તા. ૨૪ ઓગસ્ટ થી ૩૦ ઓગસ્ટ ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 23rd August 2019 08:56 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં અટવાયેલા કામકાજો ગૂંચવાય નહિ તે જોવું રહ્યું. ધીરજથી સ્વસ્થતાપૂર્વક અને વ્યવસ્થિત રહીને ચાલશો તો કામકાજનો નિકાલ આવશે. ઉતાવળા અને અસ્વસ્થ રહેશો તો વધુને વધુ ગૂંચવાતા જશો. મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી જણાશે. આર્થિક બાબતો પ્રત્યે વધુ લક્ષ આપવું જરૂરી. આવક-જાવકના બન્ને પાસાંઓની ગણતરી કરીને જરૂરી ખર્ચા કરવાથી રાહત રહે. આ સમયમાં જરૂરી પૈસાની ગોઠવણ કરી શકશો. નોકરિયાતોના પ્રશ્નોના ઉકેલ માટે આ સમય સાનુકૂળ છે.

વૃષભ (બ,વ,ઉ)ઃ ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. તમારું કશું બગડવાનું નથી. ખોટી ચિંતા કરવાને કોઇ કારણ નથી. જરૂરી ખર્ચ કે મૂડીરોકાણ અંગે આવશ્યક સહાય મેળવી શકશો. કોઈ કામગીરી અટકશે નહિ. ખર્ચને પહોંચી વળશો. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવવા પ્રયત્નશીલ રહેજો. નોકરીમાં વિકાસ અને પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. ધંધા-વેપારમાં કાર્યો આડેના વિઘ્નોને પાર કરીને સફળતા મેળવી શકશો. શત્રુ ફાવે નહીં.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં જવાબદારીઓ અને કેટલીક ચિંતાઓના કારણે માનસિક તણાવનો અનુભવ થશે. વાદવિવાદથી દૂર રહેજો. તમારા પ્રયત્નો સફળ થતાં નાણાંકીય કામકાજો પાર પડશે. અણધાર્યા પ્રસંગો માટે આર્થિક આયોજન કરી શકશો. ફસાયેલાં નાણા મેળવી શકશો. નોકરીના ક્ષેત્રે પરિસ્થિતિ અને સંજોગો સુધરતાં તમારા પુરુષાર્થ ફળશે. યશ-માન મળે. સારી યોજનાઓમાં પ્રગતિ થાય. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા અવરોધોને પાર કરી શકશો. લાભની વૃદ્ધિ થાય.

કર્ક (ડ,હ)ઃ ઉમંગ-ઉત્સાહમાં વધારો થાય. પ્રગતિના સંજોગો સર્જાય. નાણાંકીય મૂંઝવણોમાંથી બહાર નીકળવાનો માર્ગ મેળવી શકશો. ઉઘરાણી મેળવવા તરફ લક્ષ આપવું રહ્યું. નાણાંકીય રોકાણ માટે સંજોગો સાનુકૂળ જણાય છે. નોકરીના ક્ષેત્રે નવીન ફેરફારો થતાં જણાય. ઉપરી સાથેના સંબંધો સારા બનશે. ધંધાકીય પ્રશ્નો હલ કરી શકશો. વેપાર-ધંધા અંગેની નવીન કામગીરી આરંભી શકશો. સંપત્તિના પ્રશ્નો વધુ ગૂંચવાતા લાગે. કેટલાક સંજોગો પ્રતિકૂળતા સૂચવે છે.

સિંહ (મ,ટ)ઃ સપ્તાહમાં તમારી હિંમત અને સ્વસ્થતા ટકાવી રાખજો. અવાસ્તવિક ભય અને કાલ્પનિક ચિંતાઓ જણાશે, પણ ડગવાની જરૂર નથી. આધ્યાત્મિક માર્ગ દ્વારા તમે શાંતિ મેળવી શકશો. નિરાશા અને નકારાત્મક વિચારો છોડી દેજો. આર્થિક મુશ્કેલીમાંથી માર્ગ મળશે. આવકમાં વૃદ્ધિની તકો ઊભી થશે. નાણાંના અભાવે અટવાયેલા કાર્યો માટે જરૂરી આયોજન કરી શકશો. નોકરિયાતોના ગૂંચવાયેલા પ્રશ્નો હલ થશે. પ્રગતિ જણાશે. વિઘ્નોમાંથી માર્ગ મળે. સંઘર્ષમય પરિસ્થિતિમાંથી બહાર આવશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ ગ્રહયોગ દર્શાવે છે કે ખોટી ચિંતા-ભય રાખવાની જરૂર નથી. તમારું કશું જ અનિષ્ટ બનવાનું નથી. નાહકની ચિંતા કરશો નહીં. તમારા જરૂરી ખર્ચાઓ કે મૂડીરોકાણ અંગે આવશ્યક સહાયો, લોનો વગેરે મેળવી શકશો. કામકાજો અટકશે નહીં. ખર્ચાઓને પહોંચી શકશો. યશ-આબરૂમાં વધારો થશે. નોકરિયાતને અટવાયેલા લાભ મળે. વિકાસ અને પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. ધંધા-વેપારના કાર્યો આડે વિઘ્નોને પાર કરી શકશો. શત્રુઓની કારી ફાવે નહિ. મકાન-મિલકતના કોઈ પ્રશ્નો ગૂંચવાયેલા હશે તો તેનો ઉકેલ મળશે.

તુલા (ર,ત)ઃ તમારા માર્ગ આડે કેટલાક અવરોધો છે તેને પાર કરવા તરફ મનની શક્તિને કેન્દ્રીત કરવી પડશે. ઉતાવળા સાહસથી દૂર રહેજો. કોઈની સાથે કારણ વિનાના વિખવાદ કે ઘર્ષણમાં ન ઉતરશો. નાણાંકીય દૃષ્ટિએ સમય સાનુકૂળ હોવાથી જરૂરિયાતો અને ખર્ચાઓ માટેની આર્થિક વ્યવસ્થા ઊભી થઈ શકશે. ઉઘરાણીના કામ પણ પાર પડશે. મૂડીરોકાણ લાભદાયક પુરવાર થશે. કૌટુંબિક ખર્ચને પહોંચી વળશો. નોકરિયાતોને સફળતા અને પ્રગતિની તકો મળશે. મુશ્કેલી હશે તો દૂર થશે. નવીન તક આગળ જતાં લાભ અપાવશે.

વૃશ્ચિક (ન,ય)ઃ કાલ્પનિક મુદ્દે ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. તમને કોઇ નુકસાન કે હાનિ કરી શકવાનું નથી. આ સમયમાં આવકવૃદ્ધિ થશે કે કોઈ જૂનો લાભ મળશે. તમારી માથેના ખર્ચાઓની જોગવાઈ ઊભી થવાની આશા રહે છે. લોટરી સટ્ટાથી લાભ નથી. નોકરિયાતોને બઢતી અટકેલી હશે તો હવે મળી શકે છે. લાંબા સમયનો અવરોધ દૂર થાય. સ્થળાંતરનો યોગ પ્રબળ છે. વેપારી વર્ગ માટે આ સમય સફળતા - પ્રગતિસૂચક છે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સપ્તાહમાં ખોટી ચિંતાનો બોજો વધે નહીં તે જોવું રહ્યું. અવિશ્વાસ, ભય અને શંકાઓ છોડશો તો જ સાચો આનંદ માણી શકશો. નાણાંકીય તકલીફમાંથી બહાર નીકળવાનો તમને માર્ગ મળે. ખર્ચ અને ચૂકવણીના કારણે આવક વપરાશે. અણધાર્યા માર્ગે લાભની આશા ફળશે નહીં. નોકરિયાત માટે આ સમય સાનુકૂળ છે. જોઈતી તકો મળતી જણાશે. અવરોધને ઓળંગી શકશો. ધંધા-વેપારમાં લાભકારક સમય.

મકર (ખ,જ)ઃ સાનુકૂળતાઓ સર્જાતા તમારો પુરુષાર્થ ફળશે. ઉમંગ-ઉત્સાહમાં વધારો થશે. આર્થિક દૃષ્ટિએ સમય શુભ છે. તમારી ચિંતા કે બોજો હળવો થાય. નાણાંકીય ગોઠવણ માટે સાનુકૂળતા રહેશે. ઉઘરાણી કે લેણી રકમો પ્રાપ્ત કરી શકશો. નોકરિયાતોને આ સમય મિશ્ર ફળ આપશે. બઢતી-બદલીના કામકાજો અટકેલા હશે તો ઉકેલાશે. વેપારીઓને પણ પ્રોત્સાહક વાતાવરણ જોવા મળશે. સંપત્તિના પ્રશ્નો હજુ ગૂંચવાયેલા રહેશે. ધાર્યું આયોજન પાર પડે નહીં.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ મનની મૂંઝવણ દૂર થતી જણાય. ખાસ કોઈ સમસ્યા આવે નહીં. આમ છતાં અકારણ અશાંતિના એકાદ-બે પ્રસંગ જણાય. નાણાંકીય દૃષ્ટિએ ધાર્યા લાભ મેળવવામાં વિલંબ જણાય. સરળતાની આશા રાખી શકાય નહીં. મકાન-જમીનના કામ અંગે સાનુકૂળતા રહે અને સફળતા જણાય. નોકરી-ધંધામાં અગત્યની કામગીરી સફળ થાય. તબિયતની કાળજી લેવી આવશ્યક છે. યાત્રા-પ્રવાસ સફળ થાય. દામ્પત્યજીવનમાં મધુરતાનો માહોલ સર્જી શકશો. જીવનસાથીનો સાથ સહકાર મળે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ જવાબદારીનો બોજો અને યોજનાઓમાં હજુ જોઈએ તેટલી પ્રગતિ ન જણાતા અસ્વસ્થતા કે તણાવ વર્તાય. ધીરજથી કામ લેવું પડે. આ સમય તમારી નાણાંકીય બાબતો પ્રત્યે વધુ લક્ષ કે તકેદારી માંગી લે તેવો છે. કૌટુંબિક તેમજ આરોગ્ય અંગેના ખર્ચાઓ ઉપરાંત નવા મૂડીરોકાણના કારણે માથાનો પરનો બોજો વધે તેવા યોગ છે. આર્થિક સ્થિતિ સંતોષકારક થવામાં હજુ વિલંબ જણાશે. ઉઘરાણી કે અન્ય અટવાયેલા નાણાં મળતા થોડીક રાહત વધશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter