સાળંગપુરઃ વિશ્વવંદનીય પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિમંદિરના દ્વિતીય વર્ષ પૂર્તિ મહોત્સવ નિમિત્તે સાળંગપુરમાં રવિવારે ગુરુહરિ પ્રસન્નતા મહાયાગ યોજાયો હતો. પાટોત્સવનો આરંભ અક્ષરપુરુષોત્તમ મહારાજની પાલખીયાત્રા તથા દીપ પ્રાગટ્ય દ્વારા કરાયો હતો. આ પ્રસંગે સાળંગપુર મંદિરના કોઠારી સંત પૂ. જ્ઞાનેશ્વર સ્વામી, પૂ. નારાયણમુનિ સ્વામી, પૂ. ઘનશ્યામપ્રસાદ સ્વામી, પૂ. નિર્માણજીવન સ્વામી, પૂ. ભક્તિસાગર સ્વામી વગેરે વરિષ્ઠ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સાળંગપુર મંદિરના કોઠારી સંત પૂ. જ્ઞાનેશ્વર સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા. આ યજ્ઞમાં 85 જેટલા યજ્ઞકુંડ ધરાવતી યજ્ઞશાળાનું નિર્માણ કરાયું હતું, જેમાં ભારતના વિવિધ પ્રાંત ઉપરાંત આફ્રિકા, અમેરિકા, લંડન વગેરે વિદેશના એમ કુલ મળીને 680 જેટલાં યજમાન યુગલોએ લાભ લીધો હતો.
વૈદિક પ્રણાલિ અનુસાર સંપન્ન થયેલા આ મહાયાગના આરંભે અક્ષરપુરુષોત્તમ મહારાજની ષોડશોપચાર વિધિ કરાઇ હતી. ત્યાર બાદ ગુરુ હરી પ.પૂ. મહંતસ્વામી મહારાજ દ્વારા લિખિત સત્સંગદીક્ષા ગ્રંથના 315 શ્લોકોનું ગાન પારંપરિક શૈલીથી કરાયું હતું. આ ગાન સાથે સમૂહમાં સ્વાહાનો નાદ ભેળવીને સર્વે યજમાનોએ કુલ મળીને એક લાખથી વધુ આહુતિઓ આપી હતી.
સાળંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના બાહ્મણો દ્વારા આ યજ્ઞ કરાવાયો હતો. આ મહાયજ્ઞમાં પ્રજાસત્તાક દિનની સ્મૃતિ કરી સમગ્ર ભારત દેશ તથા વિશ્વમાં શાંતિ પ્રવર્તે તેવા શુભ સંકલ્પ સાથે પ્રાર્થના પણ કરાઇ હતી. આમ, આ સત્સંગદીક્ષા મહાયજ્ઞ દ્વારા ભક્તિમય ભારતીય યજ્ઞપરંપરાનું પોષણ થયું હતું.