કોરોના મહામારીમાં સેવા ડે સંસ્થાનો માનસિક સ્વાસ્થ્ય જાળવણીનો સેવાયજ્ઞ

Saturday 23rd May 2020 07:25 EDT
 

લંડનઃ કોવિડ -૧૯ મહામારી દરમિયાન ‘સેવા ડે’ ચેરિટી સંસ્થા દ્વારા માનસિક સ્વાસ્થ્યની જાળવણીમાં સપોર્ટ સર્વિસનો આરંભ કરાયો છે જેમાં, તમામ સાઉથ એશિયન ભાષાનો ઉપયોગ કરાયો છે. માનસિક આરોગ્યના આ સેવાયજ્ઞમાં ડો.રમેશ પટ્ટણી OBE અને DAWN કાઉન્સેલિંગ સર્વિસીસનો પણ સહકાર સાંપડ્યો છે. સેવા ડેની કોવિડ૧૯ હેલ્પલાઈનનો આરંભ ૨૫ મે, ૨૦૨૦થી કરાશે જેના મારફત માનસિક આરોગ્ય, ભાવનાત્મક અને શોકના આઘાતના સમયમાં ટેકાની જરુર અનુભવતા તમામ પશ્ચાદભૂ સાથેના લોકોને માનસિક આરોગ્યની મદદ મળશે તેમજ સાઉથ-ઈસ્ટ એશિયન ભાષાઓમાં પણ તે પ્રાપ્ત કરાવાશે.

હેલ્પલાઈન (+44 208 167 4189) સોમવારથી શુક્રવારના દિવસોમાં સવારના ૯.૦૦થી સાંજના ૫.૦૦ સુધી ગ્રોસરી, શોપિંગ, ગરમ ભોજન અથવા પ્રીસ્ક્રિપ્શન્સ મેળવવામાં મદદ જોઈતી હોય તેવા નિરાધાર અથવા ભારે જોખમ ધરાવતી વ્યક્તિઓ પાસેથી વિનંતીઓ પ્રાપ્ત કરે છે. હવે સોમવાર ૨૫ મે ૨૦૨૦થી માનસિક આરોગ્યમાં ટેકા સંબંધિત વિનંતી પર પણ ધ્યાન આપશે.

ડો.રમેશ પટ્ટણી OBE એ નવી પહેલ વિશે જણાવ્યું હતું કે,‘વૈશ્વિક સમુદાય માટે આ કપરો સમય છે જેમાં, આપણા અસ્તિત્વના તમામ સ્તરે ભારે દબાણ સર્જાયું છે. કોવિડ-૧૯ મહામારીના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ અને સામાજિક એકાંતવાસના પરિણામે તણાવ, વ્યગ્રતા,અને હતાશા સહિત વિવિધ માનસિક તકલીફોનો અનુભવ કરતા લોકોમાં ભારે ઉછાળો આવ્યો છે. અગાઉ કરતાં પણ હાલ માનસિક સ્વાસ્થ્ય જાળવવા પર ધ્યાન આપવું આવશ્યક છે અને આ પહેલ કોમ્યુનિટીના મદદ અને સપોર્ટની જરુર અનુભવતા સભ્યોને મદદરુપ બની રહેશે.’ ડો. પટ્ટણી માસ્ટર્સની ત્રણ ડીગ્રી અને  યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડમાંથી ડોક્ટરેટ ઈન યોગ સાયકોલોજી ધરાવે છે. તેઓ ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ (OCHS)માં શિક્ષણ આપે છે તેમજ હિંદુઈઝમ, ધર્મ અને આધ્યાત્મિકતાના વિજ્ઞાનના વિવિધ પાસાઓ પર જાહેર પ્રવચનો પણ આપે છે. ચિન્મય મિશન યુકેના ટ્રસ્ટી અને વાઈસ પ્રેસિડેન્ટ ડો. પટ્ટણી DAWN ચેરિટેબલ ટ્રસ્ટ (કાઉનેસ્લિંગ સર્વિસીસ)ના ટ્રસ્ટી હોવા ઉપરાંત, ત્યાં કાઉન્સેલર અને સાયકોથેરાપિસ્ટ પણ છે.

સેવા ડેના ટ્રસ્ટી આનંદ વ્યાસે જણાવ્યું હતું કે,‘અત્યાર સુધી સેવા ડે રિસ્પોન્સ પ્રોગ્રામ ‘હેલ્પ અ નેબર’ ઘણો સફળ રહ્યો છે. યુકેના ૨૮ રીજિયન્સમાં ૨૦૦૦થી વધુ વોલન્ટીઅર્સે વિવિધ પ્રકારે આપણી કોમ્યુનિટીઓને નિઃસ્વાર્થ ભાવે સેવા આપી છે. અમે અસલામત અને ફ્રન્ટલાઈન વર્કર્સને આવશ્યક ચીજવસ્તુઓ, ગ્રોસરી, ગરમ ભોજન, PPE વગેરે આપવાનું ચાલુ રાખ્યું છે ત્યારે લાંબા ગાળા સુધી પૂરતા માનસિક સ્વાસ્થ્ય જાળવવાની સહાય પણ આવશ્યક હોવાનું સ્વીકારીએ છીએ. આ પહેલમાં ડો. રમેશ પટ્ટણી ઉચ્ચ અનુભવી પ્રોફેશનલ્સની ટીમનું નેતૃત્વ સંભાળી રહ્યા છે તેનાથી કોમ્યુનિટીને અવશ્ય સારો લાભ મળશે.’

સેવા ડે કોવિડ૧૯ રિસ્પોન્સ પ્રોગ્રામમાં આનો સમાવેશ થાય છેઃ

• યુકેના ૨૮ રીજિયન્સમાં ૨૦૦૦થી વધુ વોલન્ટીઅર્સ કાર્યરત

• ૩૦ ફૂડ બેન્ક્સને સપ્તાહમાં અનેક વખત ભંડાર ભરી દેવાયો

• ફૂડ બેન્ક્સને ૩૦ ટન ફૂડ પુરું પડાયું

• યુકેની ૪૦થી વધુ હોસ્પિટલ્સમાં સેવારત ફ્રન્ટલાઈન કેરર્સને PPE, ગરમ ભોજન અને ખાદ્યપદાર્થોની ડિલિવરી કરાઈ

• ૧૦૦થી વધુ કેરહોમ્સને ૨૨,૦૦૦થી વધુ ઈસ્ટર એગ્સ અને નિવાસીઓના ચહેરા પર સ્મિત લાવવા માટે બાળકો દ્વારા તૈયાર કરાયેલા આર્ટ વર્ક્સ પૂરાં પડાયાં.

સેવા કોઈ પણ જાતની અપેક્ષા વિના કરુણાસભર કાર્ય છે. સેવા ડે ચેરિટી સંસ્થાના ત્રણ મુખ્ય ઉદ્દેશ-લોકોને ખુશી આપવી, મુશ્કેલીઓમાં રાહત આપવી અને પર્યાવરણની રક્ષા કરવાના છે. સેવા ડેના ૨૦૦૦થી વધુ વોલન્ટીઅર્સ આ કાર્યોમાં સેવા આપે છે.

સેવા માટે જાગૃતિ કેળવવા વધુ વોલન્ટીઅર્સની હંમેશાં જરુર રહે છે. સેવા આપવા તેમજ ‘ફ્રન્ટલાઈન’ કોલ હેન્ડલર તરીકે તાલીમ મેળવવા તમે આનંદ વ્યાસનો +447 957197527 ફોન દ્વારા અથવા email [email protected] પર ઈમેઈલથી સંપર્ક કરી શકો છો. આગામી ટ્રેનિંગ સેશન ૨૨ મે શુક્રવારે ૧૮.૩૦થી શરુ કરાયું છે.

રાની કાલ્હા દ્વારા ૧૯૯૩માં સ્થાપિત DAWN ચેરિટેબલ ટ્રસ્ટનો આરંભ માત્ર સામાજિક રીતે વિસ્થાપિત એશિયન સ્ત્રીઓની સાંસ્કૃતિક અને ભાષાકીય જરુરિયાતો પૂરી પાડતી ચેરિટી તરીકે કરાયો હતો. આ પછી તેની કામગીરી વિકસતી રહી છે. સંસ્થા હેરોમાં માનસિક આરોગ્યની જાળવણીના ક્ષેત્રમાં કાર્યરત છે અને કોમ્યુનિટીમાં ૨૭ વર્ષમાં તેણે ૧૦,૦૦૦થી વધુ લોકોને કાઉન્સેલિંગની મદદ આપી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter