વર્તમાન વિશ્વમાં ગાંધીજીના અહિંસા અને સત્યના સંદેશની સુસંગતતા વિશે કોન્ફરન્સમાં ચર્ચા

Tuesday 17th September 2019 10:21 EDT
 

લંડનઃ વિશ્વભરમાં મહાત્મા ગાંધી તરીકે પ્રખ્યાત મોહનદાસ કરમચંદ ગાંધીની ૧૫૦મી જન્મજયંતી (બીજી ઓક્ટોબર ૨૦૧૯)ની ઉજવણીના થોડાં દિવસ અગાઉ જ તેમના અહિંસા અને સત્યના સંદેશની અનંત પ્રસ્તુતતા વિશેની ચર્ચા કરવા ગાંધીજીથી પ્રેરિત અગ્રણી વિચારકો અને કર્મશીલો ૨૭ સપ્ટેમ્બર શુક્રવારે લંડનમાં કોન્ફરન્સ યોજી રહ્યા છે.

ગાંધી ફાઉન્ડેશન અને બ્રહ્મ્કુમારીઝ (યુકે) બ્રિટિશ રાજમાંથી ભારતની આઝાદીના પ્રતીકરુપ ગાંધીજીના જીવન અને કવન સંબંધિત ચર્ચા માટે અગ્રણી વિદ્વાનો અને કર્મશીલોને એક મંચ પર લાવી રહ્યા છે. આ કોન્ફરન્સમાં અહિંસક સંધર્ષના ઠરાવ, આધુનિક આર્થિક મોડેલ્સ તેમજ ક્લાઈમેટ ચેન્જ સહિત ગાંધીજીના વિચારો અને જીવનને સંબંધિત વિષયો પર વ્યાપક ફલક વિશે ચર્ચા હાથ ધરાશે.

ગાંધી ફાઉન્ડેશન યુકેમાં રજિસ્ટર્ડ ચેરિટી છે જે, મોહનદાસ ક. ગાંધી (૧૮૬૯-૧૯૪૮)ના જીવન અને કાર્યો વિશે જ્ઞાન અને સમજને પ્રસાર કરવામાં કાર્યરત છે. ‘ગાંધીઅન વોઈસ ઈન અવર વર્લ્ડ યુડે’ નામની કોન્ફરન્સ૨૭ સપ્ટેમ્બર શુક્રવારે લંડનના વિલ્સડન ગ્રીન ખાતે બ્રહ્મા કુમારીઝ (યુકે) નેશનલ કો-ઓર્ડિનેટીંગ ઓફિસમાં સવારે ૧૦.૦૦થી સાંજના ૪.૩૦ સુધી યોજાનાર છે. વક્તાઓ અને પેનલ ચર્ચાકારોમાં ગાંધી ફાઉન્ડેશનના સ્થાપક અને અગ્રણી ગાંધીવિચારક પ્રોફેસર લોર્ડ ભીખુ પારેખ, બ્રહ્મા કુમારીઝના યુરોપિયન ડાયરેક્ટર સિસ્ટર જયંતિ કૃપલાણી, કેમ્પેઈન ફોર ન્યુક્લીઅર ડિસઆર્મામેન્ટના વાઈસ પ્રેસિડેન્ટ બ્રુસ કેન્ટ તેમજ યુએન રેપોર્ટિઅર ઓન ઈન્ડિજનસ પીપલ્સ વિક્ટોરિઆ ટાઊલી-કોર્પઝનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં વિક્ટોરિઆ ટાઊલી-કોર્પઝને ગાંધી ફાઉન્ડેશનના શાંતિ એવોર્ડથી વિભુષિત કરવામાં આવનાર છે.

ગાંધી ફાઉન્ડેશનના પ્રમુખ પ્રોફેસર લોર્ડ પારેખે જણાવ્યું હતું કે,‘ભારતના સ્વાતંત્ર્ય આંદોલનના અગ્રણી નેતાઓમાં એક તરીકે ગાંધીજીનો આદર કરાય છે. તેમના જન્મના ૧૫૦ વર્ષ પછી પણ ગાંધીજીની ફીલોસોફી અને જીવન આપણા આધુનિક વિશ્વ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. વાસ્તવમાં સત્ય અને અહિંસાનો તેમનો ઉપદેશ આપણા રોષિત, વિભાજિત, અસમાન અને પર્યાવર્ણીય પડકારો ધરાવતા વિશ્વ માટે વધુ સ્વસ્થતા બક્ષનારો બની રહેશે તેમાં કોઈ શંકા નથી. વિશ્વ સમક્ષના ચાવીરુપ પડકારોનું નિરાકરણ લાવવા ગાંધીજીના અવાજને મૂર્તિમંત બનાવવા બ્રહ્મા કુમારીઝ સાથે મળીને આ કાર્યક્રમ યોજવામાં અમને ઘણો આનંદ થાય છે.’

બ્રહ્મા કુમારીઝના યુરોપિયન ડાયરેક્ટર સિસ્ટર જયંતિએ જણાવ્યું હતું કે,‘ગાંધીજીની આધ્યાત્મિક ચેતનાએ તેમને માનવ પરિવારના તમામ સભ્યોને સરખા અધિકાર ધરાવનાર તરીકે નિહાળવા પ્રેર્યા હતા. આધ્યાત્મિકતા આપણને સાદગીપૂર્ણ જીવન જીવવા તેમજ લોકકલ્યાણ, સંવાદિતા અને સ્થિરતામાં મહત્ત્વપૂર્ણ પ્રદાન કરી શકાય તે રીતે જવાબદાર બનવા આંતરિક ગૌરવ અને તાકાત આપે છે. વર્તમાન સંઘર્ષો, આધુનિક અર્થવ્યવસ્થા અને ક્લાઈમેટ ચેન્જ સહિતના ક્ષેત્રોમાં ગાંધીજીના જીવન અને કવનની પ્રસ્તુતતા વિશે વિચારવામાં ગાંધી ફાઉન્ડેશન સાથે સહકાર સાધતા અમને ખુશી થાય છે. કોન્ફરન્સનું રજિસ્ટ્રેશન તમામ માટે ખુલ્લું છે. તે નિઃશુલ્ક છે અને ભોજનની વ્યવસ્થા પણ છે. રજિસ્ટ્રેશન કરાવવા માટે https:// www.eventbrite.co.uk/e/ gandhian-voice-in-our-world-today-tickets-69019076917 લિન્કનો ઉપયોગ કરવા વિનંતી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter