BAPS સ્વામીનારાયણ સંસ્થા UKના ભૂતપૂર્વ ટ્રસ્ટી વી એચ પટેલનું અવસાન

Wednesday 29th September 2021 01:43 EDT
 
 

વિનોદભાઈ એચ પટેલનો જન્મ ૧૩ જાન્યુઆરી, ૧૯૩૮ના રોજ કેન્યાના નાઈરોબીમાં થયો હતો. ૧૯૫૭માં તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત બાર્કલેઝ બેંકથી કરી હતી. ૧૯૫૮માં તેઓ ઈસ્ટ આફ્રિકન એરવેઝમાં રિઝર્વેશન એજન્ટ તરીકે જોડાયા હતા. ૧૯૭૨માં રિઝર્વેશન્સ મેનેજર તરીકે તેમની ટ્રાન્સફર લંડન કરાઈ હતી.    

૧૯૮૯માં તેમણે એરલાઈન્સની જોબ છોડી દીધી હતી અને પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. જુલાઈ ૨૦૦૨માં તે રિટાયર થયા ત્યાં સુધી તેમણે સફળતાપૂર્વક તે બિઝનેસ ચલાવ્યો હતો.  
BAPS સ્વામીનારાયણ સંસ્થાના બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ૧૯૭૦માં ઈસ્ટ આફ્રિકા અને યુકેની આધ્યાત્મિક ટુર પર હતા ત્યારે તેમને એરલાઈન્સની કારકિર્દી દરમિયાન યોગીજી મહારાજની ટ્રાવેલ એરેન્જમેન્ટ કરવાની તક સાંપડી હતી. ૧૯૮૦ના દસકા સુધી બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજને ઘણી ફ્લાઈટમાં એસ્કોર્ટ કરવાનો અને અંગત રીતે મદદ કરવાનો અવસર સાંપડ્યો હતો.      
વી એચ પટેલનો જન્મ ગાનાના હરમનભાઈ પટેલના ચુસ્તપણે ધાર્મિક પરિવારમાં થયો હતો. તેઓ ૧૯૨૦ના દસકામાં ઈસ્ટ આફ્રિકામાં BAPS સત્સંગના મુખ્ય સ્થાપકો પૈકી એક હતા. બાળપણમાં તેમને BAPS સ્વામીનારાયણ સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સ્વામીનારાયણ સંપ્રદાયમાં લાવ્યા હતા.  
૧૯૭૦ના દસકાની શરૂઆતમાં યુકે આવ્યા પછી લંડન અને યુકેના અન્ય ભાગોમાં BAPSની પ્રવૃત્તિઓ શરૂ કરવામાં વિનોદભાઈએ જાતે જ આગળ રહીને કાર્યવાહી કરી હતી. ૧૯૭૪માં
પ્રમુખ સ્વામી મહારાજે તેમને BAPS UKના જનરલ સેક્રેટરી નીમ્યા હતા. તે હોદ્દે તેમણે ઘણાં વર્ષો કાર્ય કર્યું હતું અને પ્રમુખ સ્વામી મહારાજનું યુકે- યુરોપ વિચરણ, ૧૯૮૦માં વેમ્બલી કોન્ફરન્સ સેન્ટર ખાતે ઓલ વર્લ્ડ રિલિજન્સ કોન્ફરન્સ, ૧૯૮૫માં ભારતમાં સાંસ્કૃતિક મહોત્સવ, ૧૯૮૫માં સુવર્ણ તુલા મહોત્સવ અને નીસડન, લંડનમાં  BAPS શ્રી સ્વામીનારાયણના ઉદઘાટન પ્રસંગે લંડન મંદિર મહોત્સવ સહિત સંસ્થાના સંખ્યાબંધ કાર્યક્રમોના આયોજનમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.  
નીસડનમાં BAPS શ્રી સ્વામીનારાયણના ઉદઘાટન પછી પ્રમુખ સ્વામી મહારાજે વિનોદભાઈની  
 BAPS UKના ટ્રસ્ટી તરીકે નિમણુંક કરી હતી. તેમણે ૨૦૧૭ સુધી આ હોદ્દા પર ખૂબ ખંત અને નિષ્ઠાપૂર્વક કામ કર્યું હતું. તે દરમિયાન તેઓ યુકે અને યુરોપના કેટલાંક વિસ્તારોમાં ફર્યા હતા અને સ્થાનિક સમુદાયના લાભાર્થે સત્સંગ સેન્ટરો અને મંદિરો સ્થાપવામાં તેમણે મદદ કરી હતી.
વિનોદભાઈને નીસડન મંદિર ખાતે શાહી પરિવારના સભ્ય અને રાજકીય અગ્રણીઓને આવકારવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું. તેઓ સારા વક્તા હતા.
૨૦૧૭માં ટ્રસ્ટીપદેથી રિટાયરમેન્ટ પછી પણ વિનોદભાઈએ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી BAPS સત્સંગ ફેલોશિપ અને તેના હરિભક્તોની સેવા કરવાનું ચાલુ રાખ્યું હતું.    
૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૧ને રવિવારે ૮૩ વર્ષની વયે વિનોદભાઈનું દુઃખદ અવસાન થયું હતું. તેઓ તેમની પાછળ ૬૦ વર્ષીય પત્નિ, બે પુત્ર, ચાર ગ્રાન્ડચીલ્ડ્રન અને એક ગ્રેટ- ગ્રાન્ડચીલ્ડ્રનને છોડી ગયા છે.    


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter