તા. ૧૭ માર્ચથી ૨૩ માર્ચ ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 16th March 2018 06:38 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં કોઈને કોઈ પ્રકારે વિઘ્ન કે અવરોધો પેદા થતાં જણાશે. તમારી યોજનાઓ વિલંબમાં પડશે. જટીલ અને પ્રતિકૂળતામાંથી વધુ મહેનતે બહાર નીકળી શકશો. તમે જેટલી કાર્યસફળતા અને લાભની અપેક્ષા રાખો છો તેટલી મળતી જણાય નહિ. સ્નેહી-સ્વજનો કે જીવનસાથી સાથેના નાના-મોટા મતભેદો ઉગ્ર સ્વરૂપ ધારણ ન કરે તે જોવું રહ્યું. ધીરજપૂર્વક વર્તવાની સલાહ છે. નોકરી-ધંધાના ક્ષેત્રે માનસિક બોજો, ચિંતા-ભય રહેશે. સંતાનો, મકાન-મિલકતના પ્રશ્નો હળવા બનતા જણાશે. તબિયત સાચવી લેવાની સલાહ છે. યાત્રા-પ્રવાસ મોકુફ રાખવા પડે. સરકારી અને કોર્ટકચેરીના કામકાજો ધીમે ધીમે આગળ વધતા જણાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહ અધૂરા કામકાજો પૂરા કરાવશે. અટવાયેલા લાભો મેળવી શકશો. અંગત સમસ્યાઓ ઉકેલી શકશો. ધંધા કે નોકરીને લગતી મૂંઝવણ હશે તો હલ થશે. નાણાંકીય પરિસ્થિતિ બગડી હશે તો સુધારી શકશો. સમસ્યા હલ કરવાનો માર્ગ મળશે. અકારણ ખર્ચાઓ અંકુશમાં રાખજો. કૌટુંબિક અને ગૃહજીવનની પરિસ્થિતિમાં એકંદરે સંવાદિતા રહેશે. અંગત પ્રશ્નોનું નિરાકરણ આવશે. ગેરસમજો દૂર કરી શકશો. મકાન-મિલકતના પ્રશ્નો અંગે બોજો વધશે. માનસિક તાણ રહેશે. ભાડાના મકાન બાબત મૂંઝવણ વધે. તબિયત અંગે સામાન્ય ફરિયાદો રહેશે. સ્વજનોની તબિયત બગડે. પ્રતિસ્પર્ધીના હાથ હેઠાં પડશે.

મિથુન (ક,છ,ઘ)ઃ ગ્રહયોગો દર્શાવે છે કે પ્રશ્નો ગૂંચવાય અને કાર્યફળ મળવામાં વિલંબથી માનસિક તાણ જણાશે. ધર્મ-અધ્યાત્મ થકી જ માનસિક શાંતિ પામી શકશો. અથાગ પરિશ્રમ એ જ એક માત્ર વિકલ્પ છે. આર્થિક બાબતે આવક કરતાં જાવક વધતાં આ સમયમાં મુશ્કેલી વધે. ખોટા ખર્ચ અને નુકસાનના પ્રસંગો આવતા નાણાંભીડ જણાશે. દેવું વધે નહિ તે જોવું રહ્યું. નોકરિયાત વર્ગને ખાસ મોટું કોઈ નુકસાન થાય નહિ. જોકે લાભ અટકે. વિરોધી ઉપદ્રવ કરે. પ્રગતિ રુંધાશે. ધંધા-વેપારના પ્રશ્નો હજી યથાવત્ રહેતા જણાય. ધાર્યું ફળ મળે નહીં. લગ્નજીવનમાં સુખસંવાદિતા વધશે. જીવનસાથીનો સહકાર મળે. સંતાનો મદદરૂપ થાય. પ્રવાસમાં ખર્ચ વધે.

કર્ક (ડ,હ)ઃ આ સમયમાં પ્રગતિકારક આયોજનો થશે. નોકરી-ધંધાના ફેરફારો શક્ય બનાવી શકશો. નાણાંકીય બાબતો અંગેના નિર્ણયો લાભકારક બનશે. ઉઘરાણી-કરજની ચિંતા દૂર થશે. મહત્ત્વના કોલ-કરારોથી પણ લાભ મેળવી શકશો. નાણાંકીય સ્થિતિને વ્યવસ્થિત રાખવાથી જ લાભ દેખાય. સપ્તાહમાં દામ્પત્યજીવનને લગતી સમસ્યાઓ ઉકેલી શકશો. યાત્રા-પ્રવાસ વગેરેથી આનંદ મળે. સામાજિક અને કૌટુંબિક કામકાજો થઈ શકશે. તમે મકાન-મિલકતમાં મૂડીરોકાણ કરતાં પહેલાં બે વાર વિચારજો. તમારા સ્વજનોના આરોગ્યની ચિંતા રહેશે. એક યા બીજા બહાને ખર્ચાઓ પણ વધતાં જણાશે. એકંદરે આ સમયમાં જે મહત્ત્વની તકો મળશે. તેનાથી તમારો ભાવિ વિકાસ નિશ્ચિત બનશે.

સિંહ (મ,ટ)ઃ મહત્ત્વની બાબતો અંગે માનસિક ટેન્શન જણાશે. ખોટી ચિંતા અને પરેશાનીનો અનુભવ થશે. અગત્યના કામકાજોમાં અંતરાયો જણાશે. આર્થિક બાબતો અંગે તમારે વધુ સજાગ રહેવું પડશે, નહીંતર તમારે નુકસાન અને અણધાર્યા ખર્ચાઓ જોવા પડે. નાણાંકીય ફસામણી ન થાય તે જોવું રહ્યું. નોકરિયાત વર્ગને આંતરિક ખટપટોથી માનસિક હેરાનગતિ જણાશે. વેપાર-ધંધામાં તમારી કામગીરીઓનું ફળ વિલંબમાં પડશે. મકાન, જમીન અંગેના ખર્ચ વધશે. કૌટુંબિક સમસ્યાઓ ઉકેલી શકશો. જીવનસાથીનું આરોગ્ય નરમગરમ રહે. સંતાન અંગેના પ્રશ્નો હલ થાય. પ્રવાસ પર્યટનનું આયોજન કરી શકશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ નવી જવાબદારીનો બોજો વધશે. મન અશાંત કે ઉદ્વેગભર્યું રહેશે. શક્ય તેટલા હળવા રહેવાના પ્રયત્નો કરજો. આર્થિક બાબતે આ દિવસો કટોકટીના જણાય છે. આવકના પ્રમાણમાં ખર્ચા વધશે તેમજ વ્યય વધે. ચૂકવણી તથા જવાબદારી વધશે. આથી ગણતરીપૂર્વક ચાલવાની સલાહ છે. નોકરિયાત વર્ગને કોઈ પ્રશ્નો હશે તો હલ થાય. અલબત્ત સંજોગો યથાવત્ રહે. વ્યવસાયિક નવી તકો મળશે. જો સમયસર કામ હાથ ધરશો તો જરૂર ફતેહ મળશે. ગૃહજીવનના સંજોગો અસહ્ય બનશે. ભાગીદારો સાથે મનમેળ સાધી શકાય.

તુલા (ર,ત)ઃ એક યા બીજા કારણોસર અશાંતિ, ઉદ્વેગ કે કાલ્પનિક ચિંતાઓનો અનુભવ થયા કરશે. ખરેખર આવું કશું બનવાનું નથી માટે માનસિક સ્વસ્થતા જાળવીને તમારું અંગત આરોગ્ય સાચવી લેજો. મકાન-મિલકતને લગતી બાબતો માટે આ સમય ધીમે ધીમે સાનુકૂળ બનશે. નોકરી-ધંધા-વ્યાપારની બાબતો અંગે ગ્રહયોગ પ્રતિકૂળ છે. લાંબા ગાળે બહુ લાભ મળે નહીં. ગૃહજીવનમાં સામાન્ય મતભેદ રહેશે. બાકી કોઈ ચિંતાનું કારણ નથી. સરકારી કે કોર્ટકચેરીને લગતા પ્રશ્નો માટે અહીં વધુ ધ્યાન આપવું પડશે. એકંદરે આ સમય ખર્ચાળ પુરવાર થશે. સંપત્તિ અંગેના કાર્યમાં વધુ વિલંબે કાર્ય પાર પડતા જણાય.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન અગત્યના પ્રશ્નો હલ કરવા માટે સાનુકૂળતા વર્તાશે. માનસિક ચિંતા દૂર થાય. અવરોધોમાંથી માર્ગ મળી આવે. આર્થિક રીતે આ સમય ખર્ચાળ નીવડશે. અણધાર્યા મોટા ખર્ચ થાય અને ખરીદી વધે. એકાદ નુકસાનનો પ્રસંગ ઊભો થાય. આવક ઘટે, ઉઘરાણી રોકાય. જમીન-મકાનની સમસ્યાઓનો ઉકેલ સાંપડશે. કોઈ મહત્ત્વના મુદ્દે વાતચીતો સફળ થતી જણાય. નોકરિયાતોની મુશ્કેલીઓ હળવી થાય. બદલી-બઢતીની તક ઊભી થાય. ધંધાકીય કામગીરી અંગે આ સમય વિકાસ તરફ દોરી જનાર નીવડશે. ભાગીદારોના પ્રશ્નો હલ થતા જણાય. દામ્પત્યજીવનમાં મનમેળ સર્જી શકશો. વાદવિવાદની સમસ્યા ઉકેલાય. તમારા પ્રવાસ પર્યટનની યોજના આગળ ધપાવી શકશો.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ કોઈ પ્રકારની અશાંતિ કે વિખવાદોના પ્રસંગો વધશે, જેને શાંતિ અને કુનેહથી ઉકેલજો. લાગણીઓ પર કોઈ પણ બાબતની અસર થવા દેશો નહીં. નાણાંકીય દૃષ્ટિએ આ સમય મુશ્કેલીમાંથી બહાર લાવનાર છે. અચાનક કોઈ મદદ કે લાભ મળતા રાહત થાય. કેટલાંક અણધાર્યા ખર્ચાઓ પણ કરવા પડશે. જોકે તેની જોગવાઈ થઈ શકશે. મહત્ત્વની મુલાકાતો થશે જે લાભદાયી બનશે. હાથ ધરેલી કામગીરીઓમાં સફળતા મળશે. હિતશત્રુઓ કેટલાક અંતરાયો નાંખવાની કોશિષ કરશે, જોકે તમે તેને દૂર કરી શકશો.

મકર (ખ,જ)ઃ અકારણ અને કાલ્પનિક કારણોસર અશાંતિ રહેતી જણાશે. તમારા વિચારોના ઘોડાને કાબુમાં રાખશો તો શાંતિ મળે. પરિણામો વિશે વધુ ચિંતા કરશો નહિ. તમારી મૂંઝવણમાંથી માર્ગ મળશે. અણઉકેલ્યા નાણાંકીય પ્રશ્નોનો કોઈ સારો ઉકેલ મળશે. નોકરિયાતો માટે આ સમય કામકાજનો બોજો વધુ રખાવશે. હરીફો અને સહકર્મચારીઓ સાથે મતભેદ વધવાનો સમય છે. ધાર્યું કામ ફળે નહીં. ધંધાકીય ક્ષત્રે વધુ વિઘ્નો જણાશે. દામ્પત્યજીવનમાં મતભેદ કે ગેરસમજો સર્જાયેલા હશે તો સુખદ નિરાકરણ આવતું જણાશે. સંતાનોની તબિયતની કાળજી લેજો. સ્નેહીજનોથી મનદુઃખોનો પ્રસંગ આવે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ સપ્તાહ દરમિયાન અતિશય કામકાજનું દબાણ વધારાના ખર્ચના પ્રસંગો સૂચવે છે. સંતાનો અંગેની સમસ્યાઓ વધશે. માનસિક રાહત જોવા મળે નહીં. પ્રતિકૂળતાના કારણે કામ ધાર્યા સમયમાં થશે નહિ. મકાન અંગેની સમસ્યાનો ધાર્યો ઉકેલ ન આવતાં અસંતોષ જણાય. સરકારી મકાન બાબતે મુશ્કેલી પેદા થાય. આ સમય નોકરિયાત માટે કોઈ નવા ફેરફારો સર્જાશે. ઉપરી સાથેના સંબંધો સાચવજો. તરફેણની વ્યક્તિ બદલાશે. જમીન-મકાનના ખરીદ-વેચાણના કામકાજમાં સાનુકૂળતા રહેશે. ભાડુઆતો સાથે વિવાદ યથાવત્ રહે. ગૃહજીવનમાં વિચારભેદના કારણે ચકમક ઝરે. જીવનસાથીની તબિયત બગડી હોય તો સુધારો થાય. વિરોધીના કારણે તમારા માર્ગમાં વિઘ્નો જણાશે. યાત્રા-મુસાફરીમાં મુશ્કેલી વધે. ભાગીદારો સાથેના પ્રશ્નો હલ થશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય દરમિયાન મહત્ત્વની કાર્યરચનાઓ સાકાર થતી જણાય. માનસિક ભારણ હળવું થાય. નિરાશાના વાદળો વિખેરાતા જણાય. આર્થિક પરિસ્થિતિને તમે વધુ બગડતી અટકાવી શકશો. તમારા મહત્ત્વના પ્રશ્નો હલ કરી શકશો. નોકરિયાતો માટે સફળતા તેમજ પ્રગતિની તકો વધે. લાભદાયી તક મળે. સંજોગો સાનુકૂળ થાય. ધંધાકીય મુશ્કેલીઓ દૂર થવાથી રાહત વધે તેમ જ લાભદાયી કાર્ય પાર પડે. જમીન-મકાનના કાર્ય માટે આ સમય શુભ જણાય છે. જીવનસાથીથી મતભેદ થાય. લગન-વિવાહના પ્રશ્નો ગૂંચવાતા જણાશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter