મહંત સ્વામીના હસ્તે ઈસ્ટ લંડનમાં નવા BAPS સ્વામીનારાયણ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન

Wednesday 11th October 2017 05:52 EDT
 
 

લંડનઃ BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક ગુરુ અને માર્ગદર્શક પૂજ્ય મહંત સ્વામીના હસ્તે રવિવાર, આઠ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ઈસ્ટ લંડનના ચિગવેલમાં નવા સ્વામીનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અન્ય સ્વામીઓની સાથે મહંત સ્વામીએ મૂર્તિઓમાં દૈવી ઉપસ્થિતિનું સ્થાપન કરતી વૈદિક મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા વિધિ કરી હતી. મહંત સ્વામીના હસ્તે ઈસ્ટ લંડનમાં નવા BAPS સ્વામીનારાયણ હિન્દુ મંદિરના ઉદ્ઘાટન સાથે મહંત સ્વામી દ્વારા યુકેમાં પ્રથમ જ વખત મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા અને ઉદ્ઘાટન કરાયું છે.

અગાઉ, થોડાં જ ભક્તો દ્વારા ઘર સભા થતી અને તે પછી ભાડાના હોલમાં ધર્મસભાઓ અને ઉત્સવોનું આયોજન કરવામાં આવતું હતું. જોકે,૧૯૬૩થી ઈસ્ટ લંડનમાં BAPS સત્સંગ પ્રવૃત્તિઓ સ્થિરપણે વધતી ગઈ છે. નવું હિન્દુ મંદિર સ્થાનિક ઉત્સાહી ધર્મપ્રિય અનુયાયીઓ માટે પૂજાનું સ્થળ બની રહેશે એટલું જ નહિ, ઈસ્ટ લંડન વિસ્તારમાં બાળકો, યુવાવર્ગ, શૈક્ષણિક, આરોગ્યસંભાળ તેમજ અન્ય સખાવતી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેશે. મહંત સ્વામીએ તેમની ૨૦૧૫ની ઈસ્ટ લંડનની મુલાકાત વેળાએ આવા મંદિરની જરૂરિયાત વિશે ભાર મૂક્યો હતો. આ પછી, ચિગવેલમાં ભૂમિ સંપાદિત કરાઈ હતી અને ૨૯ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ ભૂમિપૂજન વિધિ કરવામાં આવી હતી.

રવિવારની સવારે યોજાએલા કાર્યક્રમોમાં અન્નકૂટ મુખ્ય હતો, જેમાં દૈવીપ્રતિમાઓ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરવા વિવિધ વાનગી--વ્યંજનો અર્પણ કરવામાં આવે છે. ધર્મસભામાં સમગ્ર સ્થાનિક કોમ્યુનિટીમાં શાંતિ માટે પ્રાર્થનાઓ પણ કરવામાં આવી હતી.

ભક્તજનો મૂર્તિ પ્રતિષ્ઠા વિધિના દર્શન કરી શકે તે માટે નજીકના ચિગવેલ હોલમાં સેરેમનીનું જીવંત ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. નાના બાળકોએ મહંત સ્વામી મહારાજનું સવારની ધર્મસભામાં ભાવભર્યું સ્વાગત કર્યું હતું. આ સાથે વાતાવરણમાં આધ્યાત્મિકતાનો સંચાર થયો હતો. યુવાનોએ જોશપૂર્ણ સ્વાગત નૃત્ય પણ કર્યું હતું. પ્રવચનો અને વીડિયો પ્રેઝન્ટેશન્સ મારફત ઈસ્ટ લંડનમાં સત્સંગ પ્રવૃત્તિઓનો ઈતિહાસ રજૂ કરવામાં આવ્યો હતો.

મહંત સ્વામીએ આવા ઉત્સવો અને વિધિઓ થકી દિવ્ય આનંદનો અનુભવ થાય છે તેમ જણાવી ભક્તજનો અને સ્થાનિક સમુદાયના સભ્યોને આ નવા મંદિરથી લાભ પ્રાપ્ત થઈ શકે તેવી પ્રાર્થના પણ કરી હતી.

લંડનના BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે પણ ગુરુવાર ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૭ના દિવસે નવા હિન્દુ મંદિરના માનમાં નૃત્યો, નાટકો,ભક્તિગીતો અને પ્રવચનો સાથે પ્રેરણાદાયી સાંસ્કૃતિક પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. અગ્રણી સ્વયંસેવક ગિરીશ પટેલે પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,‘આ મંદિર આપણા સમાજ માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને આ યાદગાર પ્રસંગની ઉજવણી કરવા આપણી કોમ્યુનિટીના સભ્યો વિશાળ સંખ્યામાં એકત્ર થયાં છે તે જોઈને અમને ઘણો જ આનંદ થયો છે.’

અત્રે ઉલ્લેખનીય છે કે BAPS સ્વામીનારાયણ સંસ્થા કોમ્યુનિટી આધારિત આંતરાષ્ટ્રીય હિન્દુ સંગઠન છે. યુએન સાથે સંકળાયેલું સંગઠન પોતાના ૧૦ લાખથી વધુ સભ્યો, ૫૫,૦૦૦ સ્વયંસેવકો અને ૩,૮૫૦ કેન્દ્રોની સહાયથી વ્યક્તિઓ અને પરિવારો તેમજ સમાજોની સંભાળનું કાર્ય કરે છે. આ સંસ્થા પૂજ્ય મહંત સ્વામી મહારાજના નેતૃત્વમાં સદાચારી, શાંતિપૂર્ણ અને સુસંવાદી કોમ્યુનિટીનું નિર્માણ કરવાની ઈચ્છા ધરાવે છે, જે આધ્યાત્મિક શુદ્ધતા ધરાવવા સાથે વ્યસનો અને હિંસાથી મુક્ત હોય. BAPS યુકેમાં સૌથી વિશાળ અને સૌથી સક્રિય હિન્દુ સંગઠનોમાના એક તરીકેની નામના ધરાવે છે. BAPS સમાજ સુધી પહોંચવાની બહુલક્ષી કોમ્યુનિટી પ્રવૃત્તિઓ માટે તેમજ આંતરરાષ્ટ્રીય નામનાપ્રાપ્ત નીસડન સ્વામીનારાયણ મંદિર માટે વિશેષ ઓળખ ધરાવે છે.  


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter