વૃંદાવનઃ સમગ્ર વિશ્વમાં જાણીતું એવું ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર એટલે કે બાંકે બિહારી મંદિર હવે વૈશ્વિક ધોરણે ચર્ચામાં છે. કેન્દ્ર સરકાર દ્વારા બાંકે બિહારીજીને વિશેષ સુવિધા અપાઇ છે. વાત એવી છે કે, કેન્દ્ર સરકાર દ્વારા બાંકે બિહારી મંદિરને FCRA લાઈસન્સ આપવામાં આવ્યું છે. તેના આધારે મંદિર દુનિયાની કોઈ પણ કરન્સીમાં દાન સ્વીકારી શકશે અને તે જ કરન્સીમાં આર્થિક લેવડ-દેવડ પણ કરી શકશે. ભગવાનના ભક્તો હવે દુનિયાના કોઈપણ સ્થળેથી અને દુનિયાના કોઈપણ ચલણી નાણામાં આ મંદિરમાં આર્થિક મદદ કરી શકશે. તેના કારણે આ મંદિર ભારતનું પહેલું એવું મંદિર બની ગયું છે જેને એફસીઆરએ લાઈસન્સ આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મંદિરને લાઈસન્સ મળવા મુદ્દે થોડો વિવાદ ચાલી રહ્યો છે. મંદિરના પુજારીઓનું કહેવું છે કે, તેમના દ્વારા આ મુદ્દે ક્યારેય કેન્દ્ર સરકાર સમક્ષ માગણી કરવામાં આવી નથી ત્યારે સરકારે કેવી રીતે મંદિરને આ લાઈસન્સ આપી દીધું. બીજી તરફ એવું પણ કહેવાય છે કે, કોર્ટ દ્વારા જે વ્યવસ્થા સમિતિની રચના કરાઇ છે તેમના દ્વારા સરકાર સાથે વાટાઘાટ કરાઈ હોય તેમ લાગે છે. સૂત્રોના મતે સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણ એટલા માટે જરૂરી છે કે, મંદિરમાં વિદેશીઓની આવનજાવન વધારે છે અને તેમના દ્વારા કરાતું દાન સીધું જ વિદેશી મુદ્રામાં આવે તો મંદિર અને સરકારનું વિદેશી ભંડોળ વધી શકે છે.
મંદિર પાસે અંદાજે રૂ. 500 કરોડનું ભંડોળ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે 550 વર્ષ જૂના આ કૃષ્ણ મંદિરનું સંચાલન ગોસ્વામી પૂજારીઓ, સારસ્વત બ્રાહ્મણો તથા મંદિર બનાવવામાં યોગદાન આપનારા સ્વામી હરિદાના વંશજો દ્વારા કરવામાં આવતું હતું. થોડા સમય પહેલાં યુપી સરકાર દ્વારા આ મંદિરનું નિયંત્રણ તેના હાથમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને સમગ્ર મુદ્દો કોર્ટમાં ગયો હતો. કોર્ટે નિર્ણય ન આવે ત્યાં સુધી મંદિરનું નિયંત્રણ પોતાના હાથમાં લઈને એક વ્યવસ્થાપન સમિતિની રચના કરી દીધી છે. તેઓ હાલમાં મંદિરની દેખરેખ કરી રહ્યા છે. આ સમિતિનું સુચન હતું કે, મંદિર પાસે અંદાજે 500 કરોડ રૂપિયા ભંડોળ છે. તે ઉપરાંત મંદિરમાં મોટાપાયે વિદેશ ચલણમાં પણ દાન આવે છે.