૩૫૦થી વધુ બાળકોનાં જાતીય શોષણનો ઘટસ્ફોટ

Wednesday 07th August 2019 03:14 EDT
 
 

લંડનઃ નોટિંગહામશાયર કાઉન્ટીમાં પાંચ દાયકા સુધી ચાલેલા કાઉન્સિલ કેર અથવા બાળઉછેર કેન્દ્રોના કૌભાંડમાં ૩૫૦થી વધુ બાળકોનાં જાતીય શોષણનો ઘટસ્ફોટ ઈન્ક્વાયરી ઈનટુ ચાઈલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ (IICSA) રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આ શોષણમાં વારંવાર બળાત્કાર, જાતીય હુમલાઓ તેમજ બાળકોને ચોરીછુપી નગ્નાવસ્થામાં નિહાળવા (voyeurism)નો સમાવેશ થાય છે.

ગત ઓક્ટોબરમાં ૧૫ દિવસની જાહેર સુનાવણીઓ પછી ઈન્ક્વાયરીનો રિપોર્ટ જાહેર કરાયો હતો તેમાં એવી શંકા પણ વ્યક્ત થઈ છે કે જાતીય શોષણનો શિકાર બનેલાં બાળકોની સંખ્યા વધુ હોઈ શકે છે. નોટિંગહામશાયર કાઉન્ટીમાં ૩૫૦થી વધુ લોકોએ આક્ષેપ કર્યો હતો કે ૧૯૬૦ના દાયકા પછી રેસિડેન્શિયલ અથવા ફોસ્ટર કેરમાં રખાયા હતા ત્યારે તેમની સાથે જાતીય દુર્વ્યહવાર કરાયો હતો.

૧૯૭૦, ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકાઓમાં નોટિંગહામશાયર કાઉન્ટી કાઉન્સિલ અને નોટિંગહામ સિટી કાઉન્સિલના ઘણા કેર હોમ્સ તેમજ ઉછેરકેન્દ્રોમાં વ્યાપક જાતીય શોષણ આચરવામાં આવ્યું હતું. કાઉન્સિલની નિષ્ફળતાઓની નોંધ લેતા રિપોર્ટમાં કહેવાયું હતું કે પાંચ દાયકા કરતા વધુ સમયથી કાઉન્સિલો તેમની સંભાળ હેઠળના બાળકોને જાતીય શોષણમાંથી રક્ષણ આપવાની વૈધાનિક ફરજમાં તદ્દન નિષ્ફળ રહી હતી. આ બાળકોને ખરેખર વિશ્વાસપૂર્ણ સંભાળની જરૂર હતી તેના બદલે જંગલી રેસિડેન્શિયલ સ્ટાફ અને પાલક સહાયકોના હાથે જાતીય શોષણની વાસ્તવિકતાનો સામનો કરવો પડ્યો હતો.

રિપોર્ટ અનુસાર ૧૯૭૦ના દાયકાના ઉત્તરાર્ધ અને ૨૦૧૯ની વચ્ચે ૧૬ રેસિડેન્શિયલ સ્ટાફને કેર હોમ્સમાં તેમજ ૧૦ પાલક કેરર્સને બાળકોના જાતીય શોષણ બદલ સજા કરવામાં આવી છે. રિપોર્ટમાં કુખ્યાત બીચવૂડ કેર હોમનો પણ ઉલ્લેખ કરાયો હતો જ્યાં, પૂર્વ પુરુષ અને સ્ત્રી રેસિડેન્ટ્સને નિયમિતપણે સ્ટાફ મેમ્બર દ્વારા જાતીય શોષણ કરાતું હતું અને તેઓ ડરના માર્યા ફરિયાદ પણ કરતા ન હતાં. રિપોર્ટમાં ઉલ્લેખિત અન્ય ચિલ્ડ્રન્સ રેસિડેન્શિયલ યુનિટ્સમાં હેઝલવૂડ, સ્કેજ્બી હોલ, એડ્વિનસ્ટોવ, સેનડાઉન રોડ, વોલાટોન હાઉસ, હિલક્રેસ્ટ, રિઝલે હોલ, ગ્રીનક્રોફ્ટ, બેકહમ્પ્ટન રોડ, વૂડનૂક, એમ્બરડેલ અને થ્રી રુફ્સનો પણ સમાવેશ થાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter