તા. ૧૩ જાન્યુઆરી થી ૧૯ જાન્યુઆરી ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 12th January 2018 06:31 EST
 

મેષ (અ,લ,ઇ)ઃ તમારા પ્રયત્નોનું ફળ મેળવવા તમારે ધીરજ રાખવી પડશે. ઉન્નતિનો માર્ગ ખુલ્લો થશે. ઉજ્જવળ સફળતા મળતા તમારી પ્રગતિ થયા વિના રહેશે નહિ. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નાણાંકીય દૃષ્ટિએ આ સમય મૂંઝવણભર્યો છે. ખર્ચને પહોંચી વળવા તમારે વધુ વ્યવસ્થિત બનવું પડશે. એકાદ-બે મોટા ખર્ચ થશે. ધીરેલા યા ફસાયેલા નાણાં પરત મળતાં રાહત થાય. નોકરિયાતો માટે સમય સાનુકૂળ છે. માર્ગના અવરોધોથી ચિંતા કરશો નહીં.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં મનોસ્થિતિ તંગ અને અશાંત રહેશે. ધીરજ રાખીને કામ કરશો. ઉતાવળા બનશો નહીં. આ સમય આર્થિક રીતે મધ્યમ રહે. વધારાની આવક ઊભી કરવા વધુ મહેનત કરવી પડશે. વળી, નવા ખર્ચાનો બોજ પણ વધશે. નોકરિયાતો માટે હજુ કેટલાક વિઘ્નો જણાય છે. તેથી ધાર્યા લાભ મેળવવા રાહ જોવી પડે. અગત્યના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થશે. ધંધા-વેપાર ક્ષેત્રે તમારા પ્રયત્નોનું ફળ મેળવી શકશો.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં મિત્રો-સ્નેહીઓનો સહકાર મળતાં સાનુકૂળતા જણાશે. આર્થિક દૃષ્ટિએ જોઇએ તો નાણાંકીય જરૂરિયાત કે અપેક્ષાઓ પ્રમાણે નાણાં ઊભા કરી શકશો. ખર્ચને પહોંચી વળવાનો માર્ગ મળે. કરજનો ભાર પણ જણાશે. નોકરિયાતોને પરિવર્તનની તક મળે. નવા ક્ષેત્રમાં જવાની તક આવે. વેપાર-ધંધાના ક્ષેત્રે જણાતી સમસ્યાઓ સુખદ રીતે ઉકેલાશે. મકાન-મિલકતની બાબતો માટે ગ્રહો હજુ સુધારો સૂચવતા નથી. સ્થિતિ યથાવત્ રહે. જીવનસાથી સાથેના મતભેદો ઉકેલાય. લગ્ન-વિવાહના પ્રસંગો પાર પડતા જણાય.

કર્ક (ડ,હ)ઃ તમારા માર્ગ આડે કેટલાક અવરોધો છે તેને પાર કરવા તરફ મનની શક્તિને કેન્દ્રીત કરવી પડશે. ઉતાવળા સાહસથી દૂર રહેજો. કોઈની સાથે કારણ વિના વિખવાદ કે ઘર્ષણમાં ન ઉતરશો. નાણાંકીય દૃષ્ટિએ સમય સાનુકૂળ હોવાથી જરૂરિયાતો અને ખર્ચાઓ માટેની આર્થિક વ્યવસ્થા ઊભી થઈ શકશે. ઉઘરાણીના કામ પણ પતશે. મૂડીરોકાણ લાભદાયી પુરવાર થાય. નોકરિયાતોને સફળતા અને પ્રગતિની તકો મળશે. મુશ્કેલી હશે તો દૂર થાય. નવીન તક પણ આગળ જતાં લાભ અપાવશે.

સિંહ (મ,ટ)ઃ સફળતા અને સાનુકૂળતાનું વાતાવરણ સર્જાતા સમય મજાનો નીવડે. તમારો પુરુષાર્થ ફળશે. મહત્ત્વના કામકાજમાં તમને પ્રગતિ જોવા મળે. માનસિક ઉત્સાહ જણાશે. આર્થિક પરિસ્થિતિ વધુ તંગ કે મુશ્કેલ ન બને તે માટે હવે જાગૃત બનજો. ખોટા ખર્ચ થવા ન દેશો. ધીરજપૂર્વક પુરુષાર્થ કરશો તો સમસ્યાઓ હલ થશે. આવકનું પ્રમાણ ઘટતું જોવા મળે. નોકરીની પરિસ્થિતિમાં વાતાવરણ તમારી તરફેણમાં જણાતું નથી. પ્રતિકૂળતા અને અડચણોમાંથી માર્ગ કાઢવો પડે. ધંધા-વેપારને બાબત માટે પણ પરિસ્થિતિ હજુ મૂંઝવતી જણાશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ માર્ગ આડેના વિઘ્નો માનસિક તાણ પેદા કરશે. જોકે ધીરજ ન ગુમાવવા સલાહ છે. અશાંતિ પણ અનુભવાશે. નાણાંકીય દૃષ્ટિએ જોતાં આ સમયમાં આવકના પ્રમાણમાં જાવક પણ સારી રહે તેમ છે તેથી સાચવીને ખર્ચ કરજો. આંધળા સાહસ ન કરવા નહીં તો નુકસાનનો ફટકો ખમવો પડશે. કોઈના ભરોસે ધિરાણ ન કરવા સલાહ છે. નોકરી-ધંધા અંગે તમે કોઈ સાનુકૂળ તક મેળવી શકશો. નોકરીમાં પરિવર્તન કરવું હોય તો વાંધો નથી. વેપારી વર્ગને વેપારમાં મંદી જણાશે.

તુલા (ર,ત)ઃ તમારા માર્ગ આડેના વિઘ્નો માનસિક તાણ પેદા કરશે. અશાંતિ પણ અનુભવાશે. નાણાંકીય દૃષ્ટિએ જોતાં આ સમય આવકના પ્રમાણમાં જાવક પણ સારી રહે તેવી છે. આથી સાચવીને ખર્ચ કરજો. આંધાળા સાહસ ન કરવા, નહીં તો નુકસાનનો ફટકો ખમવો પડશે. નોકરી-ધંધામાં સાનુકૂળ તક મેળવી શકશો. નોકરીમાં પરિવર્તન કરવું હોય તો વાંધો નહીં. વેપારી વર્ગને ધીમો વેપાર જણાશે. મકાન-જમીનના કામકાજોમાં હજુ ખાસ લાભ જણાય નહીં. યથાવત્ સ્થિતિ જણાશે. ચેતીને ચાલવાની સલાહ છે.

વૃશ્ચિક (ન,ય)ઃ દ્વિધાઓ અને પરેશાનીનો અંત આવતાં તમે વિધેયાત્મક માર્ગે આગળ જઈ શકશો. મહત્ત્વની તકો મળતા વિકાસ જણાશે. ઉત્સાહપ્રેરક પ્રસંગો બને. આ સમયમાં નાણાંકીય મૂંઝવણોનો ઉપાય મળશે અને મિત્રોની મદદથી તમારી ચિંતા દૂર થશે. લાભના પ્રયત્નો કરશો તો સફળતા મળશે. અવરોધો પાર કરી શકશો. નોકરિયાતોને બઢતી-પ્રગતિનો પ્રશ્ન ગૂંચવાશે. મુશ્કેલી પેદા થતી જણાશે. નવું સ્થાન મળે નહીં. ધંધા-વેપારના ક્ષેત્રે ધીમો વિકાસ જણાશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય શુભાશુભ મિશ્ર અનુભવ કરાવશે. જેટલા તમે સક્રિય અને સુવ્યવસ્થિત રહેશો તેટલા સફળ થશો. બેદરકારી, આળસ અને અન્યના ભરોસે રહેવાની વૃત્તિ નુકસાન કરાવશે. નવીન બાબતોને આયોજન કરવામાં આટલી વાતનું ધ્યાન રાખજો. માર્ગ આડે આવતા અવરોધો દૂર થશે. વિરોધીઓની કારી ફાવે નહીં. આ સમયમાં ઊભા થતા ખર્ચાઓ અંગે નાણાંકીય મૂંઝવણ જણાશે. આવક - બચત એમ બન્નેનો વ્યય થતો જણાશે.

મકર (ખ,જ)ઃ ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. કશું અનિષ્ટ થવાનું નથી. આ સમયમાં આવકવૃદ્ધિ થશે કે કોઈ જૂના લેણાં પરત મળતાં પુરવાર થશે. સાથે ખર્ચાની જોગવાઈ ઊભી થવાની આશા રહે છે. તમારા ધાર્યા કામ પૂર્ણ થવાના યોગ છે. શેર-સટ્ટાથી લાભ મળવાના યોગ નથી. નોકરિયાતને પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વિરોધીઓ માર્ગમાંથી દૂર થતાં જણાશે. આગેકૂચ આસાન બનશે. ઉન્નતિકારક તક મળશે. ધંધાકીય યોજનામાં પ્રગતિ જણાશે. જમીન-મકાનના ખરીદ-વેચાણના કામકાજમાં અવરોધો હશે તો દૂર થશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ કાલ્પનિક ચિંતાથી માનસિક ઉત્પાત કે અજંપો વર્તાશે. તમારી લાગણીઓ કે સ્વમાન ઘવાય તેવા પ્રસંગો પણ બેચેન બનાવે. આત્મવિશ્વાસ અને ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા વડે જ તમે રાહત મેળવી શકશો. વિચારો અને ધ્યેયને વળગી રહેજો. નાણાંકીય પરિસ્થિતિમાં સુધારો થઈ શકશે. અગત્યની કામગીરી પાર પડતાં લાભ ઊભો થાય. આવક કરતાં જાવક વધતી જણાશે. તમારા સ્વજનો કે કુટુંબીજનોથી તમારી લાગણીને ઠેસ પહોંચે તેવા પ્રસંગો બનશે. કુનેહપૂર્વક માર્ગ કાઢજો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ પરિસ્થિતિ અને આસપાસનું વાતાવરણ ઉત્પાતનો અનુભવ કરાવશે. કોઇ પણ કામમાં ઉતાવળા નિર્ણયો લેતા પહેલા સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવજો. તમારી આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા માટે તમારે વધુ સક્રિય બનીને પુરુષાર્થ વધારવો પડશે. તમારા નાણાંકીય વ્યવહારો સ્થગિત થયા હશો તો તે પાર પાડી શકશો. જોઈતા નાણાં મેળવવા મુશ્કેલ જણાય. નોકરી સંબંધિત કોઇ મુશ્કેલી હશે તો તેનો ઉકેલ આવશે. વેપાર-ધંધામાં લાભકારક સમય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter