દીપાવલિ નિમિત્તે લંડન આઈઝ દીવાલી લાઈટ્સ સ્વીચ-ઓન કરાશે

Monday 09th October 2017 09:53 EDT
 

લંડનઃ હિન્દુ, શીખ, જૈન અને બોદ્ધ સમુદાયો માટે દીવાળીનો તહેવાર વિશેષ મહત્ત્વ ધરાવે છે. લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે રવિવાર,૧૫ ઓકટોબરે દીપોત્સવની રંગેચંગે ઉજવણી થવાની છે. આ પ્રસંગે ‘લાઈટ અપ લંડન-દીવાલી એટ ધ લંડન આઈ ૨૦૧૭’ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે સાંજના ૭.૧૫થી રાત્રિના ૯.૧૫ કલાક સુધી ટેટરશેલ કેસલ શિપ પર લંડન આઈઝ દીવાલી લાઈટ્સને સત્તાવાર સ્વીચ-ઓન કરવામાં આવશે. આ પ્રસંગે ગ્રેનફેલ ટાવર અપીલ માટે ફંડ પણ એકત્ર કરવામાં આવશે.

તાજેતરના ત્રાસવાદી હુમલાઓ અને ગ્રેનફેલ ટાવર આગના સમયે દેશને વધુ મજબૂત બનાવનારા વિક્ટિમ્સ અને હીરોઝને સમર્પિત આ લાઈટ સ્વીચ-ઓન સમારોહમાં ભારતીય હાઈ કમિશનર સિંહા તથા કમિશનના અધિકારીઓ અને સરકારના વરિષ્ઠ પ્રતિનિધિઓ, મીરા સ્યાલ, નીતિન ગણાત્રા અને જગ્ગી ડી સહિત બ્રિટિશ આર્ટ્સ અને કળાક્ષેત્રની સેલિબ્રિટિઝ સહિતના લોકો ભાગ લેશે. સાંસ્કૃતિક વૈવિધ્યતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ તેમજ બ્રિટિશ જીવનશૈલીના ધોરણે યુકેમાં આ વાતાવરણ ઉત્સવનું બની રહે તે નિરિવિવાદ છે. જોકે, ૨૦૧૭નું વર્ષ ત્રાસવાદી હુમલાઓ અને ગ્રેનફેલ ટાવર આગ જેવી ઘટનાઓના કારણે પડકારજનક બની રહ્યું છે. અંધકારના આ સમયમાં ઈમર્જન્સી સર્વિસીસ અને નિઃસ્વાર્થ સ્વયંસેવકો આપણા સમાજના દીપપ્રતીક બની રહ્યા છે.

લાઈટ અપ લંડન કમિટીના સહાધ્યક્ષો રવિ ભનોટ અને વિજય દાવડા, ઈવેન્ટ કો-ઓર્ડિનેટર પ્રણવ ભનોટે દીવાળી નિમિત્તે સહુને અભિનંદન પાઠવ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter