‘કોમનવેલ્થ બીગ લંચીસ’નું બાવન દેશોમાં આયોજન

Tuesday 06th March 2018 06:48 EST
 
 

લંડનઃ યુકેના વડાપ્રધાન થેરેસા મેએ શરૂ કરેલી આંતરરાષ્ટ્રીય પહેલ ‘કોમનવેલ્થ બીગ લંચીસ’ના ભાગરૂપે એજ્યુકેશનલ ચેરિટી એડન પ્રોજેક્ટ દ્વારા સહ ભોજનના માધ્યમથી કોમનવેલ્થ સંબંધોને ઉજવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા તા.૧૨ માર્ચથી તા. ૨૨ એપ્રિલ દરમિયાન ‘કોમનવેલ્થ બીગ લંચીસ’નું આયોજન કરાયું છે.

યુકે કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મિટીંગ (ચોગમ)નું લંડન અને વિન્ડસરમાં આગામી ૧૬થી ૨૦ એપ્રિલ દરમિયાન આયોજન થઈ રહ્યું છે ત્યારે આ અભિયાન હાથ ધરાયું છે. ચોગમની બેઠકમાં કોમનવેલ્થ દેશોના ૫૨ વડા ભાગ લેશે.

વડાપ્રધાન થેરેસા મેએ જણાવ્યું હતું કે કોમનવેલ્થ વૈવિધ્યપૂર્ણ અને વાઈબ્રન્ટ નેટવર્ક છે અને તેની તાકાત લોકોના એકબીજા સાથેના સંબંધોમાં રહેલી છે. કોમનવેલ્થ બીગ લંચીસથી કોમનવેલ્થના લોકોને ભોજન સમારોહ દરમિયાન એકબીજાને મળવાની તેમના સંબંધો, અનુભવો અને વાતો કહેવાની તક મળશે.

કોમનવેલ્થના સેક્રેટરી જનરલ પેટ્રિશીયા સ્કોટલેન્ડે જણાવ્યું હતું કે આ આયોજન આપણને આપણા સંબંધોની વિશાળતા અને વૈવિધ્ય અને દૂરના દેશો અને સમાજોમાં વસતા આપણા સમકક્ષની યાદ અપાવે છે.

કોમનવેલ્થ બીગ લંચનું આયોજન કોમનવેલ્થ ડે એટલે કે સોમવાર તા. ૧૨ માર્ચથી રવિવાર ૨૨ એપ્રિલ દરમિયાન થશે. તેમાં ઓસ્ટ્રેલિયામાં ૨૦૧૮માં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સના એથ્લેટ્સ, ભારતના કલિંગ ઈન્સ્ટિટ્યુટ ઓફ સોશિયલ સાયન્સના ૩૦,૦૦૦ જેટલા શિક્ષકો અને વિદ્યાર્થીઓ, સાઉથ આફ્રિકા ખાતેના બ્રિટિશ- સાઉથ આફ્રિકન યુએન પેટ્રન ઓફ ઓસન્સ લુઈસ પઘ, ગ્રેટ બ્રિટનના મહિલા ઓલિમ્પિયન ડેમ કેથરિન, બ્રિટિશ રોયલ રિસર્ચ શીપ RRS જેમ્સ કૂકના પેસેન્જરઓ અને ક્રૂ વગેરે ભાગ લેશે.

ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા પણ ‘કોમનવેલ્થ બીગ લંચીસ’નું આયોજન કરવાની વિચારણા ચાલી રહી છે. જો આપણા ભારતીય ધાર્મિક – સામાજીક સંગઠનો પણ ‘કોમનવેલ્થ બીગ લંચીસ’નું આયોજન કરવા માંગતા હો તો વેબસાઇટ www.thebiglunch.comપરથી વધુ માહિતી મળી શકશે. વધુ માહિતી માટે આપ કમલ રાવ, ગુજરાત સમાચારનો ફોન નંબર 07875 229 211 ઉપર સંપર્ક કરી શકશો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter