લંડનઃ ભારતીય વિદ્યા ભવન, લંડન દ્વારા 25 અને 26 જાન્યુઆરી 2025ના વીકએન્ડના ગાળામાં વાર્ષિક ફાઉન્ડર્સ ડે ઉજવણીઓ યોજવામાં આવી હતી. યુકેમાં ભારતીય ક્લાસિકલ આર્ટ્સ માટે સૌથી મોટી સંસ્થા તરીકે ધ ભવન, લંડન 700 વિદ્યાર્થીઓ ધરાવે છે જેઓ દર વર્ષે રેસિડેન્ટ શિક્ષકો પાસેથી સંગીત, નૃત્ય અને ભાષાઓના 16 અભ્યાસક્રમોમાં તાલીમ મેળવે છે. આ ઈવેન્ટમાં દરેક વિભાગના શ્રેષ્ઠ બાબતો પ્રદર્શિત કરવામાં આવી હતી.
ધ ભવન ખાતે ફાઉન્ડર્સ ડે પરફોર્મર્સ અને ઓડિયન્સ, બંને માટે યાદગાર અનુભવ હતો. સમગ્ર ક્લાસિકલ ડાન્સ, મ્યુઝિક, ઈન્સ્ટ્રુમેન્ટલ અને ભાષાના કોર્સીસના વિદ્યાર્થીઓએ તેમની પ્રતિભા અને સમર્પિતતાને સ્ટેજ પર રજૂ કર્યા હતા. આ પરફોર્મન્સીસમાં કર્ણાટિક કંઠ્ય, હિન્દુસ્તાની કંઠ્ય, બંગાળી સંગીત, સિતાર અને તબલાં, વાંસળીની સુમધુરતા, અને મૃદંગમ, વીણા અને વાયોલિન ઈન્ટરપ્લેસ તેમજ ઓડિસી, કુચિપૂડી, કથક અને ભરતનાટ્યમના જટિલ તાલ અને લયનો સમાવેશ થયો હતો.
આ ઈવેન્ટમાં સંસ્કૃત, હિન્દી અને બંગાળી ભાષા અને કાવ્યની સમૃદ્ધિનું પ્રદર્શન કરાયું હતું. આ વૈવિધ્યપૂર્ણ પ્રેઝન્ટ્શન્સ થકી ભારતીય કળાની ઊંડાઈ અને આ પરંપરાઓના ભાવિ પથપ્રદર્શકોના વિકાસ માટે ધ ભવન દ્વારા પૂરી પડાતી કઠોર તાલીમ અને સાધનાને હાઈલાઈટ કરાયાં હતાં. ઓડિયન્સે તેમની કળા પ્રત્યે વિદ્યાર્થીઓ અને ગુરુઓની નોંધપાત્ર પ્રતિબદ્ધતા બદલ ઉષ્માપૂર્વક તાળીઓથી વધાવી લીધા હતા.
આ ઈવેન્ટમાં 60 વિદ્યાર્થીને તેમના ડિપ્લોમા (ગ્રેડ 5ની સમકક્ષ) અને પોસ્ટ ડિપ્લોમા (ગ્રેડ 8ની સમકક્ષ) સર્ટિફિકેટ્સ એનાયત કરાયા હતા જે ભવનના સમર્પિત અને દીર્ઘકાલીન શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શરૂઆતથી માંડી સિદ્ધ કળાકાર બનવા તરફની પ્રગતિ સૂચવે છે. 50 કરતાં પણ વધુ વર્ષથી દર વર્ષે યુવાનોની નવી પેઢી ભારત કળા અને સંસ્કૃતિના વારસાની જાળવણી અને શીખવાની જ્યોતને પેટાવી રાખવાના ભવનના સ્થાપક ડો. ક.મા. મુનશીના સ્વપ્નનું જતન કરતી આવે છે તેને નિહાળવું તે પણ પરમ સિદ્ધિ છે.
ઉજવણીના બંને દિવસોએ ઈવેન્ટનો આરંભ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. નંદકુમારા MBE દ્વારા પ્રાર્થના સાથે કરાયો હતો અને એન્કરિંગ શ્રીમતી પાર્વતી નાયર દ્વારા કરાયું હતું. શનિવારે મુખ્ય અતિથિપદે ભારતીય હાઈ કમિશન, લંડનમાં મિનિસ્ટર (ઓડિટ) શ્રી સુનિલ રાજની સાથે અતિથિવિશેષ તરીકે ભારતીય હાઈ કમિશન, લંડનમાં મિનિસ્ટર (પબ્લિક ડિપ્લોમસી) શ્રી કપિલ દેવ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વ્યક્તિના જીવનમાં ગુરુઓના મહત્ત્વ વિશે વાત કરી હતી તેમજ કળા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે ગુરુ-શિષ્ય પરંપરાના જતન બદલ ભવનને બિરદાવ્યું હતું.
રવિવારના ઈવેન્ટમાં ભવન્સના સંસ્કૃતના ગુરુ તેમજ કન્સલ્ટન્ટ ચાઈલ્ડ એન્ડ એડોલેસન્ટ સાઈકીઆટ્રીસ્ટ ડો. રાધા ભટે અતિથિવિશેષ સ્થાન શોભાવ્યું હતું. તેમણે માથુરજીના વારસા, તેમની મહત્ત્વાકાંક્ષા, મક્કમ નિર્ધાર અને આજે આપણે જે ધ ભવન, લંડનને ઓળખીએ, જોઈએ છીએ તેના નિર્માણમાં કઠોર મહેનત વિશે જણાવ્યું હતું. ધ ભવનના ચેરમેન શ્રી સુભાનુ સક્સેનાએ શ્લોક તેમજ શીખવાના ઉત્સાહ વિશે તેમણે લખેલી કવિતાનું પઠન કર્યું હતું. તેમણે મુનશીજીને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ભારતીય બિઝનેસવુમન અને પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાક MPના પત્ની મિસ અક્ષતા મૂર્તિ સુનાકે ઈવેન્ટના મુખ્ય અતિથિનું સ્થાન શોભાવ્યું હતું. તેમણે ધ ભવન વિશે તેમના સુંદર સંસ્મરણોનું વર્ણન કર્યું હતું અને સંસ્થાને વતનથી દૂર રહીને વતન સમાન ગણાવી વિકાસના સ્થળ તેમજ કળા અને સંસ્કૃતિની છોળોમાં નહાવાના સ્થળ તરીકે વર્ણવ્યું હતું.
આ ઈવેન્ટ વર્ષનો અદ્ભૂત આરંભ હોવાં સાથે શું આવવાનું છે તેના માટે માર્ગ દર્શાવનારો હતો. ભવન્સ દ્વારા અવિરત સપોર્ટ દર્શાવવા બદલ સન્માનીય મહેમાનો, વિદ્યાર્થીઓ, પેરન્ટ્સ અને ઓડિયન્સ પ્રત્યે હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.