લંડનઃ યુકેમાં હોસ્પિટાલિટી સેક્ટર 3.2 મિલિયન લોકોને રોજગારી આપવા સાથે અર્થતંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જોકે, સેક્ટર સમક્ષ તાજેતરના વર્ષોમાં બ્રેક્ઝિટ અને કોવિડ-19 મહામારી પછીની સ્થિતિ સહિત વિવિધ પરિબળોના કારણે રિક્રૂટમેન્ટના ગંભીર પડકારો ઉભા થયેલા છે. યુકે હોસ્પિટાલિટી સેક્ટર હાલ કામદારોની ભારે અછતનો સામનો કરી રહેલ છે. યુકેહોસ્પિટાલિટીના 2023ના રિપોર્ટ અનુસાર ઈન્ડસ્ટ્રીને 400,000 થી વધુ ખાલી જગ્યાનો સામનો કરવો પડ્યો છે જેના પરિણામે, ઓપરેશન્સ અને સર્વિસ ડિલિવરીને નોંધપાત્ર અસર પહોંચી છે.
યુકેએ 2021માં યુરોપિયન યુનિયન છોડ્યું ત્યાર પછી ઈયુ વર્કર્સને ગુમાવવા પડ્યા છે જેઓ હોસ્પિટાલિટી વર્કફોર્સનો હિસ્સો હતા. સેન્ટર ફોર એન્ટ્રેપ્રીન્યોર્સના અભ્યાસ મુજબ ઈયુ નાગરિકતા ધરાવતા 80,000 થી વધુ વર્કર્સે 2021માં જ હોસ્પિટાલિટી સેક્ટર છોડી દીધું હતું. કોવિડ-19 મહામારીના કારણે મોટા પાયે લેઓફ અને બિઝનેસીસ બંધ થઈ જવાના લીધે ઘણા વર્કર્સે અન્ય ઈન્ડસ્ટ્રીમાં રોજગારી મેળવી હતી અથવા હોસ્પિટાલિટીમાં પરત નહિ જવાનું પસંદ કર્યું હતું. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના અભ્યાસ મુજબ 25 ટકા હોસ્પિટાલિટી વર્કર્સે અન્ય સેક્ટર્સમાં વધુ સારી તક હોવાનું કારણ દર્શાવ્યું હતું.
રિક્રૂટમેન્ટ પડકારોનો સામનો કરવા હોસ્પિટાલિટી બિઝનેસીસ નવતર રણનીતિઓ અપનાવી રહ્યા છે. ઘણા બિઝનેસીસ પોતાની એમ્પ્લોયર બ્રાન્ડને વધારી સંભવિત ઉમેદવારોને આકર્ષવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ગ્લાસડોર અનુસાર 77 ટકા જોબસીકર્સ અરજી કરતા પહેલા કંપનીના કલ્ચર વિશે વિચારે છે. જે કંપનીઓ પોતાના મૂલ્યો, કામકાજના વાતાવરણ અને સ્ટાફના વિકાસની પ્રતિબદ્ધતાને સફળતાપૂર્વક દર્શાવી શકે છે તેઓ વધુ પ્રતિભાઓને આકર્ષી શકે છે.
લેબર કોસ્ટ વધી રહેલ છે ત્યારે બિઝનેસીસ તેમના વેતનમાળખા અને બેનિફિટ્સનું પુનઃ મૂલ્યાંકન કરી રહ્યા છે. રેસ્ટોરાં એસોસિયેશનના અભ્યાસ મુજબ હોસ્પિટાલિટી બિઝનેસીસના 70 ટકાએ સ્ટાફને આકર્ષવા તેમના વેતનો અથવા બેનિફિટ્સ વધાર્યાં છે. આ ઉપરાંત, ફ્લેક્સિબલ કામના કલાકો, સાઈન-ઓન બોનસીસ પણ ભરતીના નવાં અસરકારક સાધન તરીકે બહાર આવ્યાં છે. બ્રિટિશ હોસ્પિટાલિટી એસોશિયેશનનો રિપોર્ટ પ્રતિભાને આકર્ષવા વૈવિધ્યાના મહત્ત્વ પર ભાર મૂકે છે. યુકેહોસ્પિટાલિટીનો ‘સ્કિલ્સ ફોર જોબ’ રિપોર્ટ જણાવે છે કે 63 ટકાથી વધુ હોસ્પિટાલિટી એમ્પ્લોયર્સ ભરતીના સાધન તરીકે સ્કિલ્સ ટ્રેનિંગ પર ભાર મૂકે છે.
લંડન ટાઉન ગ્રૂપ ઓફ કંપનીઝ દ્વારા તેની હોટેલ્સમાં ભરતી માટે બહુપાંખિયો અભિગમ અપનાવ્યો છે. વૈવિધ્યપૂર્ણ ટેલેન્ટ પૂલને આકર્ષવા ગ્રૂપ કર્મચારી વિકાસ બાબતે તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. તેની પ્રોપર્ટીઝમાં કારકિર્દીમાં પ્રગતિની તકને દર્શાવે છે. લંડન ટાઉન ગ્રૂપ ઓફ કંપનીઝના સ્થાપક કૂલેશ શાહ કહે છે કે,‘સંભવિત ઉમેદવારો સુધી પહોંચવા અમે લિન્ક્ડઈન અને ઈન્ડસ્ટ્રીના ચોક્કસ જોબ બોર્ડ્સ સહિત વિવિધ રિક્રૂટમેન્ટ પ્લેટફોર્મ્સનો સક્રિયપણે ઉપયોગ કરીએ છીએ. લંડનના હોસ્પિટાલિટી સેક્ટરમાં સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓ સાથે ભાગીદારી, કામના અનુભવ અને વર્કશોપ્સ પ્રોગ્રામની ઓફર કરવામાં આવે છે. આ ઉપરાંત, ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાથી વિશ્વભરમાં ભારે ડિસ્કાઉન્ટ સાથે હોટેલમાં રોકાણ, ડાઈનિંગની તક સહિત મળનારા વિવિધ લાભો અને સવલતો પર ભાર રાખવામાં આવે છે. અમારી પ્રોપર્ટીઝ પર મજબૂત વર્કફોર્સને જાળવી રાખવા ઉપરાંત, સ્ટાફિંગના પડકારોનું નિરાકરણ લાવવાનું અમારું ધ્યેય છે.’
મહામારીના કારણે ભરતી પ્રક્રિયામાં ટેકનોલોજીનો ઉપયોગ વધી ગયો છે. રિક્રૂટમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ કોન્ફેડરેશન (REC)નો સર્વે જણાવે છે કે હોસ્પિટાલિટી સેક્ટરમાં 78 ટકા રિક્રૂટમેન્ટ ફર્મ્સ મહામારી પછી ઓનલાઈન રિક્રૂટમેન્ટ પદ્ધતિઓનો વધુ ઉપયોગ કરી રહી છે.