દીવાળી ઉજવણીમાં નિસ્ડન મંદિર સ્થાનિક ફૂડબેન્કોની વહારે

Wednesday 02nd November 2022 07:22 EDT
 
 

દીવાળી પ્રકાશનું પર્વ છે. દીવાળીમાં આશા, સહિષ્ણુતા અને શુભેચ્છાઓનું વાવેતર કરીને ખુશીઓ મનાવાય છે. 24થી 26 ઓક્ટોબર 2022 સુધી નિસ્ડન મંદિર ખાતે દીવાળી અને નૂતન વર્ષની ઉજવણી કરાઇ જેમાં લંડનના મેયર સાદિક ખાન, બ્રિટન ખાતેના ભારતીય હાઇકમિશ્નર વિક્રમ દોરાઇસ્વામી, શેડો ફોરેન સેક્રેટરી ડેવિડ લેમી સહિત હજારો સ્થાનિકો અને દૂર દૂરથી આવેલા ભાવિકો જોડાયાં હતાં.

નિસ્ડન મંદિરે આ વર્ષની ઉજવણીઓ દરમિયાન ઘણી થીમ્સ સાંકળી લીધી હતી. યોગાનુયોગ નિસ્ડન મંદિર તેના સ્થાપક પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મશતાબ્દિની ઉજવણી પણ કરી રહ્યું છે. પ.પૂ. પ્રમુખ સ્વામી હંમેશા કહેતા કે અન્યોની ખુશીમાં જ આપણી ખુશી રહેલી છે. આ અદ્દભૂત સંદેશાથી પ્રેરિત થઇને નિસ્ડન મંદિર અને દેશભરમાં આવેલા બીએપીએસ હિન્દુ મંદિરો કોમ્યુનિટી ફૂડ ડ્રાઇવ અંતર્ગત સ્થાનિક ફૂડ બેન્કો અને મોંઘવારીથી અસરગ્રસ્ત થયેલા લોકોને સહાય કરતા શેલ્ટરોમાં ખાદ્યપદાર્થોનું દાન આપશે.
દીવાળીના દિવસ એટલે કે સોમવારથી ઉજવણીનો પ્રારંભ કરાયો. રાત્રીના સમયે મંદિરના ઘુમ્મટોની ઉપર સંગીતની સૂરાવલિઓના તાલે થતી આતશબાજીએ નોર્થ લંડનના આકાશને ઝગમગાવી દીધું હતું. આ ઉજવણીમાં તમામ ધર્મ અને સમુદાયના મિત્રો અને પરિવારો જોડાયાં હતાં.
26 ઓક્ટોબરે મંદિરમાં નૂતન વર્ષની ઉજવણી કરાઇ હતી. મુલાકાતીઓ અન્નકૂટ જોઇ શક્તાં હતાં. નવા વર્ષના પહેલા ભોજન તરીકે આભાર વ્યક્ત કરતાં ભાવિકો દ્વારા દેવી-દેવતાઓ માટે તૈયાર કરાયેલી સેંકડો વાનગીઓ કલાત્મક રીતે ગોઠવવામાં આવી હતી. પાછળથી આ ભોજનને પ્રસાદ તરીકે ભાવિકો, સ્વયંસેવકો અને મુલાકાતીઓમાં વિતરિત કરાયું હતું.
આ પ્રસંગે સમારોહને સંબોધિત કરતા લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે, હું મંદિર સાથે સંકળાયેલા તમામ સ્વામી, ટ્રસ્ટી, સ્વયંસેવકોનો આભારી છું. તમે હિન્દુ ધર્મની દીવાદાંડી સમાન છો. આ મંદિર સદાવ્રતનું શિક્ષણ આપે છે. તમે મને આ મહાન શહેરના મેયર બનવાનું ગૌરવ આપ્યું છે.
મંદિર દ્વારા દાન કરાઇ રહેલા ખાદ્યપદાર્થો પર ડેવિડ લેમીએ જણાવ્યું હતું કે, આ સેવા દ્વારા લોકોને મંદિર તરફથી પોષણક્ષમ ભોજન અને સહાય પ્રાપ્ત થશે. ભારતીય હાઇકમિશ્નર દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે તમામ સમુદાયના મિત્રો, પાડોશીઓ અને લોકોને અહીં લાવવા જોઇએ જેથી તેઓ આ અદ્દભૂત મંદિર દ્વારા આશીર્વાદિત થાય અને તેની કરુણાનો હિસ્સો બને.
નિસ્ડન મંદિરના વડા યોગવિવેકદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, દીવાળી અને નૂતન વર્ષ બ્રિટનમાં તમામ સમુદાયોમાં શુભેચ્છા, સખાવત અને ભાઇચારાના મૂલ્યો સ્થાપિત કરે છે જે હાલના સમયમાં અત્યંત મહત્વના બની ગયાં છે. અમે આ વર્ષની ઉજવણી અંતર્ગત અમે એવા લોકોની સેવા કરવા માગીએ છીએ જેમને અમારી અત્યંત જરૂર છે. અમે આ મુશ્કેલીઓનો સાથે મળીને સામનો કરીશું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter