જેસિકા મર્ડર કેસઃ હત્યારા ગે પતિ મિતેશ પટેલને આજીવન કેદ

ઓસ્ટ્રેલિયામાં રહેતા બોયફ્રેન્ડ ડો. અમિત પટેલ સાથે જીવન વીતાવવા અને લાઈફ ઈન્સ્યુરન્સના બે મિલિયન ડોલર મેળવવાના ઈરાદા સાથે આ વર્ષે ૧૪ મેના રોજ હત્યા કરાઈ હોવાના જ્યૂરીના તારણ સાથે કોર્ટ સહમત

Thursday 06th December 2018 03:54 EST
 
 

લંડનઃ ઈરાદાપૂર્વકના આયોજન સાથે પ્લાસ્ટિક બેગથી ગળું રુંધી પત્ની જેસિકા પટેલની હત્યા કરવાના ગુનામાં ટેસાઈડ ક્રાઉન કોર્ટે મિડલ્સબરોના સમલિંગી ફાર્માસિસ્ટ મિતેશ પટેલને લઘુતમ ૩૦ વર્ષની જેલની સજા ફરમાવી છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા બોયફ્રેન્ડ ડો. અમિત પટેલ સાથે જીવન વીતાવવા અને લાઈફ ઈન્સ્યુરન્સના બે મિલિયન ડોલર મેળવવાના ઈરાદા સાથે આ વર્ષે ૧૪ મેના રોજ હત્યા કરાઈ હોવાના જ્યૂરીના તારણ સાથે કોર્ટ સહમત થઈ હતી. મિતેશ પટેલ પાંચ વર્ષથી હત્યાનું આયોજન કરતો હતો અને સિડનીમાં બોયફ્રેન્ડ સાથે પરિવાર બનાવી શકાય તે માટે તેણે જેસિકાના સ્ત્રીબીજ પણ ફ્રીઝ કરાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જેસિકા પટેલને તેનો પતિ અન્ય પુરુષ સાથે સંબંધ ધરાવતો હોવાની અને ડેટિંગ એપ ગ્રિન્ડર મારફત અન્ય પુરુષો સાથે સેક્સ્યુઅલ સંબંધો માણતો હોવાની છ વર્ષથી જાણ હતી.

હેલ્થ એપથી મિતેશનું જુઠ્ઠાણું પકડાયું

ફાર્માસિસ્ટ મિતેશ પટેલના આઈફોનમાં હેલ્થ એપથી પોલીસને તેને ગુનેગાર ઠરાવવામાં મદદ મળી હતી. યુકેમાં હેલ્થ એપનો આ પ્રકારે ઉપયોગ થયાની પ્રથમ કાનૂની ઘટના છે. મિતેશની ધરપકડ પછી પોલીસે તેનો હેન્ડસેટ કબજે લીધો હતો અને તે કયા સ્થળે કેટલો સમય હતો તેની વિગતો ડાઉનલોડ કરી હતી. હેલ્થ એપ ફોનમાં રહેલા મોશન પ્રોસેસર્સનો ઉપયોગ કરી વ્યક્તિ કસરત કરવા માટે કેટલાં પગલાં ચાલી અને કેટલી સીડીઓ ચડી હતી તેના પર દેખરેખ રાખે છે. ઘરના લિવિંગ રુમમાં અજાણ્યા સખ્શો દ્વારા જેસિકાની હત્યા પછી ઘરમાં ચોરી થયાનું દ્શ્ય ઉભું કરવા રૂમોનો માલસામાન રફેદફે કરવા મિતેશ સીડીઓ ચડી ઉપર ગયો, ઘરની આસપાસ કેટલાં પગલાં ચાલ્યો તેના પુરાવા તરીકે આ બાબતો કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જેસિકાના મૃત્યુ પછી મિતેશની હેલ્થ એપમાં ભારે સક્રિયતા જોવાં મળી હતી. પોલીસે આ પછી જેસિકા પટેલના હેન્ડસેટમાં હેલ્થ એપ ચકાસી હતી તો જાણવા મળ્યું કે તેનો ફોન હત્યાના સમયે માત્ર ૧૪ ડગલાં ચાલ્યો હતો, જ્યારે મિતેશ એલિબી ઉભી કરવા ઘરની બહાર જતો રહ્યો હતો. પોતે બહાર હોવા દરમિયાન જેસિકા જીવતી હોવાનું તેણે કહ્યું હતું પરંતુ, જેસિકાની હેલ્થ એપમાં કોઈ હિલચાલ દર્શાવાઈ ન હતી.

સજા સાંભળવા છતાં પટેલ ભાવહીન

મિ. જસ્ટિસ જેમ્સ ગોસે સજા સંભળાવી ત્યારે મિતેશના ચહેરા પર દેખીતાં પશ્ચાતાપ કે અન્ય કોઈ ભાવ જોવાં મળ્યા ન હતા. જોકે, પબ્લિક ગેલેરીમાંથી ‘યસ, યસ’ના શબ્દોચ્ચાર સાંભળવા મળ્યા હતા.

જસ્ટિસે જણાવ્યું હતું કે,‘ તમે તદ્દન સ્વાર્થી અને બિઝનેસલક્ષી વ્યક્તિ છો. અન્ય વ્યક્તિ સાથે પોતાની શરતોએ સંબંધ બાંધવા માગો છો. તમને જાણ હતી કે જેસિકાના મોત પછી તમને તેની ઈન્સ્યુરન્સ પોલિસીઓથી બે મિલિયન પાઉન્ડ મળવાના છે.’ તેમણે ઉમેર્યું હતું કે ૩૦ વર્ષની લઘુતમ મુદતની સજા અપરાધની ગંભીરતા અતિશય હોય તેવા કેસ માટે જ અપાય છે અને આ કેસ પણ તેવો જ છે. અગાઉ, ક્લિવલેન્ડ પોલીસે જણાવ્યું હતું કે હેલ્થ સેન્ટરમાં કામ કરતા જીપી ડો. અમિત પટેલની પૂછપરછ એક સાક્ષી તરીકે જ કરાઈ છે. જોકે, જેસિકાની હત્યા તરફ દોરી જતા તમામ સંજોગોની તપાસનો તેના પતિને ગુનેગાર ઠરાવાયા પછી પણ આવતો નથી. તપાસ ચાલુ રહેશે.

જેસિકા હત્યારાને ઓળખતી હતીઃ દિવ્યા

જેસિકાની નાની બહેન દિવ્યાએ એક નિવેદનમાં મિતેશ પટેલના કૃત્યને દુષ્ટ, ક્રૂર અને ખરાબ ઈરાદા સાથેનું ગણાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે, ‘અમારી એક જ આશા અને પ્રાર્થના હતી કે તેની અંતિમ ક્ષણોમાં તેને યાતના સહન ન કરવી પડી હોય. પરંતુ, દુઃખદ હકીકત એ છે કે તેને યાતના સહન કરવી પડી હતી. તેનો હત્યારો કોણ છે તેની તેને બરાબર જાણ હતી. જીવનને બચાવવાના તેના બધા પ્રયાસો હત્યારાએ સફળ થવાં ન દીધાં અને ક્રૂરતાથી હત્યા કરી. તેની અંતિમ પળોમાં ભય અને પીડાની અમે કલ્પના જ કરી શકીએ. આ ક્ષણોનો વિચાર કરતા જ અમારાં હૃદય હચમચી જાય છે. તેણે આમ શા માટે કર્યું તેનો સાચો જવાબ માત્ર મિતેશ જ આપી શકે છે. તેનું આ કૃત્ય સ્વાર્થી કારણોસર જ હતું. તે ડાઈવોર્સ આપી શક્યો હોત, તેને જોઈતું તમામ લઈ શક્યો હોત, તેણેજેસિકાનો જાન લેવાની કોઈ જ જરુર ન હતી.’

જેસિકાના પરિવારે નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘જેસિકા અંદર અને બહારથી સુંદર વ્યક્તિ હતી. તેનો આત્મા પવિત્ર હતો. તેનં હૃદય માયાળું હતું. તેના નાના અને સરળ સ્વપ્ના હતાં. તેને પ્રેમમાં પડવાની, પોતાનો સુખી પરિવાર હોય અને સદા સુખેથી રહેવાની ઈચ્છા હતી. જેસિકાને ગુમાવ્યાથી અમારા પરિવારને ભારે આઘાત લાગ્યો છે. આવું કશું થશે તેની અમને કલ્પના પણ ન હતી. જે માણસને અમે ઘરમાં આવકાર્યો, જેણે તેની રક્ષા કરવાનું વચન આપ્યું, તેણે જ છેતરપિંડી આચરી તેના સ્વપ્ના અને જિંદગી રોળી નાખ્યાં. તેને કરાયેલી આજીવન કેદની સજા પણ ઓછી હોવાં છતાં આ ટ્રાયલના પરિણામથી અમને થોડી શાંતિ મળશે.’

જેસિકાની હત્યાનું આગોતરું આયોજન

મિતેશ પટેલ પત્ની જેસિકાની હત્યાનું આગોતરું આયોજન કરી રહ્યો હતો. તેણે કેટલાય મહિનાઓ અગાઉ, ગળું રુંધાવા અને ઈન્સ્યુલિનના ઓવરડોઝથી થતાં મોત વિશે સર્ચ કર્યું હતું. જ્યૂરી સમક્ષ રજૂઆત કરાઈ હતી કે મિતેશ વર્ષોથી ‘મારે મારી પત્નીની હત્યા કરવી છે’, ‘પત્નીની હત્યાના પ્લોટમાં બીજા ષડયંત્રકારની જરૂર પડે?’, ‘હાયરિંગ હિટમેન યુકે’, ‘હાઉ મચ મેથેડોન વિલ કિલ યુ?’ તથા ‘ઈન્સ્યુલિન ઓવરડોઝ’ જેવા વિષયો પર ગૂગલ પર સર્ચ કરતો રહ્યો હતો. પોલીસને તેની લેપટોપ બેગમાંથી ઈન્સ્યુલીન ભરેલી અને ખાલી એક સિરિંજ પણ મળી આવી હતી.

ત્રણ જ કલાકમાં જ્યુરીનો સર્વાનુમતે નિર્ણય

મિડલ્સબરોના લિન્થ્રોપના નિવાસેથી ગયા મહિને મિતેશની ધરપકડ થયા બાદ ૧૨ દિવસ જ ટ્રાયલ ચાલી હતી, જે ખરેખર ત્રણ સપ્તાહ ચાલવાની હતી. ટ્રાયલના ૧૨મા દિવસ મંગળવારે જ્યુરીએ માત્ર બે કલાક અને ૫૦ મિનિટ વિચાર-વિમર્શ કરીને સર્વાનુમતે મિતેશને કસૂરવાર ઠેરવવાનો નિર્ણય લીધો હતો. મિ. જસ્ટિસ ગોસે મિતેશને સ્પષ્ટ કહ્યું હતું કે તને જ્યૂરીએ દોષિત ઠરાવ્યો છે અને તને આજીવન કેદની સજા થશે. હું બુધવારે ચુકાદામાં તારે લઘુતમ કેટલા વર્ષ જેલમાં રહેવું પડશે તે જાહેર કરીશ. મિ. જસ્ટિસે જ્યૂરીને જણાવ્યું હતું કે આજીવન કેદ ફરજિયાત છે.

પટેલ દંપતીનું લગ્નજીવન સુખી ન હતું

મિતેશ સમલિંગી હોવાં છતાં હિન્દુ ઉછેરના કારણે તેણે લગ્ન કર્યા હતા. મિતેશ પોતાના હિન્દુ ઉછેરથી દૂર ઓસ્ટ્રેલિયા નાસી જઈ પોતાના બોયફ્રેન્ડ સાથે જીવન ગાળવા ઈચ્છતો હતો. તેમનું લગ્નજીવન સુખી ન હતું. ટ્રાયલ દરમિયાન તેણે સ્વીકાર્યું હતું કે,‘ મારે મારી જાત સાથે પ્રામાણિક રહેવું જોઈતું હતું અને જેસિકા સાથે લગ્ન કરવા જોઈતા ન હતા. હું શું અનુભવું છું‘. તેનો ખુલાસો કરી શકતો નથી. હું એશિયન સમલિંગી વ્યક્તિ તરીકે ખુલ્લો પડવા માગતો ન હતો. મારે જેસને નિરાશ કરવી ન હતી. હું જેસને પરણ્યો હતો અને તેનાં તમામ સ્વપ્નો રોળાઈ જવાના હતાં.’ આ દંપતી સાથે મળીને ફાર્મસી ચલાવતાં હતાં. જેસિકા તેનો પતિ પુરુષો સાથે સંબંધ માણતો હોવાનું જાણતી હતી. દંપતીના યોર્કશાયરના જૂના ઘરમાં તેણે બોયફ્રેન્ડ ડો. અમિત પટેલ સાથે રાતો ગાળી હતી. મિતેશ અને જેસિકાએ IVF ના ત્રણ નિષ્ફળ રાઉન્ડ પૂરાં કર્યાં હતાં. ચોથી IVF સાયકલમાં જેસિકાના ભૃણો હાર્વેસ્ટ કરી શકાયાં હતા અને ડાર્લિંગ્ટનના ફર્ટિલિટી ક્લિનિકમાં તેને ફ્રીઝરમાં રખાયાં હતાં. ફ્રોઝન એમ્બ્રિયો પછી મિતેશને જેસિકાની જરુર રહી ન હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter