તા. ૧૭ ફેબ્રુઆરી થી ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 16th February 2018 07:35 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ પ્રયત્નો સફળ થતાં ઉત્સાહ વધશે. મહત્ત્વના નિર્ણયો લઈ શકશો. અવરોધ કે પ્રતિકૂળતા છતાંય સફળતા મળશે. નવીન કામગીરીનો વિકાસ થતો જણાશે. નાણાંભીડનો અનુભવ થાય. ધીરધાર કે નવું સાહસ કે મૂડીરોકાણ કરવામાં લાભ નથી. ચાલુ નાણાંકીય વ્યવહારો સાચવી શકશો. જવાબદારીઓનો ભાર વર્તાશે. નોકરીના ક્ષેત્રોમાં કંઈ મુશ્કેલી હશે તો દૂર થશે. જરૂરી સહાયો મેળવી શકશો. મકાન-સંપત્તિને લગતી બાબતો માટે ગ્રહયોગ સાનુકૂળ છે. અગત્યના નિર્ણયો લેવાશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આવેશ કે ગુસ્સાને અંકુશમાં રાખજો. મમત યા સ્વમાનને પ્રશ્ન બનાવશો તો અંતે તમારી માનસિક સ્થિતિ તંગ બનશે. નાણાંકીય જવાબદારીઓ વધશે. ખર્ચ અને હાનિના યોગો છે તો અણધારી આવકનો યોગ પણ છે. થોડા વ્યવસ્થિત બનશો તો પરિસ્થિતિ સાચવી શકશો. નાણાંકીય કામકાજો અંગે તમારા પ્રયાસો વિલંબથી સફળ થશે. નોકરિયાતો માટે સાનુકૂળ સમય છે. તમારા વિકાસ આડેના વિઘ્નો દૂર થશે. બદલી અને પરિવર્તનની તક છે. ધંધા-વેપારના ક્ષેત્રે હવે વિકાસ સાધી શકશો. જમીન-વાહનમાં સંપત્તિને લગતી તમારી કાર્યવાહીઓ સફળ થશે. કૌટુંબિક સંપત્તિઓ અંગે હજુ માનસિક તાણ જણાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ માનસિક પરેશાનીઓ અને ચિંતાઓનો બોજ હળવો થાય. લાંબા સમયથી અટવાયેલી કાર્યવાહીઓના અંતરાયો દૂર થતાં રહેશે. ધીરજ અને સ્વસ્થતાથી મહત્ત્વના કાર્યો પાર પાડી શકશો. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધશે. કરજ કે જવાબદારીનો બોજો હોવા છતાંય તમે સારી ગોઠવણો દ્વારા તમારી મુશ્કેલીઓને દૂર કરી શકશો. વ્યવસાયના ક્ષેત્રે અંગે જો કોઈ પ્રતિકૂળતા જણાતી હશે તો તે દૂર કરવાનો કોઈ સારો માર્ગ મળશે. દામ્પત્યજીવનની બાબતોમાં સાનુકૂળતા રહેશે.

કર્ક (ડ,હ)ઃ તમારી મનોમૂંઝવણો. આંતરિક વ્યથાની સ્થિતિમાંથી ગ્રહયોગો છૂટકારો સૂચવે છે. આત્મવિશ્વાસપૂર્વક આગળ વધવા માટે નવું બળ મળે તેવા સંજોગોનું નિર્માણ થાય. આવક વધારવાનું કાર્ય સફળ થાય. જોકે આવકના પ્રમાણમાં ખર્ચ પણ વિશેષ થવાના યોગો હોવાથી ઠેરના ઠેર જેવી સ્થિતિ રહેશે. મકાન-જમીન અંગેના કામકાજો ઉકેલાતા જણાશે. અંતરાયો કે વિલંબ થશે, પણ અંતે પાર પડશે.

સિંહ (મ,ટ)ઃ માનસિક સ્વસ્થતા ખોરવાય તેવા પ્રસંગો બનશે. વિપરિત પ્રસંગો વખતે સહનશક્તિ ગુમાવશો તો વધુ શોષાવું પડશે. ધીરજથી કામ લેજો. આર્થિક સંજોગો સુધરે. કેટલાક સારા લાભની તક મળતાં આવક વધશે. મકાન-સંપત્તિ બાબત ખર્ચ અને વિવાદ વધે. માનસિક બોજો રહે. આ અંગેના કામકાજો ગૂંચવાતા જણાશે. ધંધાકીય ક્ષત્રે સાનુકૂળતા જણાશે. તમે વધુ પ્રગતિકારક તકો મેળવી શકશો. આ અંગે મહત્ત્વની વ્યક્તિનો સહકાર મળશે. વિરોધીઓની કારીગરી ફાવશે નહીં. ગૃહજીવનનું વાતાવરણ મિશ્ર રહેશે. અપરિણીતોને લગ્ન અંગે સાનુકૂળ સમય છે.

તુલા (ર,ત)ઃ અકળામણ અને તીવ્ર તાણના કારણે અસ્વસ્થતા વધશે. ખોટી ચિંતાના કારણે વધુ અશાંત રહેશો. શંકા અને ચિંતા છોડીને કાર્યો કર્યે જવાથી વધુ આનંદ મેળવી શકશો. અણધાર્યા ખર્ચના પ્રસંગો આવતા આર્થિક સ્થિતિ ઠીક રહે નહીં. સંપત્તિમાં મૂડીરોકાણ કરવા ઈચ્છતા હશો તો તમારા પ્રયત્નો સફળ થાય. નોકરિયાતને સારી તક મળે. બઢતી-સ્થળાંતર થાય. ધંધાકીય દૃષ્ટિએ સાનુકૂળ સમય પુરવાર થાય. જીવનસાથીનો સહકાર મેળવી શકશો. આરોગ્ય અંગે ચિંતા રહે. નાણાંકીય કે અન્ય લેવડદેવડ ન કરવી. વિરોધીઓ તમને હજુ ફાવવા દે તેમ લાગતું નથી.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહના યોગો સારી ભૂમિકા અને પ્રગતિનો માર્ગ મોકળો કરી આપશે. આશા-ઉમંગ વધશે. માનસિક ચિંતાનો બોજો હળવો થશે. આર્થિક જરૂરિયાતને પહોંચી વળશો. પ્રયત્નો ફળદાયી બનશે. અટવાયેલા લાભ કે ઉઘરાણી મળે. નવીન કામગીરી માટે નાણાંની જોગવાઈ ઊભી કરી શકશો. તમારા આયોજનમાં કેટલીક અણધારી સમસ્યાઓ સર્જાશે, પણ વધુ મહેનતે તેનો ઉકેલ મળશે. વેપાર-ધંધાના ક્ષેત્રે સફળતાની સામે અંતરાયો પણ વધુ જણાશે. તમારા મકાન-જમીન અંગેના કામકાજોમાં સારી સફળતા મેળવી શકશો. અટવાયેલા કામ પાર પડશે. ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલાશે. આવક-લાભના યોગ છે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ તમારી આસપાસની પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. આશા અને ઉત્સાહ અનુભવશો. અગત્યના કામકાજો અંગે સાનુકૂળ સંજોગોનું નિર્માણ થશે. મહત્ત્વની વ્યક્તિઓનો સહકાર ઉપયોગી થશે. તમારી વર્તમાન નાણાંકીય જરૂરિયાતો અંગે થોડી ઘણી ચિંતાઓ બાદ આયોજન કરી શકશો. નવા કામકાજો કે તમારી નાણાંકીય જવાબદારી માટે નાણાંની વ્યવસ્થા થઈ શકશે. નોકરિયાતો માટે આ સમય કાર્યભાર વધારે તેવો છે. નવીન વધારાની જવાબદારીઓ પણ આવશે.

મકર (ખ,જ)ઃ મૂંઝવણનો સાનુકૂળ ઉકેલ મળશે. રચનાત્મક પ્રવૃત્તિઓથી આનંદ મળે. માનસિક બોજો હળવો થાય. આર્થિક પરિસ્થિતિ સુધરશે. આવક વધે. ખર્ચની જોગવાઈ કરી શકશો. જવાબદારીઓ પાર પડે. વિશ્વાસે ધિરાણ કરવું નહીં. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળશે. કોઈની સહાયતાથી કામ પાર પાડી શકશો. મૂંઝવણ-ગૂંચવણોમાંથી માર્ગ મળશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ વ્યવસ્થિત બનાવીને સારા લાભ ઊભા કરી શકશો. જમીન-મકાનની સમસ્યાઓ મૂંઝવશે. તેને લગતા ખર્ચા વધે અને ધાર્યા પ્રમાણે કામ ન થાય. સંયુક્ત મિલકતો સંબંધિત ચિંતામાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. ગેરસમજનું વાતાવરણ દૂર થાય.

કુંભ (ગ,શ,ષ,સ)ઃ સપ્તાહ દરમિયાન તમારી મનોદશા દ્વિધાભરી રહેતી જણાશે. તમે નિર્ણયો લેવામાં ગૂંચવાશો. નિરાશા અને બેચેનીનો અનુભવ વધુ થશે. કારણ વિનાની ચિંતાઓથી વ્યથા જન્મશે. આર્થિક પરિસ્થિતિ સામાન્ય રહેશે. જરૂર કરતાં પણ વધુ ખર્ચ, હાનિના પ્રસંગોથી ચિંતા રહે. કરજનો ભાર અકળાવશે. નવા મૂડીરોકાણ હાલમાં અટકાવજો. ખર્ચાઓ પર અંકુશ મૂકીને જ તમારી સ્થિતિ સુધારી શકશો. નોકરી સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવશે. ધંધા-વેપારમાં પરિસ્થિતિ હવે સુધરતી જણાશે. સરકારી અવરોધોમાંથી તમને માર્ગ મળશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ અંગત મૂંઝવણોના કારણે તેમજ અન્ય કાલ્પનિક ચિંતાઓથી મન અશાંત રહેશે. હિંમત અને આત્મવિશ્વાસ ટકાવી રાખશો તો આ સમયમાં પ્રગતિ સાધી શકશો. ખરી મુશ્કેલીઓને પાર કરી શકશો. નાણાંકીય દૃષ્ટિએ જોઇએ તો આ સમયમાં આવકવૃદ્ધિ થશે. મુશ્કેલીઓમાંથી બહાર નીકળી શકશો. આર્થિક મૂંઝવણમાંથી રસ્તો મેળવી શકશો. તમારા નોકરી-ધંધાના ક્ષેત્રે મહત્ત્વના ફેરફારો થશે. ધાર્યા લાભ મેળવવા માટેના પ્રયત્નો ફળદાયી બનશે. વેપાર-ધંધાના વિકાસની તક મળશે. નોકરિયાતોને સમસ્યાનો ઉકેલ મળી આવશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter