એસજીવીપી ગુરુકુળ-અમદાવાદની શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર - યુકે શાખા દ્વારા લંડન ખાતે સ્વામી શ્રી માધવપ્રિયદાસજીના સાંનિધ્યમાં છેલ્લા 17 વર્ષથી હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનાર યોજાય છે. આ સેમિનારનો લાભ લેવા યુકેના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો પધારે છે અને હિંદુ ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ વર્ષે પણ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીના આશીર્વાદ સાથે 31 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન પાંચ દિવસનો હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનાર યોજાયો હતો.
બે વર્ષ બાદ 2026માં ‘શિક્ષાપત્રી’ ગ્રંથ રચનાને 200 વર્ષ પૂર્ણ થઇ રહ્યા હોવાથી આ વર્ષે સેમિનારની થીમ ‘શિક્ષાપત્રી’ આધારિત હતી. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં ‘પોતાના આશ્રિતોને દર્શાવેલી દિનચર્યા’ને દર્શાવતું વેલકમ સુશોભન કરાયું હતું. અહીં દિનચર્યાને સરળતાથી સમજી શકાય તે રીતે નાનકડા પૂતળાઓનું પ્રદર્શન તથા કાપડ ઉપર શિક્ષાપત્રીના મૂળ સંસ્કૃત શ્લોકો અને તેના અંગ્રેજી ભાષાંતરનું આલેખન યુવાનોએ સ્વહસ્તે કર્યું હતું. સભામંડપમાં પણ ભાતીગળ ભારતીય સંસ્કૃતિનું દર્શન થાય તે રીતે સુંદર સુશોભન નજરે પડતું હતું. આ માટે લંડનમાં વસતા યુવાન ભાઈ-બહેનો તથા બાળકોએ ખૂબ જ પુરુષાર્થ કર્યો હતો.
એસજીવીપીના વડા સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ પાંચેય દિવસ ભારતથી ઓનલાઈન જોડાઈને ‘શિક્ષાપત્રીની વૈદિકતા’ને આધારે તેમજ ભક્તજનોના મનમાં ઉઠતા પ્રશ્નોના સમાધાન કરીને સત્સંગ લાભ આપ્યો હતો. સ્વામીશ્રીએ ‘શિક્ષાપત્રી’ ગ્રંથના પ્રથમ શ્લોકને મધ્યમાં રાખીને વૈદિક હિંદુ ધર્મના મહત્ત્વને સમજાવતા કહ્યું હતું કે, ‘આપણો ધર્મ સનાતન છે, એનો આદિ અને અંત નથી. સનાતન ધર્મ સૌથી પ્રાચીન હોવા છતાં નિત્ય નૂતન છે. જ્ઞાન-વિજ્ઞાનનો ભંડાર છે. સનાતન ધર્મ લોકોને આ લોકમાં પણ સુખી કરે છે એટલે કે ભૌતિક રીતે ઉન્નતિ આપે છે અને પરલોકમાં પણ સુખી કરે છે. સત્શાસ્ત્રો અને સંતોના યોગે કરીને આજે સનાતન ધર્મ અડીખમ ઊભો છે. સનાતન ધર્મના અનેક મહાન ગ્રંથો છે, જેને આપણે જ્ઞાનનો ભંડાર કહી શકીએ. ભગવાન શ્રી સ્વામિનારાયણે પૂર્વાપરની દૃષ્ટિથી એ તમામ શાસ્ત્રોના સાર સ્વરૂપ નાનકડો ગ્રંથ શિક્ષાપત્રી પ્રદાન કરી માનવજાતને મહાન ભેટ આપી છે. શિક્ષાપત્રી સાડા ત્રણસો ઉપરાંત ગ્રંથના સારરૂપ છે. આ ગ્રંથને અનુસરવાથી આપણી જન્મ-જન્માન્તરની વાસના નષ્ટ થાય છે અને શ્રીહરિ પ્રસન્ન થાય છે.’
આ સેમિનારમાં પૂ. સ્વામીશ્રીના પ્રતિનિધિ તરીકે પધારેલા પૂ. રામસુખદાસજી સ્વામીએ પ્રસંગોપાત પ્રેરણાદાયી વાતો કરી આશીર્વાદ પ્રદાન કર્યા હતા. સ્વામી ભક્તિવેદાંતદાસજીએ શિક્ષાપત્રીના શ્લોકો ઉપર મનનીય પ્રવચનો કરી ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞાઓનું હાર્દ સમજાવ્યું હતું. આ પ્રસંગે યુવાન સંતો શાસ્ત્રી યજ્ઞવલ્લભદાસજી સ્વામી, શાસ્ત્રી નિરંજનદાસજી સ્વામી, શાસ્ત્રી વિશ્વમંગલદાસજી સ્વામી, શાસ્ત્રી શુકવલ્લભદાસજી સ્વામીએ શિક્ષાપત્રીના વિવિધ વિષયો ઉપર શાસ્ત્રીય વ્યાખ્યાનો રજૂ કરી મંગલ પ્રેરણાઓ આપી હતી. સેમિનાર દરમિયાન શનિવારે સુંદરકાંડનો પાઠ તેમજ રવિવારે મહાદેવજીના પૂજન સાથે પંચામૃત અભિષેક કરાયો હતો, જેમાં ભક્તોજનો ભક્તિભાવથી જોડાયા હતા.
સેમિનાર દરમિયાન નાના બાળકો તેમજ યુવાનોએ રોચક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. નાના બાળકોએ સંસ્કૃત શ્લોકો, ગુજરાતી કાવ્યો તેમજ કથાઓ રજૂ કરી હતી. તદુપરાંત ‘ભારત ભાગ્ય વિધાતા’ નૃત્યનાટિકા, ‘ભક્તરાજ અભેસિંહની ટેક’ રૂપક, લોકડાયરા જેવી કૃતિઓ રજુ કરી પ્રેક્ષકોને પ્રસન્ન કર્યા હતા.
આ જ રીતે રવિવારે મધ્યાહન કાળે મહિલા મંચ તેમજ મહિલા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. જેમાં નાની બાલિકાઓ તેમજ યુવતીઓએ પોતાની કલા રજૂ કરી હતી. જેમાં વિવિધ પ્રકારના નૃત્યો, રાસ, ગરબા તેમજ કીર્તન ગાન રજૂ થયા હતા.
હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનારનું આગવું આકર્ષણ હતું ‘યૂથ કેમ્પ’. સેમિનારમાં પોતાના માતા-પિતા સાથે આવનારા નાના બાળકો માટે અલાયદું આયોજન કરાયું હતું. જેમાં બાળકોને વિવિધ પ્રકારના પ્રેઝન્ટેશન, વાર્તા કથન, કીર્તન ગાન, ઈન્ડોર-આઉટડોર ગેમ્સ દ્વારા ભારતીય સંસ્કૃતિના સુંદર સંસ્કાર અપાયા હતા.
કાર્યક્રમમાં પધારેલા ભક્તજનોના ભોજન પ્રસાદની વ્યવસ્થા અને વિવિધ આયોજનોને સફળ કરવા ગુરુકુલ પરિવારના યજમાનો અને સ્વયંસેવક ભાઈ-બહેનોએ ખૂબ જહેમત ઉઠાવી હતી. ગુરુકુલ પરિવારના સ્વયંસેવકોના રાત્રિ-દિવસના પુરુષાર્થથી ‘હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનાર’ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
સેમિનારને માણવા માટે અનેકક્ષેત્રના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભારતીય વિદ્યા ભવનના અધ્યક્ષ વિદ્વાન શ્રી એમ.એન. નંદાકુમારજી, શ્રી શશિભાઈ વેકરીયા - વાસક્રોફ્ટ કન્સ્ટ્રક્શન, શ્રી પરબતભાઈ કેરાઈ – પ્રમુખશ્રી, સ્વામિનારાયણ મંદિર-વુલ્વીચ, શ્રી મનુભાઈ ગાજપરીયા-કિંગ્સ કીચન, શ્રી વિનોદભાઈ હાલાઈ - યુરોકેન, સ્ટીવન ડર્બી - જુઈસ કમ્યુનિટી, શ્રી નારાયણભાઈ રાઘવાણી - ટ્રસ્ટી, સ્વામિનારાયણ મંદિર - ઇસ્ટ લંડનના પ્રમુખ શ્રી શામજીભાઈ વેકરીયા, કચ્છી સમાજના પ્રમુખ શ્રી માવજીભાઈ વેકરીયા, હિંદુ ફોરમ ઓફ બ્રિટનનાં તૃપ્તિબેન પટેલ, ગુજરાત સમાચાર - એશિયન વોઇસના પ્રકાશક-તંત્રી શ્રી સી.બી. પટેલ, સ્કોટલેન્ડ યાર્ડ શ્રી ભીમજીભાઈ વેકરીયા, એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પના ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ કોટેચા, એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પના ટ્રસ્ટી શ્રી કેતનભાઈ મહેતા વગેરે સહિત વિવિધ ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાના અગ્રણીઓએ હાજરી આપી હતી.
આ સેમિનારમાં ઉપસ્થિત રાજકીય મહાનુભાવોમાં મેયર શ્રીમતી ઉષાબેન પટેલ, ડેપ્યુટી મેયર શ્રીમતી અંજનાબેન પટેલ, પૂર્વ મેયર શ્રી હિતેશભાઈ ટેઈલર, કાઉન્સિલર શ્રી રામજીભાઈ ખીરોયા, કાઉન્સિલર ચેતનાબેન હાલાઈ, કાઉન્સિલર જયંતિભાઈ પટેલ, કાઉન્સિલર રામજીભાઈ ચૌહાણ, કાઉન્સિલર કાંતિભાઈ રાબડીયા વગેરેનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત લંડન, ઈસ્ટ લંડન, વુલ્વીચ, કેન્વી આઈલેન્ડ, લેસ્ટર, નોર્ધમ્પ્ટન, બર્મિંગહામ, બોલ્ટન, ઓલ્ડહામ, કાર્ડિફ, બાથ જેવા યુકેના વિવિધ વિસ્તારોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનોએ હાજરી આપી હતી.