વૈષ્ણવ સંઘ ઓફ યુકેએ લંડનને બનાવ્યું વ્રજધામ

- કમલ રાવ Wednesday 22nd August 2018 06:33 EDT
 
 

વૈષ્ણવ સંઘ ઓફ યુકે દ્વારા વૈષ્ણવાચાર્ય પ. પૂ. દ્વારકેશલાલ જી મહોદયશ્રી (કડી - અમદાવાદ)ના સાંનિધ્યમાં ૮૪ કોસ વ્રજયાત્રા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં સેંકડો વૈષ્ણવો ઉમંગભેર ઉપસ્થિત રહીને લાભાન્વિત થયા હતા. હેરો લેઝર સેન્ટર ખાતે યોજાયેલ આ મહોત્સવ જાણે કે વ્રજભૂમિ બની ગયો હતો અને સપ્તાહ દરમિયાન અનેક વૈષ્ણવોએ ગિરિરાજજીના પૂજન અને અલૌકિક પરિક્રમાનો લાભ લીધો હતો. સ્ટેજની જમણી બાજુ આબેહૂબ વ્રજભૂમિની સુંદર સજાવટ કરવામાં આવી હતી.

વૈષ્ણવ સંઘ ઓફ યુકે અને વ્રજધામ હવેલી (લેસ્ટર)ના સંસ્થાપક, વૈષ્ણવાચાર્ય પૂ. શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીએ આચાર્યપીઠ પર બિરાજી સતત સાત દિવસ સુધી વ્રજયાત્રા ૮૪ કોસ પર વચનામૃતથી વૈષ્ણવ સૃષ્ટિને ભજવી હતી. મંચની ડાબી બાજુમાં જ ગિરિરાજજીની સુંદર તળેટી સજાવવામાં આવી હતી. જેમાં લેસ્ટર વ્રજધામ હવેલીમાં બિરાજતા શ્રી ગિરિરાજજી પધાર્યા હતા.

વિશ્વના લાખો વૈષ્ણવોને પૂ. આચાર્યશ્રીની મધુર અને અવિરત વાણીનો લાભ મળે તે માટે વૈષ્ણવ સંઘ ઓફ યુકેએ વિશાળ દૃષ્ટિકોણ રાખી આસ્થા ટીવી પર મહોત્સવનું પ્રસારણ કરાવ્યું હતું. જેને પગલે દેશ વિદેશના અનેક વૈષ્ણવો આ મહોત્સવમાં તન, મન અને ધનથી જોડાઈને ધન્ય થયા. નિત્ય કથામૃતના વિરામ બાદ શ્રીઠાકુરજીના પલના નંદમહોત્સવ, ચૂંદડી મનોરથ, વિવાહ ખેલ, રાસનો મનોરથ, હોરીખેલ જેવા વિવિધ મનોરથનો લાભ લઈ વૈષ્ણવો ધન્ય થયા હતા.

ઇંગ્લેન્ડમાં સર્વપ્રથમવાર પુષ્ટિમાર્ગના ઇતિહાસમાં ૮૪ કોસ વ્રજયાત્રા મહોત્સવનું આબેહૂબ આયોજન કરવામાં આવ્યું હતું. વૈષ્ણવસંઘના વૈષ્ણવોની અથાક મહેનત, પૂ. આચાર્યશ્રીની કૃપા અને માર્ગદર્શન, પ્રભુની કૃપાથી આ મહોત્સવ અવિસ્મરણીય અને ઐતિહાસિક બની ગયો હતો. રોજબરોજ સુંદર સજાવટ, અનુશાસન તેમજ મધુર સંગીત પઠણ ચિત્તે સૌની આકર્ષતા હતા.

પૂ. આચાર્યશ્રીના મધુર વચનામૃત વૈષ્ણવો મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને જેઓ કદી વ્રજમાં ગયા નથી તેઓને વ્રજમાં જવાની તાલાવેલી લાગી હતી અને જેઓ જઈને આવ્યા છે તેઓ પુનઃ વ્રજની લીલાસ્થળીની યાદ આવવા લાગી હતી.

વૈષ્ણવ સંઘ ઓફ યુકેના વિશાળ અને અદભુત મહોત્સવની ઝાંખી જોઇને હર કોઇના મુખે એક જ વાત હતી કે ‘લંડન બન્યું વ્રજધામ.’ દરરોજ અનેક વૈષ્ણવો ભોજન પ્રસાદીનો લાભ લઈ ને જ ધન્ય થઈ વિદાય લેતા હતા ત્યારે એક અલૌકિક આનંદની અનુભૂતિ વૈષ્ણવોના ચહેરા પર દેખાતી હતી.

સંસ્થાના ટ્રસ્ટી સર્વશ્રી સુભાષ લાખાણી, જગદીશભાઈ પટેલ, દલપતભાઈ કોટેચા, મીનાબેન પોપટ તેમ જ ચેરમેન શ્રી વિજયભાઈ મોરજરિયાના માર્ગદર્શનમાં અનેક વૈષ્ણવ વોલંટીયર્સે સતત ૬ મહિના લાગલગાટ મહેનત કરી આ મહોત્સવને સફળ બનાવ્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter