ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે

Wednesday 25th September 2019 02:48 EDT
 
 

લંડનઃ આ વર્ષ ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીનું વર્ષ હોવાથી સમગ્ર યુકેમાં સંખ્યાબંધ કાર્યક્રમો યોજાશે. દર વર્ષની માફક આ વર્ષે પણ આગામી બીજી ઓક્ટોબરને બુધવારે લંડનના ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે ભારતીય હાઈ કમિશન અને ઈન્ડિયા લીગ દ્વારા ગાંધી જયંતીની ઉજવણી કરાશે. આ કાર્યક્રમમાં યુકેસ્થિત ભારતના હાઈ કમિશનર રુચિ ઘનશ્યામ, મેયર ઓફ કેમડન, સ્થાનિક કાઉન્સિલર્સ, એશિયન સાંસદો અને પીઅર્સ, કોમ્યુનિટી અગ્રણીઓ અને સંસ્થાઓના વડા હાજરી આપશે. આ કાર્યક્રમ જાહેર જનતા માટે ખૂલ્લો છે. હાઈ કમિશનર રુચિ ઘનશ્યામ તેમજ ઈન્ડિયા લીગના ચેરમેન અને ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સી બી પટેલ કેમડનના મેયરની સાથે ઉપસ્થિત લોકોને સંબોધશે.

બીજી ઓક્ટોબરે સવારે ૯થી ૯.૪૫ દરમિયાન લોર્ડ મેઘનાદ દેસાઈ અને ગાંધી સ્ટેચ્યુ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે જન્મજયંતીની ઉજવણી નિમિત્તે તેમનું સ્મરણ કરવાનો નાનો કાર્યક્રમ કરાશે.

ગાંધીજીની પ્રતિમા નજીક મહાત્મા ગાંધીના મૂલ્યો અને ઉપદેશોને ઉજાગર કરવા ભારતીય હાઈ કમિશન દ્વારા ૨૯ સપ્ટેમ્બરને રવિવારે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

આ ઉપરાંત, અગાઉ ગાંધી ફાઉન્ડેશન અને બ્રહ્મા કુમારીઝ (યુકે) દ્વારા ૨૭ સપ્ટેમ્બરને શુક્રવારે સવારે ૧૦થી ૪.૩૦ દરમિયાન ‘ગાંધીયન વોઈસ ઈન અવર વર્લ્ડ ટુડે’ વિષય પર પરિસંવાદનું બ્રહ્માકુમારીઝ (યુકે), ગ્લોબલ કો-ઓપરેશન હાઉસ વિલ્સડન ગ્રીન, લંડન ખાતે આયોજન કરાયું છે. વક્તાગણ અને પેનલ ચર્ચાના નિર્ણાયકોમાં ગાંધી ફાઉન્ડેશનના પ્રમુખ અને અગ્રણી ગાંધી વિદ્વાન પ્રોફેસર લોર્ડ ભીખુ પારેખ, બ્રહ્માકુમારીઝના યુરોપિયન ડાયરેક્ટર સિસ્ટર જયંતિ ક્રિપલાણી, કેમ્પેઈન ફોર ન્યુક્લીયર ડિસઆર્મામેન્ટના વાઈસ પ્રેસિડેન્ટ બ્રુસ કેન્ટ તેમજ યુએન રેપોર્ટેઅર ઓન ઈન્ડિજનસ પીપલના વિક્ટોરિયા ટાઉલી-કોર્પુઝનો સમાવેશ થશે. કોન્ફ્લ્યુઅન્સ ફાઉન્ડેશન દ્વારા ભારતીય હાઈ કમિશનના સહયોગથી ૨૬થી ૨૮ સપ્ટેમ્બર સુધી ભારત કોન્ક્લેવનું આયોજન કરાયું છે.

આ વર્ષે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરની પહેલથી શાંતિના પ્રતીક મહાત્મા ગાંધીની ભારતીય શિલ્પકાર રામ.વી સુતાર દ્વારા નિર્મિત નવ ફૂટ ઊંચાઈની નવી કાંસ્યપ્રતિમાનું માન્ચેસ્ટરમાં અનાવરણ પણ કરવામાં આવશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter