GHS પ્રેસ્ટન મંદિરમાં રામનવમી ઉત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી

Wednesday 28th April 2021 05:44 EDT
 
 

તા.૨૧.૪.૨૧ને બુધવારે ચૈત્ર સુદ નોમના દિવસે ગુજરાત હિંદુ સોસાયટી, પ્રેસ્ટન મંદિર દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રના જન્મોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.  
મંદિરમાં દર્શનાર્થે આવતા હરિભક્તોના નામ – ટેલીફોન નંબર લઈ ટેમ્પરેચર માપીને તેમને મંદિરમાં પ્રવેશ અપાયો હતો. મંદિરમાં હાથ સેનીટાઈઝ કરીને અલગ અલગ ઉભા રહીને અથવા બેસીને સૌએ ઉત્સવમાં ભાગ લીધો હતો.  
સંસ્થાના પૂજારી ભૂમિનભાઈ ત્રિવેદીએ શાસ્ત્રોક્તવિધિ સાથે યજમાનો પાસે પૂજનવિધિ કરાવી હતી. સરયૂ જળનું પૂજન કરી ભગવાન રામચંદ્રના અવતારની કથા કહી પ્રાગટ્ય કરાયું હતું. યજમાન દ્વારા સ્નાનવિધિ, હરિભક્તોને પટ ખોલીને દર્શન, ભગવાનને રમકડા રમાડીને પારણિયે ઝૂલાવવામાં આવ્યા હતા. યજમાન દ્વારા ભગવાન રામચંદ્રના નીજ મંદિર પર ધજા ચડાવવામાં આવી હતી.  ત્યારપછી બાલભોગ ધરાવી યજમાન દ્વારા રામ જન્મ આરતી કરવામાં આવી હતી. ચૈત્ર નવરાત્રિ હોવાથી માતાજીની આરતી પણ ઉતારવામાં આવી હતી.
ભગવાનના દર્શનાર્થે આવેલા ભક્તોને ભોજનદાતા તરફથી તૈયાર કરાયેલા ફળાહારના પેકેટનું વિતરણ કરાયું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનને પારણિયે ઝૂલાવી તેમના દર્શન કરી કૃતાર્થ થયા હતા.  


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter