હત્યા- બળાત્કારનો ભાગેડુ ભારતીય આરોપી બ્રિટનની મોસ્ટ વોન્ટેડ યાદીમાં

Wednesday 07th August 2019 03:47 EDT
 

લંડનઃ બ્રિટિશ પોલીસની ક્રાઈમ શાખાએ જાહેર પ્રજાને ૧૧ ભાગેડુને પકડવામાં મદદની અપીલ કરી હતી. વોન્ટેડ યાદીમાં ભારતમાં જન્મેલા તેમજ હત્યા, બળાત્કાર અને ડ્રગ ટ્રાફિકિંગના આરોપી શશીધર સહાનાનો પણ સમાવેશ છે. લેસ્ટરના ૬૧ વર્ષના શશીધર પર ૨૦૦૭માં બ્રિટનમાં હેરોઈન ઘૂસાડવાનો પણ આરોપ છે. હાલમાં તે સ્પેનમાં હોવાની શંકા સેવાય છે.

નેશનલ ક્રાઈમ એજન્સીએ કહ્યું હતું કે તે ભારતમાં જન્મ્યો છે અને બહેરો હોવાથી જમણા કાને સાંભળવાનું મશીન પહેરે છે. તેની ઉંચાઈ પાંચ ફૂટ અને સાત ઈંચ અને તે જાડો હોવાનું કહેવાય છે. એજન્સીએ કહ્યું હતું કે ડ્રગ્સની દાણચોરીમાં સંડોવાયેલો શશીધર એર કન્ડિશનિંગ મશીનમાં છૂપાવી બ્રિટનમાં જંગી માત્રામાં ડ્રગ ઘૂસાડતો હતો. જુલાઈ ૨૦૦૭માં લેસ્ટર પોલીસ સાથેની શોધમાં તમામ એસી જપ્ત કરાયા હતા. કસ્ટમ અધિકારીઓને મશીનરીના પેલેટમાંથી ડ્રગના પેકેટ મળ્યા હતા.

ભાગેડુઓને પકડવામાં મદદ કરવાની અપીલ કરતાં એનસીએએ કહ્યું હતું કે તમામ ૧૧ આરોપીના સ્પેન સાથે સંબંધ છે. જોકે હવે તેઓ ત્યાંથી પણ ભાગી ગયાની શંકા છે અને નકલી ઓળખ રાખે છે. અધિકારીઓએ ઓપરેશન કેપ્ચર હેઠળ અત્યાર સુધી ૮૪ ગુનેગારોને પકડ્યા હતા. તેમણે પ્રવાસીઓ અને બિનનિવાસી સ્પેનવાસીઓને તેમજ યુરોપમાં વેકેશન માણવા આવેલાઓને આંખો અને કાન ખુલ્લા રાખવા અપીલ કરી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter