સ્કોટલેન્ડમાં બાળકોને મારવા ગુનો ગણાશેઃ યુકેમાં પ્રથમ દેશ બન્યો

Wednesday 09th October 2019 03:30 EDT
 
 

લંડનઃ યુકેમાં પેરન્ટ્સ અને સંભાળ લેનારાઓ બાળકોને મારે અથવા શારીરિક શિક્ષા કરે તેને ક્રિમિનલ ઓફેન્સ બનાવનાર સ્કોટલેન્ડ પ્રથમ દેશ બન્યો છે. સ્કોટિશ પાર્લામેન્ટે ત્રણ ઓક્ટોબર ગુરુવારે ૮૪ વિરુદ્ધ ૨૯ મતથી પેરન્ટ્સ અને કેરર્સ દ્વારા બાળકોને શારીરિક શિક્ષા પર પ્રતિબંધ લગાવતો કાયદો દાખલ કરવા સંમતિ દર્શાવી છે. અત્યાર સુધી બાળકોને શિસ્તમાં રાખવા ‘વાજબી’ શારીરિક બળપ્રયોગ કરવા પેરન્ટ્સ અને કેરર્સને છૂટ અપાઈ છે.

કાયદામાં ફેરફાર વયસ્કોને હુમલા સામે મળતું રક્ષણ બાળકોને પણ આપવાનો હેતુ ધરાવવા સાથે સ્કોટલેન્ડને યુનાઈટેડ નેશન્સની ભલામણોને સુસંગત બનાવવાનો છે. સમગ્ર યુકેમાં યુગવ દ્વારા ૧,૫૪૬ વયસ્કોનો અભિપ્રાય લેવાયો હતો જેમાં, ૫૭ ટકાએ કાયદામાં આવા ફેરફારનો વિરોધ કર્યો હતો. આમ છતાં, સ્કોટિશ પાર્લામેન્ટે આ ખરડાને બહુમતીથી સમર્થન આપ્યું હતું. જોકે, કેટલાક સાંસદોએ ખરડાનો વિરોધ કરતા કહ્યું હતું કે આનાથી પેરન્ટ્સ દંડિત થશે.

આ ખરડો દાખલ કરનારા સ્કોટિશ ગ્રીન સાંસદ જ્હોન ફિને જણાવ્યું હતું કે,‘ ખરડો પસાર થવાથી કોઈ પણ પ્રકારની હિંસા કદી સ્વીકાર્ય ન હોવાનો અને આપણા બાળકો વયસ્કો ભોગવે છે તેવાં કાનૂની રક્ષણને પાત્ર મજબૂત સંદેશ પહોંચશે. સ્કોટિશ પાર્લામેન્ટે હિંમતપૂર્ણ અને ઐતિહાસિક પગલું લીધું તેનો મને આનંદ છે. ૨૧મી સદીના સ્કોટલેન્ડમાં શારીરિક શિક્ષાને સ્થાન નથી. આવી શિક્ષાથી બાળકો પર ગંભીર અસર થાય છે અને તે અસરકારી નથી તેમ આંતરરાષ્ટ્રીય પુરાવાઓ સિદ્ધ કરે છે.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter