સમર હોલીડેઝનો આનંદ માણો પરંતુ, પ્રવાસ અને ઘરની સુરક્ષા માટે ઈન્સ્યુરન્સ ભૂલશો નહિ

Wednesday 24th July 2019 04:41 EDT
 
 

સમર હોલીડેઝનો આનંદ માણવાની ઈચ્છા રહે તે સ્વાભાવિક છે પરંતુ, રજાની મજા સોંસરી ના નીકળે તે માટે પ્રવાસ અને ઘરના ઈન્સ્યુરન્સ લેવાનું ભૂલશો નહિ. ઉનાળાની રજાઓ માણવા જતા ત્રીજા ભાગથી વધુ બ્રિટિશરો ટ્રાવેલ ઈન્સ્યુરન્સ મેળવતા નહિ હોવાનું એસોસિયેશન ઓફ બ્રિટિશ ટ્રાવેલ ઈન્સ્યુરર્સ (ABTA)ના નવા સંશોધનમાં જાણવા મળ્યું છે. પ્રવાસીઓ માત્ર આ જ જોખમ લે છે એવું નથી. રિપોર્ટના આંકડા અનુસાર આ ઉનાળામાં વિદેશ રજાઓ માણવાની યોજના ધરાવતા ૩૮ ટકા લોકોએ હજુ સુધી ટ્રાવેલ ઈન્સ્યુરન્સ મેળવ્યો નથી.

એક પંચમાશ (૨૧ ટકા) હોલીડેમેકર્સનું કહેવું છે કે તેમણે ૨૦૧૮માં ઈન્સ્યુરન્સ વિના જ પ્રવાસ કર્યો હતો. આમાંથી ૩૭ ટકાએ કહ્યું કે તેમને ટ્રાવેલ ઈન્સ્યુરન્સની આવશ્યકતા જણાઈ નથી અને ૨૮ ટકા આવું જોખમ ખેડવા તૈયાર હતા. જોકે, જેમણે ઈન્સ્યુરન્સ મેળવવાનું ટાળ્યું છે તેઓ મોટી મુશ્કેલીમાં આવી શકે છે. જે પ્રવાસીઓએ ઘણો ઓછો ટ્રાવેલ ઈન્સ્યુરન્સ લીધો હતો, પોલિસી લીધી જ ન હતી કે ખોટા પ્રકારની પોલિસી લીધી હતી તેમણે તેમની ઉનાળાની રજાઓમાં દુર્ઘટનાની કિંમત તરીકે ૫૦૦થી ૪,૦૦૦ પાઉન્ડ સુધીની રકમ ખિસ્સામાંથી કાઢવી પડી હતી.

તમે ટ્રાવેલ ઈન્સ્યુરન્સ નહિ લઈને તમારી જાતને કેટલા જોખમમાં મૂકી રહ્યા છો તેમજ રજાઓ માણવા ગયા હો ત્યારે ઘર અને કારની સુરક્ષા કેવી રીતે કરી શકાય તે માર્ગો વિશે અહીં થોડી નજર નાખી લઈએ.

ટ્રાવેલ ઈન્સ્યુરન્સ શા માટે મહત્ત્વપૂર્ણ છે?

ટ્રાવેલ ઈન્સ્યુરન્સની ખાસ દરકાર લેવામાં આવતી નથી પરંતુ, તે તમારા પ્રવાસનો મહત્ત્વનો હિસ્સો છે. આદર્શ તો એ જ કહેવાય કે તમારે પ્રવાસ માટે બુકિંગ કરાવો ત્યારે જ ટ્રાવેલ ઈન્સ્યુરન્સ લઈ લેવો જોઈએ. આનું કારણ એ છે કે તબીબી સારવાર અને અન્ય સહાય ઉપરાંત, તમારી ટ્રાવેલ ઈન્સ્યુરન્સ પોલિસી તમારા પ્રવાસનો ખરેખર આરંભ થાય તે અગાઉ જ કેન્સલેશન્સ અને અન્ય દુર્ઘટનાઓને પણ આવરી લે છે.

જો તમારે કારણોવશાત, તમારી સંપૂર્ણ રજાઓ રદ કરવી પડે તો પણ થોડી ઘણી સુરક્ષા પુરી પાડી શકે છે. તમારો હોલીડે ઈન્સ્યુરન્સ વેળાસર બુક કરવાના પરિણામે તમને સ્પર્ધાત્મક કિંમતે સૌથી શ્રેષ્ઠ ટ્રાવેલ ઈન્સ્યુરન્સ પોલિસી ખરીદવાની સારી તક પણ સાંપડે છે.

હું મારા Ehic પર આધાર રાખી શકું?

યુરોપિયન હેલ્થ ઈન્સ્યુરન્સ કાર્ડ (Ehic) એ નિઃશુલ્ક દસ્તાવેજ છે જેનો ઉપયોગ સમગ્ર ઈયુ તેમજ આઈસલેન્ડ, લિચેન્સેઈન, નોર્વે અને સ્વીટ્ઝર્લેન્ડમાં હેલ્થકેર સુવિધા મેળવવા માટે કરી શકાય છે. તમે જે દેશનો પ્રવાસ કરતા હો તેના નાગરિકોને પ્રાપ્ત કિંમતે જ સરકારી હોસ્પિટલોમાં સારવાર મેળવવાનો તમને અધિકાર મળે છે, જે સામાન્યપણે મફત હોય છે.

જો તમે યુરોપનો પ્રવાસ કરવાના હો તો તમારા માટે Ehic દસ્તાવેજ સાથે રાખવો ઉપયોગી બાબત છે પરંતુ, સર્વગ્રાહી ટ્રાવેલ પોલિસીના બદલામાં તેનો ઉપયોગ કરવો ન જોઈએ. ટ્રાવેલ ઈન્સ્યુરન્સથી વિપરીત, તમારા માટે તાકીદના બચાવકાર્યની અથવા તમારે એર એમ્બ્યુલન્સ ટ્રાન્સપોર્ટની આવશ્યકતા આવી પડે તેવા સંજોગોમાં તમારો Ehic દસ્તાવેજ ખર્ચને આવરી લેશે નહિ. આ ઉપરાંત, તમે સાજા થઈ રહ્યા હો ત્યારે તમારી સાથે રહેવાની જરૂર રહે તેવા પ્રવાસી સાથીના ખર્ચને પણ તેમાં આવરી શકશો નહિ.

આ ઉપરાંત, ટ્રાવેલ ઈન્સ્યુરન્સ પોલિસીઓ અન્ય ઘણી બાબતો આવરી લે છે, જેમાં પર્સનલ એક્સિડન્ટ કવર, કાનૂની ખર્ચાનો વીમો, સ્પોર્ટ્સના સાધનોનો વીમો તેમજ દુર્ઘટનાઓ અને અણધારી ઘટનાઓનો પણ સમાવેશ થઈ જાય છે.

તમારે કેવા પ્રકારનો ટ્રાવેલ ઈન્સ્યુરન્સ જોઈશે?

જ્યારે તમે ટ્રાવેલ ઈન્સ્યુરન્સની પસંદગી કરવા નીકળો ત્યારે તમારે યોગ્ય પ્રકારની પોલિસી શોધવાનું મહત્ત્વપૂર્ણ બની રહે છે. માત્ર સૌથી સસ્તી પોલિસી મેળવવાથી કામ થતું નથી.

Which? સંસ્થા કહે છે તેમ તમારી ટ્રાવેલ પોલિસીમાં ઓછામાં ઓછી નીચેની બાબતોનો સમાવેશ થવો જોઈએઃ

ઈમર્જન્સી મેડિકલ કવર - યુરોપમાં ૨ મિલિયન પાઉન્ડ અથવા સમગ્ર વિશ્વમાં ૫ મિલિયન પાઉન્ડ

પ્રવાસ રદ થાય, કાપકૂપ અને ગુમાવી દેવાય- ૩૦૦૦ પાઉન્ડ

અંગત ચીજવસ્તુઓ અને નાણાનું વીમા છત્ર- ,૫૦૦ પાઉન્ડ

અંગત જવાબદારીનું વીમાછત્ર- ૧ મિલિયન પાઉન્ડ

પોલિસીઓમાં સ્કૂબા ડાઈવિંગ અથવા ઘોડેસવારી જેવી રજાઓની સામાન્ય પ્રવૃત્તિઓ કદાચ આવરી લેવાઈ ન હોય તો તમે જેની મોજ લેવા ઈચ્છતા હો તેવી પ્રવૃત્તિઓ માટે વીમાથી આવરી લેવાયા છો તેની ચોકસાઈ કરી લેશો. ટ્રાવેલ ઈન્સ્યુરન્સ પોલિસી લેતા પહેલા તે તમારા માટે યોગ્ય- અનુકૂળ છે તેમજ તમારે જરૂરી બની બાબતો આવરી લેવાઈ છે તેની ચોકસાઈ માટે શરતો અને જોગવાઈઓ વાંચી લેવી આવશ્યક છે.

રજાઓ માણવા સાથે ઘરને કેવી રીતે સુરક્ષિત રાખશો?

મોટા ભાગના લોકોને રજાઓ કદી લાંબી લાગતી નથી. સ્વાભાવિક છે પરંતુ, એક વાતનું ધ્યાન રાખવું પણ આવશ્યક છે કે તમારું ઘર જેટલો લાંબો સમય ખાલી પડ્યું રહેશે, અપરાધીઓ દ્વારા તેને નિશાન બનાવવાનું જોખમ પણ વધી જશે.

યુકે ટુરિઝમના તાજા આંકડાઓ અનુસાર ૨૦૧૭માં આશરે ૭૨.૮ મિલિયન બ્રિટિશરોએ વિદેશપ્રવાસ ખેડ્યો હતો અને સરેરાશ ૧૦ રાત ઘરથી દૂર હતા. આથી, જો તમે સાન્ટોરિનીના પૂલસાઈડે આહ્લાદક ઠંડીમાં રહેવાનું કે એટલાસ પર્વતોમાં ટ્રેકિંગનું પ્રવાસ આયોજન કરી રહ્યા હો તો તમારા ઘરને સુરક્ષિત રાખવામાં આ બાબતો તમને મદદરુપ નીવડશે.

) તમારી પાસે યોગ્ય હોમ ઈન્સ્યુરન્સ કવર હોવાની ચોકસાઈ રાખો

મોટા ભાગની ઘર સંબંધિત ઈન્સ્યુરન્સ પોલિસીઓમાં ઘરફોડ ચોરીની ઘટનાઓને આવરી લેવાતી હોય છે ત્યારે તેમાં કેટલાંક અપવાદો વિશે પણ જાણવું આવશ્યક છે. ઉદાહરણ તરીકે, સતત ૩૦ કરતાં વધુ દિવસ તમારું ઘર ખાલી પડ્યું રાખવાથી તમારો ક્લેઈમ ફગાવી દેવાય તેવી શક્યતા રહે છે. જો તમારો પ્રવાસ આ સમયગાળાથી વધુ રહેવાનો હોય તો કેટલાંક ઈન્સ્યુર્ર્સ તમને વધુ સુરક્ષા આવરણ માટેની છૂટ આપે છે. આમ છતાં. તમારે તેમને આગોતરી જાણ કરવાની રહે છે.

) બધી વસ્તુઓ તાળાબંધ અને સલામત હોવાની ચોકસાઈ કરો

પ્રવાસે નીકળતાં અગાઉ, તમારા ઘરમાં પ્રવેશવાના દરેક પોઈન્ટ જેવાં કે બારીઓ, બારણાં અને દરવાજા સુરક્ષિત હોવાની ચોકસાઈ કરી લેશો. આ સુરક્ષામાં તમારા ગેરેજીસ, શેડ્સ અને ગ્રીનહાઉસીસનો પણ સમાવેશ કરવો જરૂરી છે.

હોમ સિક્યુરિટીમાં રોકાણ કરવાનો વિચાર ખરેખર સારો જ છે પરંતુ, જો તમે લાંબા પ્રવાસે જવાના હો તો તમે ફીટ કરાવેલી હોમ સિક્યુરિટી સિસ્ટમ મનને શાંતિ આપનારી હોય એટલું જ નહિ, અપરાધીઓ તમારા ઘરને નિશાન બનાવે તેનું જોખમ ઘટાડનારી હોય તે પણ મહત્ત્વનું છે. તમારા ઘરની સુરક્ષા વધારવા માટે સસ્તો હોમ ઈન્સ્યુરન્સ મેળવશો તે પણ મદદરુપ નીવડશે.

) તમે બહાર છો તે હકીકતની જાહેરાત ન કરશો

આપણા પ્રવાસ સાથીઓ સહિત ઘણા લોકો સોશિયલ મીડિયાના આપણા સાથીદારોને પણ પ્રવાસમાં સાથે જ રાખતા હોય તેમ દેખાઈ આવે છે. રજાઓની મજાની તસવીરો ઓનલાઈન મૂકવાનું હવે સામાન્ય બની ગયું છે. આ સંજોગોમાં તમે ઘેર પાછા ન આવો ત્યાં સુધી તમારું ઘર નધણિયાતું-ખાલી પડ્યું છે તેની તેની જાહેરાત કરવાથી દૂર જ રહેશો. આમ છતાં, જો તમારાથી રહી જ શકાતું ન હોય તો, તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટના સેટિંગ્સમાં ફેરફાર કરી માત્ર તમારા નિકટના પરિવારજનો અને મિત્રોને જ તમારા અપડેટ્સ જોવા મળે તેની કાળજી ચોક્કસ લેશો.

તમને શ્રેષ્ઠ હોમ ઈન્સ્યુરન્સ પોલિસી શોધવામાં મદદ થાય તે માટે નિષ્ણાતોએ ૩૦ પ્રોવાઈડર્સના સ્ટાન્ડર્ડ ધોરણો સાથેના ઈન્સ્યુરન્સ અને બિલ્ડિંગ્સ ઈન્સ્યુરન્સ પોલિસીઓનું વિશ્લેષણ કર્યું છે. આ ઉપરાંત, હજારો ગ્રાહકોના ફીડબેક સાથે તટસ્થ હોમ ઈન્સ્યુરન્સ કંપનીઓની ઈન્સ્યુરન્સ સમીક્ષા તમને જોવા મળી શકે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter