સારાહ એવરાર્ડ કેસમાં બળાત્કારી હત્યારા પોલીસ ઓફિસર વાયને કુઝેન્સને આજીવન કેદ

Wednesday 06th October 2021 04:43 EDT
 
 

લંડનઃ બ્રિટિશ શેરીઓમાં મહિલાઓની સલામતી સંદર્ભે ભારે રોષ સર્જાવનારા સારાહ એવરાર્ડ અપહરણ, બળાત્કાર અને હત્યાના ચકચારી કેસમાં ઓલ્ડ બેઈલી કોર્ટે કસૂરવાર ૪૮ વર્ષીય પોલીસ ઓફિસર વાયને કુઝેન્સને ગુરુવાર, ૨૯ સપ્ટેમ્બરે આજીવન કેદની સજા ફરમાવી દાખલો બેસાડ્યો હતો. તેને સજા દરમિયાન પેરોલ પણ નહિ આપવાનું કોર્ટે ફરમાવ્યું હતું. આ કેસની પોલીસ અને સરકારી તંત્રમાં ગંભીર નોંધ લેવાવા સાથે વડા પ્રધાન જ્હોન્સન, હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ અને પોલીસ કમિશનર ક્રેસિડા ડિકે પણ નિવેદનો જારી કર્યાં હતાં.

ગત માર્ચ મહિનામાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમિયાન ૩૩ વર્ષીય માર્કેટિંગ એક્ઝિક્યુટિવ યુવતી સારાહ એવરાર્ડ ગૂમ થવાથી દેશભરમાં ચર્ચા પ્રસરી હતી. આ હાઇ-પ્રોફાઇલ કેસમાં તપાસ શરૂ થઇ હતી, દેખાવો થયા હતા અને બ્રિટિશ શેરીઓમાં મહિલાઓની સલામતીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. લંડનના મેટ્રોપોલિટન પોલીસના એલિટ ડિપ્લોમેટિક પ્રોટેક્શન યુનિટમાં ફરજ બજાવતા ૪૮ વર્ષીય વાયને કુઝેન્સે જુલાઈમાં સારા એવરાર્ડનું અપહરણ કરી, બળાત્કાર ગુજાર્યા પછી તેની હત્યાની કબૂલાત કરી હતી. કુઝેન્સે ફરજ પર ન હોવા છતાં, લોકડાઉનના ગાળામાં સાઉથ લંડનના મિત્રના ઘેરથી પોતાના ઘેર પરત જઈ રહેલી ૩૩ વર્ષીય સારાહ એવરાર્ડની પ્રતિબંધો તોડવાના બનાવટી ઓઠાં હેઠળ ખોટી ધરપકડ કરી તેને હાથકડી પણ પહેરાવી હતી. સારાહનું અપહરણ કર્યા પછી કુઝેન્સે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને પોલીસ બેલ્ટથી તેનું ગળું રૂંધી મોતને ઘાટ ઉતારી હતી. આ પછી તેના શરીરને જંગલમાં સળગાવી દીધું હતું.

કુખ્યાત કુઝેન્સ અને સાંસદોની સુરક્ષા કામગીરી

સ્કોટલેન્ડ યાર્ડે સૌપ્રથમ વખત કબુલ્યું છે કે મિસ સારાહ એવરાર્ડના અપહરણ, બળાત્કાર અને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કરાયેલા કુઝેન્સને પાર્લામેન્ટ હાઉસીસમાં સાંસદોની સુરક્ષા માટે નિયમિત કામગીરી સોંપાતી હતી. તેના અસભ્ય સેક્સ્યુઅલ વર્તનના ઈતિહાસ છતાં તેને પાર્લામેન્ટના તમામ વિસ્તારોમાં પ્રવેશનો પાસ મળતો હતો. પાર્લામેન્ટરી એન્ડ ડિપ્લોમેટિક પ્રોટેક્શન કમાન્ડમાં કામ કરતી વેળાએ તેણે યુએસ એમ્બેસીનું પેટ્રોલિંગ પણ કર્યું હોવાનું મનાય છે.

એક અહેવાલ અનુસાર કુઝેન્સ કેન્ટના મેઈડસ્ટોનમાં હિલ્ટન હોટેલમાં પોતાના સહકર્મીના લગ્નની ૧૦મી વર્ષગાંઠની પાર્ટીમાં પત્નીની જગ્યાએ એક વેશ્યાને લઈ આવ્યો હતો. અન્ય સેક્સ વર્કરે કુઝેન્સ સાઉથ લંડનના બ્રોમલી પોલીસ સ્ટેશનમાં કામ કરતો હતો ત્યાં આવી હોબાળો મચાવ્યો હતો અને પોતાના નાણા માગ્યા હતા. કુઝેન્સને મળ્યા વિના જવાનો ઈનકાર કરતી ઈસ્ટ યુરોપિયન સેક્સ વર્કર માટે તેને પેટ્રોલિંગ કામગીરીમાંથી બોલાવવો પડ્યો હતો. કુઝેન્સે તેને કેશપોઈન્ટ લઈ જઈ નાણા ચૂકવ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter