બોલ્ટનમાં ઘરમાં આગ: દલાલ પરિવારના ચાર સદસ્યોના નિધન

Tuesday 11th July 2017 11:19 EDT
 
 

બોલ્ટનના ડાબહિલ વિસ્તારના રોઝમોન્ડ સ્ટ્રીટના મીડ ટેરેસ મકાનમાં તા. ૮ના રોજ શનિવારે સવારે ૯ વાગ્યાના સુમારે હેલોજન હીટરના કારણે અચાનક આગ ફાટી નીકળતા ત્રણ માસુમ બાળકો સહિત ચાર સદસ્યોના કરૂણ મોત નિપજ્યાં હતા. મૃતકોમાં અનિશા ઉમરજી (ઉ.વ. ૪૦) તેમના બે દિકરાઅો હમાદ (ઉ.વ. ૧૨), યુસુફ (ઉ.વ. ૧૦) તેમજ દિકરી ખદીજા (ઉ.વ. ૫)નો સમાવેશ થાય છે. અનિશાબેનના પતિ ઝુબેરભાઇએ ઘરના પહેલા માળેથી નીચે છલાંગ લગાવી ઘરનો મુખ્ય દરવાજો અને બારીનો કાચ ફોડી પરિવારજનોને બચાવવાનો ખૂબજ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઅો સફળ થઇ શક્યા નહોતા. ઝુબેરભાઇને હાલમાં સારવાર અર્થે હોસ્પિટલમાં રખાયા છે જ્યાં તેમની સ્થિતી સુધારા પર હોવાનું જણાવાય છે. મોતને ભેટેલ દલાલ પરિવાર મૂળ ભરૂચ તાલુકાના કંથારીયા ગામના વતની હતા અને ગુજરાતી મુસ્લિમ પરિવારના ચાર સદસ્યોના નિધનની જાણ ભરૂચ અને યુકેમાં રહેતા ભરૂચના મુસ્લિમ પરિવારોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

ગ્રેટર માંચેસ્ટર ફાયર એન્ડ રેસ્કયુ સર્વિસીસના આસીસ્ટન્ટ કાઉન્ટી ફાયર અોફિસર ટોની હંટરે જણાવ્યું હતું કે "અમે જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ઝૂબેર ઉમરજી પરિવારને બચાવવા માટે ચીસો પાડતા ઝઝુમી રહ્યા હતા. ઘરમાં લાગેલી આગ ખૂબ જ જોરદાર હતી અને તેને કારણે રૂમની દિવાલનું પ્લાસ્ટર પણ ઉખડી ગયું હતું. ફાયર બ્રિગેડના ચાર અધિકારીઅોએ પોતાની પાસેના વિશેષ સાધનો વડે ઘરનો દરવાજો તોડ્યો હતો અને જેમ તેમ કરીને કશુ જ દેખાતું ન હતું છતાં ઉપર ગયા હતા. જ્યાં તેમને અનિશાબેન અને તેમના ત્રણ બાળકો મળી આવ્યા હતા. જેમાંથી એક બાળક મૃત હતું જ્યારે બચી ગયેલા અનિશાબેન અને અન્ય બે બાળકોને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તે ત્રણેયના સાવાર દમરિયાન મરણ થયાં હતાં. આગ વધુ પ્રસરી જવાથી અને ધુમાડાને કારણે બચાવ કામગીરી વિકટ બની હતી.”

પોલીસે આ બનાવ દિલને હચમચાવી દે તેવો હોવાંનું જણાવ્યું હતું. અકસ્માત અંગેની પ્રાથમિક તપાસ બાદ પોલીસને આ બનાવમાં કશુંજ શંકાસ્પદ જણાઇ રહ્યું નથી. પરંતુ બનાવના કારણની તપાસ પોલીસ અને માંચેસ્ટર ફાયર અને રેસ્કયુ ટીમના અધિકારીઅો દ્વારા કરાઇ રહી છે. બોલ્ટન બરોના ડીટેક્ટીવ ચિફ ઇન્સ્પેક્ટર ક્રિસ બ્રિજે બનાવ આંગે વધુ વિગતો પૂરી પાડવા સ્થાનિક લોકોને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ દુ:ખદાયક બીનામાં ભોગ બનેલા સૌ માટે અમને સહાનુભૂતિ છે.

મોતને ભેટેલો ૧૨ વર્ષનો હમાદ અોટીઝમથી પિડાય છે અને તે બર્ટેનશો સ્કુલમાં અભ્યાસ કરતો હતો. બનાવના આગલા દિવસે જ સ્કૂલના સૌ બાળકો અને હમાદને ચેસ્ટર ઝૂની મુલાકાતે લઇ જવાયા હતા. શાળાના એક્ઝીક્યુટિવ હેડ ટીચર જુલી બાર્ન્સે હમાદ અને તેના પરિવારજનોને અંજલિ આપી હતી અને આ દુ:ખદ ઘટનાથી શાળાના બાળકો, હમાદના મિત્રો અને સૌ શિક્ષકો ખૂબજ વ્યથિત હોવાનું જણાવ્યું હતું.

બોલ્ટન કાઉન્સિલ અોફ મોસ્ક દ્વારા આ અંગે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે "કાઉન્સિલ મૃતકના પરિવારજનો સાથે સંપર્કમાં છે અને અને ફ્યુનરલ વગેરેની તૈયારીઅો કરાઇ રહી છે. પરિવાર સ્થાનિક બ્રિજમેન સ્ટ્રીટ ખાતે આવેલ જામીયા દારૂલ કુરાન મસ્જીનની નિયમીત મુલાકાત લેતો હતો.

પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું કારણ હેલોજન હીટર હતું. બાળકોએ સવારે ઘરના ભોંયતળીયે આવેલા રૂમમાં આઇપેડ ચાર્જ કરવા ગયા હતા ત્યારે ભૂલથી હીટરની સ્વીચ ચાલુ કરી દીધી હતી. જેમાં અચાનક આગ લાગી ગઇ હતી. અમે ઇમરજન્સી સેવાઅોનો આભાર માનીએ છીએ જેમણે પોતાનાથી થાય તે તમામ મહેનત કરી હતી. વિશાળ સ્થાનિક સમુદાય આ ઘટના સમયે ઉમરજી પરિવારની પડખે ઉભો રહ્યો છે તે બદલ અમે સૌના આભારી છીએ.”

બોલ્ટન સાઉથ ઇસ્ટના એમપી યાસ્મીન કુરેશીએ આ અંગે શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું હતું કે મને આ બનાવથી ખૂબજ આઘાત લાગ્યો છે અને મારી પ્રાર્થના મૃતકોના પરિવારજનો, મિત્રો અને પડોશીઅો સાથે છે. વિખ્યાત બોક્ષર આમીર ખાને પણ આ ખૂબ જ દુ:ખદાયક બનાવ છે તેમ ટ્વીટ કરી ઉમરજી પરિવારને શ્રધ્ધાંજલિ અર્પી હતી અને ફ્યુનરલનો ખર્ચો પોતે આપશે તેમ જણાવ્યું હતું. સ્થાનિક મેયર એન્ડી બર્નહામે પણ દલાલ પરિવાર પ્રતિ દીલસોજી વ્યકત કરી હતી.

શેરીમાં જ રહેતા ૮૦ વર્ષના મૈમુના ચોક્સીએ માંચેસ્ટર ઇવનીંગ ન્યુઝને જણાવ્યું હતું કે "મોતને ભેટેલા બાળકો હરહંમેશા શાળા સમય પછી ઘરની બહાર રમતા દેખાતા. પરિવારના સૌ ખૂબ જ સારો સ્વભાવ ધરાવતા હતા અને અવારનવાર બારીમાંથી બાળકો હાથ હલાવીને અભિવાદન કરતા હતા. અનિસા ખૂબજ સારી યુવતી હતી અને તે હંમેશા મને મળવા આવતી અને હું પણ તેને મળતી હતી. તેનો પતિ પણ સારો યુવાન હતો અને તે બધાં અમારી શેરીના ખૂબજ સારા સદસ્યો હતા. આ બનાવને પગલે મને ઘણું જ દુ:ખ થયું છે.

દલાલ પરિવાર વર્ષો પહેલા બોલ્ટન આવીને વસ્યો હતો. બનાવની જાણ થતાં જ કંથારીયા ગામમાં વસતા દલાલ પરિવારના પિતરાઇ ભાઇ સલીમભાઇના ઘરે ચિંતાતુર સંબંધીઅો અને પરિચીતો એકત્ર થઇ ગયા હતા.

અનિશાબેન, હમાદ, યુસુફ અને ખદીજાના અંતિમ સંસ્કાર તા. ૧૧ જુલાઇ મંગળવારના રોજ બપોરે ૧-૪૦ કલાકે ન્યુ અોવરડેલ સેમેટ્રી, બોલ્ટન ખાતે સંપન્ન થયા હતા.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter