાલ લીંબાચીયાએNHS ટ્રસ્ટના લાભાર્થે GoFundMe નામની વિશ્વની સૌથી મોટી ચેરિટી ( ફ્રી સોસીયલ ફંડ રેઇઝિંગ પ્લેટફોર્મ)સાથે હાથ મિલાવી £૫૦૦નું ફઁડ એકત્ર કરવા દરરોજ બે કલાક ૧૬ માઇલ સાયકલીંગ કરી રહ્યા છે. પોતાના સરેના નિવાસસ્થાનેથી ઇસ્ટ સરે હોસ્પીટલ અને ત્યાંથી પરત ઘર સુધીનું સાયકલીંગ ૨૫ એપ્રિલથી શરૂ કર્યું છે. આ સદ્કાર્યમાં જોડાયા તે એમના જીવનમાં સારામાં સારૂં વળતર આપતો અવસર ગણાવે છે. વધુ વિગત માટે સંપર્કઇમેઇલ: [email protected]

વન જૈનનું સભ્યપદ ધરાવતી સંસ્થાઓનું કોવીદ-૧૯માં અનુદાન:

ઇનસ્ટીટ્યુટ ઓફ જૈનોલોજીએ બ્રિટીશ એમ્બેસી, રોમ અને ભારતીય હાઇ કમિશન, FCO, MHCLG, હોમ ઓફિસ અને સંગત કોમ્યુનિટીના સહયોગથી કોરોના પેનડેમીકને કારણે રોમમાં ફસાયેલા બ્રિટીશ નાગરિકોને લંડન લાવવા અને વડોદરા, ભારતથી બ્રિટીશ ભારતીય નાગરિકોને લંડન લાવવાની કાર્યવાહીમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવેલ છે. 

• ઓશવાળ એસોસિએશન ઓફ ધ યુ.કે. દીપેન ફૂડ્સ લિ.ના દીપેન અને ડી.એન.એસ, એકાઉન્ટન્ટ રૂપલ જનસારી સાથે મળી વિના મૂલ્યે ભોજન અને નાસ્તો પહોંચાડવાની સગવડ ૬૫૦૦થી વધુ ફ્રન્ટલાઇન હીરો માટે કરે છે જેમાં નવી ત્રણ હોસ્પીટલો એમના લીસ્ટમાં સામેલ કરાઇ છે. એ સિવાય વડિલો અને નિ:સહાયો જેઓ ઘરની બહાર નીકળવા શક્તિમાન નથી તેઓને ગરમ ભોજન પહોંચતું કરે છે. ઉપરાંત વિવિધ વિષયો પર ઓશવાળ એસોસિએશન વેબસેમીનાર્સ યોજે છે જેમાં ૧૦૦૦ જેટલા સભ્યો દરરોજ ભાગ લઇ સમયનો સદુપયોગ કરી રહ્યા છે.
• નવનાત વણિક એસોસિએશન ઓફ ધ યુ.કે. -હેઝે ૭૦ જેટલા વોલંટીયર્સનું ગૃપ બનાવ્યું છે જેઓ નિ:સહાય અને વડિલોને એમનું જરૂરી ગ્રોસરી શોપીંગ, જેને નિયમિત દવાઓની જરૂર છે એમને મેડીકલ સ્ટોરમાંથી લાવી પહોંચાડવી વગેરેમાં મદદ કરે છે. તદ્ઉપરાંત વડિલો, યુવાનો તેમજ મહિલાઓ માટે વિવિધ યોગા ક્લાસીસ, વક્તવ્યો, ધાર્મિક પ્રવચનો, રેસીપી કલાસ, મ્યુઝીક, કલ્ચરલ કાર્યક્રમો અને કીડ્સ ક્લબ આદીનું આયોજન વેબ ટીમની મદદથી થઇ રહ્યું છે.
• શ્રીમદ રાજચંદ્ર મીશન, ધરમપુર -બુશી તરફથી "સપોર્ટ અવર સુપર હીરોસ" નામે ઝૂંબેશ શરુ કરી ૬૫૦૦ પાઉન્ડનું ફઁડ એકત્ર કરી હોસ્પીટલોના ફ્રન્ટ લાઇન વર્કર્સ, હેલ્ટકેર સ્ટાફ, નર્સિંગ અને કેર હોમ્સ સ્ટાફ, પબ્લીક ટ્રાન્સપોર્ટ સ્ટાફ સહિત અન્યોને વિના મૂલ્યે "સુપર હીરો ગ્રેટીટ્યુડ પેક્સ'’નું દર પખવાડિયે વિતરણ થાય છે. “સ્પ્રેડીંગ સ્માઇલ" ઇનીશીએટીવ હેઠળ ઘર-વિહોણાંને સપોર્ટ કરતી હોય એવી સંસ્થાઓ: માંચેસ્ટરમાં Wythenshawe Food Bank, લેસ્ટરની Action homelessને મદદ પહોંચાડે છે. એ ઉપરાંત ઓન લાઇન યોગા-મેડીટએશન, સેમીનાર્સ, ભજન તથા સાંસકૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે.
• વિરાયતન યુ.કે.એ "ગો ધાર્મિક" અને સુફ્રા ફુડ બેન્ક સાથે ભાગીદારી નોંધાવી ૩૫ જેટલા વોલઁટીયર્સ નોર્થ વેસ્ટ લંડનમાં એકલા રહેતાં વડિલો અને નિ:સહાયોને ભોજન સેવા પહોંચાડવામાં મદદરૂપ બની રહ્યા છે. ઉપરાંત વેબ સેમીનાર્સ, ધાર્મિક પ્રવચનો, યોગા વગેરે અલગ – અલગ ગૃપોને ધ્યાનમાં રાખી યોજે છે.
• જૈન સમાજ યુરોપ-લેસ્ટરે વોલંટીયર્સ સપોર્ટ ગૃપ બનાવ્યું છે જે સમાજના નિ:સહાયો અને વડિલોને ભોજન પહોંચાડી ઓન લાઇન ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજે છે.
આ સિવાય મહાવીર ફાઉન્ડેશન, કેન્ટન દેરાસર, રાજ સોભાગ સત્સંગ મંડળ, હર્ટફર્ડશાયર, જૈન નેટવર્ક, કોલીન્ડલ, જૈન વિશ્વ ભારતી, હેરો, જૈન સમાજ માંચેસ્ટર, કચ્છી ઓશવાળ જૈન્સ, યોર્કશાયર જૈન ફાઉન્ડેશન, સાઉથ ઇસ્ટ જૈન એસોસિએશન, ક્રોલી, ભક્તિ મંડળ, એજવેર સહિત અન્ય અનેક જૈન સંસ્થાઓ પોતપોતાની રીતે સમાજને ઉપયોગી થવાના કાર્યોમાં પ્રવૃત્ત છે. સૌને અભિનંદન.
• હિન્દુ સ્વયં સેવક સંઘ (HSS), ક્રોયડનના સેવા પ્રમુખ અનિલ શાહે સબરંગ આર્ટસના લતાબેનની આગેવાની હેઠળ ગયા બુધવારે સેવા ડે નિમિત્તે સ્વયં સેવકો સાથે મળી ક્વીન્સ ગાર્ડન પાસે ૬૦ ભોજન તૈયાર કરી ઘર-વિહોણાંને પીરસ્યાં.
ક્રોયડનની બે ફુડ બેન્કોમાં પણ ફુડનું દાન કરી રહ્યા છે. તેઓ ક્રોયડનની બધી જ સંસ્થાઓને એમની સાથે હાથ મિલાવી જે કાંઈ મદદ થઇ શકે એ માટે અપીલ કરે છે. વધુ વિગત માટે સંપર્ક: અનિલભાઇ : 07908 448 153

દરેક સેવાભાવી સંસ્થાઓ, સેવાભાવી વ્યક્તિઓ સન્માન અને અભિનંદનને પાત્ર છે. જે કોઇ સંસ્થા આવા સમાજિક કાર્યમાં પ્રવૃત્ત હોય તેઓએ ગુજરાત સમાચાર, એશિયન વોઇસને પોતાની કામગીરી વિષે માહિતી email: [email protected] પર મોકલી આપવા વિનંતિ.
(વધુ આવતા સપ્તાહે...)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter