વેલિંગબરોમાં ચોર લુંટારાનો ત્રાસ: WDHA – હિન્દુ મંદિર દ્વારા યોજાયેલી બેઠકમાં પોલીસને ઉગ્ર રજૂઆત

- કમલ રાવ Wednesday 17th January 2018 07:55 EST
 
 

ક્રિસમસથી લઇને આજ દિન સુધીમાં વેલિંગબરોમાં રહેતા અોછામાં અોછા સાત ગુજરાતી પરિવારોના ઘરો પર ત્રાટકીને ચોર લુંટારાઅોએ બેરહેમ થઇ મારઝુડ કરી ચોરી લુંટફાટ મચાવતા વેલિંગબરોમાં રહેતા ગુજરાતીઅો - ભારતીયોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસ રક્ષણ આપવામાં નિષ્ફળ જતા ગુજરાતી પરિવારોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો. ચોર લુંટારાઅો સામે સજ્જડ પગલા લેવા માટે ઉગ્ર રજૂઆત કરવા તા. ૧૪ જાન્યુઆરી રવિવારના રોજ સાંજે સ્થાનિક પોલીસ અધિકારીઅો સાથે એક સ્પેશ્યલ મિટીંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ૩૦૦ કરતા વધારે ગુજરાતીઅોએ એકત્ર થઇને પોલીસ સમક્ષ રોષભેર રજૂઆત કરી હતી.

નોર્ધમ્પ્ટનશાયરના વેલિંગબરોમાં રહેતા સાત જેટલા ગુજરાતી અને એક દક્ષિણ ભારતીય પરિવારના ઘરને ચોર લુંટારાઅોએ નિશાન બનાવ્યા હતા. અમારા વાચક મિત્ર સુમંતરાય કે. મિસ્ત્રીના જણાવ્યા મુજબ વેલિંગબરોમાં બનેલા એક બનાવમાં લુંટારાઅો પૈકી એક મહિલાએ બેલ મારીને ઘરનો દરવાજો ખોલાવ્યો હતો. સિક્યુરીટી ચેઇન ભરાવીને ઘર માલિકે દરવાજો થોડોક ખોલતા જ લુંટારુ મહિલાએ તેમાં ક્રો બાર ઘુસાડી દીધો હતો. ગણતરીની સેકન્ડમાં તેના સંતાયેલા સાગરીતો દોડી આવ્યા હતા અને દરવાજાને ધક્કો મારી સિક્યુરીટી ચેઇન તોડીને ઘરમાં ઘુસી ગયા હતા અને સોનાના દાગીના તેમજ રોકડ રકમની લુંટ ચલાવી હતી. અન્ય બનાવમાં ચોરોએ ઘરના પાછળના દરવાજાને તોડીને ઘરમાં ઘુસીને ચોરી કરી હતી. અન્ય એક બનાવમાં લુંટારાઅોએ ઘરમાં પ્રવેશ કરીને પરિવારજનોને જાનથી મારી નાંખવાની ધમકી આપી રોકી રાખ્યા હતા જ્યારે તેના બે સાગરીતોએ ઘરના ઉપરના બેડરૂમાં જઇને માત્ર દસ મિનિટ કરતા અોછા સમયમાં સોનાચાંદીના દાગીના અને રોકડ રકમની લુંટ કરી ભાગી છૂટ્યા હતા.

શ્રી મિસ્ત્રીએ જણાવ્યું હતું કે "મોટે ભાગે દરેક ઘરમાંથી આશરે ૨૦-૨૫ તોલા સોનાના દાગીનાઅોની ચોરી થઇ છે. ગયા વર્ષે બાર્કેલઝ બેન્ક દ્વારા વેલિંગબરોમાં લોકરની સેવા બંધ કરાયા બાદ મોટા પ્રમાણમાં સ્થાનિક રહીશો સોનાના દાગીના ઘરે લઇ આવ્યા હતા અને હવે તેઅો ચોર લુંટારાઅોના આતંકનો ભોગ બની રહ્યા છે. ચોર લુંટારાઅો માત્ર રોકડ રકમ અને સોનાના દાગીનામાં જ રસ હોય છે. પોલીસ પણ બોલાવવામાં આવે ત્યારે તુરંત આવતી નથી અને નોન ઇમરજન્સી નંબર પર તો કોઇ ફોન પણ ઉપાડતું નથી. આપણા ભારતીયોના ઇંગ્લીશ પ્રોનાઉન્સીએશન સાંભળીને ઘણી વખત તેઅો મચક આપતા નથી. પરસેવાની કમાણીમાંથી વસાવેલા ઘરેણાં અને રોકડ રકમની ચોરી ફક્ત દસ મિનિટમાં કરીને ભાગી જતા લોકોને પોલીસ પણ પકડી શકથી નથી. કદાચ આ પ્રોબ્લેમ ગોરા લોકોનો નથી એટલે પોલીસને કોઇ પડી નથી.”

અમારા અન્ય વાચક મિત્ર જગદીશભાઇ ગણાત્રાએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ એક ગુજરાતી પરિવારના ઘરમાં લુંટારાઅોએ પાછળના દરવાજેથી બળજબરીથી પ્રવેશ કર્યો હતો. લુંટારાને જોઇને પરિવારની દિકરીએ પોલીસને ફોન કરવા પ્રયાસ કરતા લુંટારાઅોએ તેને પકડી લીધી હતી અને તેનું અપહરણ કરવાની ધમકી આપી પરિવારજનો પાસેથી ૪૦ તોલા સોનાના દાગીના સહિત રોકડ રકમની લુંટ ચલાવી હતી. લુંટારાઅો એટલા બધા હિંમતવાળા હતા કે ઘરમાં ૩૫-૪૦ મિનિટ સુધી રોકાઇ રહ્યા હતા. ખુદ જગદીશભાઇ ગત અોગસ્ટ માસમાં ઇવનીંગ વોક પરથી ઘરે પરત થતા હતા ત્યારે આલ્બર્ટ રોડ પર બે લુંટારાએ તેમને લુંટવાનો પ્રયાસ કર્યો હતો.

ચોરી - લુંટફાટના બનાવોમાં તોતીંગ વધારો થતા વેલિંગબરો ડિસ્ટ્રીક્ટ હિન્દુ એસોસિએશન – હિન્દુ મંદિર દ્વારા હિન્દુ કોમ્યુનિટી સેન્ટરના હોલમાં સ્થાનિક પોલીસ અધિકારીઅો લારા એલેક્ઝાન્ડ્રા લોઇડ (ચિફ ઇન્સ્પેક્ટર), ઇયાન ફર્નલી (નેઇબરહુડ વોચ) પૌલ ગોલી (નેઇબરહુડ વોચ), લી મેકબ્રાઇડ સાથે એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં સ્થાનિક કાઉન્સિલરો બ્રાયન હેન્ડરસન (વિક્ટોરીયા વોર્ડ), જોનાથન એટકિન્સ (સ્વાન્સ પૂલ) જીતુભાઇ ટેલર, વિનોદભાઇ દત્તાણી, ભુપેન્દ્રભાઇ મિસ્ત્રી, નીલ જોશી, અનિલ પટેલ અને સ્થાનિક અગ્રણીઅો આયોજકો મળી આશરે ૩૦૦ કરતા વધારે લોકો ઉપસ્થિત થયા હતા અને પોલીસને આક્રોશપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. પોતાના દર-દાગીનાના જોખમ બાદ લુંટારાઅોએ દિકરીને ઉપાડી જવાની ધમકી અપતા હોવાની રજૂઆતો કરતા પોલીસ પણ વિમાસણમાં પડી ગઇ હતી.

મીટીંગમાં ઉમટેલા અને ભોગ બનેલા લોકોનો રોષ એટલો બધો વ્યાપક હતો કે તેમને પોલીસ અધિકારીઅો સાથે ઉગ્ર અને મોટા અવાજે ચર્ચા થઇ હતી. પોલીસે ચોર લુંટારાને મારઝુડ નહિં કરવા અને કાયદો હાથમાં ન લેવા સમજ આપી હતી.

પોલીસ દ્વારા સૌને સમજ અપાઇ હતી કે "હોલીડે પર જતા હો તો તેના અપડેટ ફેસબુક ટ્વીટર પર ન મૂકો, હીરા - સોનાના દાગીના પહેરી તેનું જાહેર પ્રદર્શન ન કરો, કિંમતી દાગીનાને લોકરમાં મૂકો, અોમ – સાથીયો જેવા ધાર્મિક ચિન્હો ઘર બહાર ન લગાવો, દાગીનાનો વિમો રાખો અને દાગીનાના ફોટો લઇ લો, બની શકે તો દાગીના પર માર્કિંગ કરાવો, ઘરમાં સીસીટીવી અને એલાર્મ ફીટ કરાવો, ઘરની બહાર નીકળતા પહેલા બારી બારણા લોક કરો અને ચેક કરો.”

અમે WDHAનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ સંજોગોવશાત પ્રતિભાવ સાંપડ્યો નહોતો. વેલિંગબરોની જેમ જ લંડન, લેસ્ટર, બર્મિંગહામ અને અન્ય નગરોમાં ગુજરાતી પરિવારોને ત્યાં ચોરી-લુંટના બનાવો વધી રહ્યા છે ત્યારે અમે વાચક મિત્રોને નમ્ર વિનંતી કરીએ છીએ કે આવા બનાવોની પોલીસ ફરિયાદ અવશ્ય કરો અને અમને પણ તેની જાણ કરો જેથી આપણો અવાજ બુલંદ થાય અને સરકાર સુધી આપણી ફરિયાદ પહોંચે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter