લેબર નેતા જેરેમી કોર્બીન કેન્ટનના જૈન દેરાસરની મુલાકાતે

- જ્યોત્સના શાહ Wednesday 09th May 2018 07:38 EDT
 
 

લેબર નેતા જેરેમી કોર્બીને મહાવીર ફાઉન્ડેશન સંચાલિત કેન્ટનના જૈન દેરાસરની મુલાકાત ગુરૂવાર તા ૨૬ એપ્રિલ ૨૦૧૮ની સવારે લીધી હતી. એમની સાથે સ્થાનિક કાઉન્સિલર સચીન શાહ, એમ.પી. ગેરેથ થોમસ, ફોટોગ્રાફર્સ અને અન્ય લેબર પક્ષના ટેકેદારો જોડાયા હતા. યોગાનુયોગ એ દિવસ જૈનોના ૨૪મા તીર્થંકર ભગવાન શ્રી મહાવીરે જૈન શાસનની સ્થાપના કર્યાનો પવિત્ર દિવસ હતો.

આ મુલાકાતને ખાસ પ્રસિધ્ધિ ન આપવાનો આગ્રહ હોવા છતાં નિયમિત દેવ દર્શન અને પૂજા કરનાર ભાવિકોની સારી એવી હાજરી હતી. આ પ્રસંગે ફાઉન્ડેશનના સ્થાપક અને રીલીજીયસ કમિટીના ચેર ડો.વિનોદ કપાશી અને શ્રીમતી સુધાબેન કપાશી, પ્રેસિડેન્ટ શ્રી યોગેશભાઇ રાયાણી સહિત કેટલાક જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હેરો વિસ્તારની ચૂંટણી ઝૂંબેશના આખરી તબક્કાની આ મુલાકાત સિમા ચિહ્ન સમી બની ગઇ.

શ્રી જેરેમી કોર્બીને જૈન ધર્મના સિધ્ધાંતોની અનુમોદના કરતા જણાવ્યું કે, અહિંસા અને શાકાહારના સિધ્ધાંતો માટે મને માન છે અને મારી ઇચ્છા પણ શાકાહારી બનવાની છે. જૈન ધર્મના હાર્દ સમા નવકાર મંત્રના ગાન બાદ દેરાસરમાં બિરાજમાન પ્રતિમાજીઓનો પરિચય કેળવ્યો. દેરાસરના ચારેય ખૂણાનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવા ઉપરાંત જૈન ધર્મ વિષે વધુ માહિતી જાણવાની કોશીષ કરી અને એનું જ્ઞાન મેળવવા પણ ઉત્સાહીત જણાયાં.

વધુમાં જણાવ્યું કે હવેની વસ્તી ગણત્રીમાં અન્ય ધર્મ સાથે હવે જૈન ધર્મની પણ કોલમ રાખીશું જેથી જૈનોની વસ્તી અને એમના અનુદાનની નોંધ લેવાય. હેરોના યુવા લેબર જૈન કાઉન્સિલર સચીન શાહે જણાવ્યું કે જૈનોના એ પ્રતિનિધિ હોવાથી લેબર લીડરની આ મુલાકાત ફળદાયી રહેશે. મારી સાથે વાતચીતમાં એમ.પી. ગરેથ થોમસે તંત્રીશ્રી સી.બી.પટેલ અને એમના પ્રકાશનોની પ્રશંસા કરતા કોમ્યુનિટીમાં એમના અનુદાનને ખાસ યાદ કર્યું.

વધુમાં "ગુજરાત સમાચાર" અને "એશિયન વોઇસ"ના પ્રતિનિધિ તરીકે આપેલ વ્યક્તિગત મુલાકાતની પ્રશ્નોત્તરીના જવાબમાં જૈન દેરાસરની મુલાકાત માટે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, જૈન કોમ્યુનિટીના સિધ્ધાંતો સમાજ માટે પ્રેરણાદાયી છે. જૈનો શાંતીપ્રિય અને માનવતા પ્રેમી છે અને એમનો આતિથ્ય સત્કાર લાજવાબ છે. અલ્પાહાર અને જનસંપર્ક કેળવી અડધા કલાકની મુલાકાત દોઢ કલાકની બની રહી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter