તા. ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૧થી ૧ ઓક્ટોબર ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 24th September 2021 06:12 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહ દરમિયાન જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન આવશે. કોઈ નવા પ્રોજેક્ટ્સ પગર કામ કરવા માંગતા હશો તો એને આગળ વધારી શકાશો. કાર્યસ્થળે જવાબદારીમાં વધારો થવાની શક્યતા રહેશે. આર્થિક રીતે નવા સ્ત્રોત પ્રાપ્ત કરી શકાશે. વિદેશ પ્રવાસ અથવા ધાર્મિક યાત્રાના કારણે ખર્ચમાં વધારો થઈ શકે છે. વ્યવસાયિક સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય. કલા અને સર્જનાત્મક પ્રવૃત્તિ તરફ તમારો રસ વધે એવી સંભાવનાઓ રહેશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ જીવનમાં નકારાત્મક દૃષ્ટિકોણ રાખતા હો તો હવે એને બદલવાની જરૂર રહેશે. તમારી દિનચર્યામાં ફેરફાર જરૂરી બને. વાણી-વર્તન પર કંટ્રોલ રાખશો તો નિરર્થક દલીલબાજીમાંથી બહાર આવી શકશો. નોકરી-વ્યવસાયની દ્રષ્ટિએ અપેક્ષિત લાભ મેળવવા માટે હજી થોડી રાહ જોવી પડશે. નોકરીમાં કામનો બોજ તણાવની પરિસ્થિતિ ઉત્પન્ન કરી શકે છે. આર્થિક રીતે એકાદ-બે પરિસ્થિતિને બાદ કરતાં નોર્મલ રહી શકાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ આપના ગ્રહયોગો અનુસાર સપ્તાહ દરમિયાન મિશ્ર પરિણામ મળશે. મહેનત અને પ્રયત્નોનું ફળ પ્રાપ્ત કરી શકશો. નાણાકીય મુશ્કેલીઓમાંથી બહાર આવવા માટે રસ્તા મળશે. વ્યવસાયના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેતાં પહેલાં કોઈ યોગ્ય વ્યક્તિના સલાહ-સૂચન અવશ્ય લેશો. નોકરીમાં મેનેજમેન્ટને લગતા કાર્ય સાથે સંકળાયેલા વ્યક્તિને ઘણી સારી તકો મળશે, જે આપના જીવનમાં સફળતા લાવશે.
• કર્ક (ડ,હ)ઃ નસીબના આધારે બેસી રહેવા કરતાં મહેનત અને પ્રયત્નો ચાલુ રાખશો તો અચૂક સફળ થશો. મનનો બોજો થોડો ઓછો થતો જોવા મળે. નાણાકીય પ્રશ્નો હજી થોડાં ગૂંચવાયેલા રહેશે. વાહન-મિલકત સંબંધી કોઈ સમસ્યાઓને કારણે થોડી મુશ્કેલી વધી શકે છે. કોર્ટ-કચેરીનાં કાર્યોમાં વિલંબ જોવા મળે. કારકિર્દીની વૃદ્ધિના સંદર્ભમાં હજી થોડી સાવધાનીથી આગળ વધવું સલાહનીય રહેશે. ઔદ્યોગિક રોકાણો માટે સમય અનુકૂળ રહેશે.
• સિંહ (મ,ટ)ઃ કોઈ પૂર્વાયોજિત યોજનાઓને સફળતાપૂર્વક પાર પાડવા માટે સમય આપની તરફેણમાં રહેશે. થોડી ઘણી મુશ્કેલીઓને બાદ કરતાં બાકીના સમયમાં ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકશો. આર્થિક રીતે થોડી વધુ સાવચેતીનાં પગલાં લેવા હિતકારી રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત થોડી ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. વિદ્યાર્થી વર્ગ માટે પોતાને ઈચ્છિત પરિણામો મેળવી શકશે. નોકરી-વ્યવસાયમાં સમય મધ્યમ રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન શરૂઆતના દિવસોમાં કોઈ શુભ સમાચાર પ્રાપ્ત કરી શકશો. સપ્તાહના બાકીના દિવસો આનંદ-મંગલમાં પસાર થાય. જોકે, નોકરીમાં થોડા કામના ભારણમાં વધારો પણ જોવા મળશે. વ્યવસાયમાં બિલ્ડિંગ તેમજ રિટેઈલ બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ઘણી ફાયદાકારક તકો હાથ લાગે. નવા વાહનની ખરીદી શક્ય બને. જમીન-મકાન-પ્રોપર્ટીને લગતા વિવાદો થોડા ઘણા તણાવ બાદ સુખરૂપ ઉકેલાશે.
• તુલા (ર,ત)ઃ આ સમયમાં થોડી મનોસ્થિતિ ડામાડોળ રહેશે. કાર્યમાં વ્યસ્તતા અને સામાજિક જીવનને લઈને ઘણાંખરાં પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેની દોડધામમાં વધારો જોવા મળે. આર્થિક રીતે પરિસ્થિતિમાં ઈચ્છિત ફેરફારો માટે હજી થોડો સમય રાહ જોવી પડે. અંગત જીવનમાં કોઈ મુશ્કેલીઓ હોય તો સમજી-વિચારીને એનું નિરાકરણ લાવશો. વ્યવસાયિક દ્રષ્ટિએ સમય યથાવત્ રહેશે. માતા-પિતાને કોઈ નાની યાત્રા કરાવી શકશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ કોઈ પણ પરિસ્થિતિમાં ભાવુકતાની જગ્યાએ થોડું પ્રેક્ટિકલ બની દિમાગથી કામ લેશો તો પરિણામ સારું મેળવી શકશો. તમારા બાકી નીકળતાં લેણાં પરત મેળવવા માટે હજી થોડો સમય રાહ જોવી પડશે. વ્યવસાયિક રીતે યોજનાઓને સફળતાપૂર્વક પાર પાડી શકશો. નોકરીમાં સ્થળાંતરની ઈચ્છા પૂર્ણ થાય. નવી નોકરી પણ પ્રાપ્ત થઈ શકે છે. અંગત વ્યક્તિઓ સાથે લાંબા સમય પછી મુલાકાત શક્ય બને. બાળકોને લગતાં કોઈ પણ નિર્ણય લેતાં વખતે પાર્ટનર સાથે ચર્ચાવિચારણા કરી આગળ વધશો.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આપની મુશ્કેલીઓ અને મૂંઝવણોમાં સપ્તાહ દરમિયાન વધારો થઈ શકે છે. ખાસ કરીને આપના કાર્યક્ષેત્રમાં, તમારા વ્યવહાર-આચરણમાં પણ ધ્યાન રાખજો. આર્થિક સમસ્યાઓ હજી યથાવત્ રહેશે, જેથી ખર્ચાઓ પર કાબૂ રાખવો અનિવાર્ય બનશે. વ્યવસાયના ક્ષેત્રમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેશો તો ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારકિર્દીની શરૂઆતને લગતા નિર્ણયો અંગે કોઈની સાથે ચર્ચા-વિચારણા કરી આગળ વધશો.
• મકર (ખ,જ)ઃ તણાવ અને મૂંઝવણોમાંથી બહાર આવવા માટે વાચન-મનન પ્રત્યે વધુ ધ્યાન આપશો તો માનસિક શાંતિ પાછી લાવી શકશો. સંબંધોની તિરાડ વધુ ઊંડી ના જાય એનું ધ્યાન આપે જ રાખવું પડશે. નાણાકીય રીતે થોડીઘણી રાહત મળી શકે છે. નોકરી-વ્યવસાયમાં નવીન રોકાણોની જરૂરિયાત ઊભી કરવા માટેના સાધનો ઉપલબ્ધ થઈ શકશે. નવી ટેકનોલોજી સાથે તમારે કામ કરતાં શીખી જવું પડશે. પ્રવાસ-પર્યટનની ઈચ્છા પૂર્ણ થાય.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં ખોટા વાદ-વિવાદમાં ન ઊતરવાનું સલાહભર્યું છે, નહીં તો નાની અમસ્તી ચિંગારી ભયંકર આગનું રૂપ ધારણ કરી શકે એવી શક્યતાઓ રહેશે. માનસિક સ્થિતિ થોડીઘણી મૂંઝવણો વધારી શકે છે પરંતુ જો ધીરજ ધરી આગળ વધશો તો મોટા નુકસાનમાંથી બચી શકશો. નોકરીમાં સહકર્મચારી સાથેની વર્તણૂંકમાં સુધારો જરૂરી રહેશે. કોર્ટ-કચેરીના કાર્યો હજી વિલંબિત થાય. ઈમિગ્રેશનને લગતા પ્રશ્નો માટે તમારી તરફેણમાં સમાચાર આવી શકે છે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ ઘણાં સમયથી અટવાયેલા કાર્યો હવે પૂરા થતાં જોવા મળે. આપની માનસિક સ્વસ્થતામાં વધારો થાય. સ્વાસ્થ્યસંબંધી સમસ્યાઓ પણ ઉકેલાતી જોવા મળે. આર્થિક બેલેન્સ જાળવી રાખવા માટેના પ્રયત્નો સફળ થાય. વ્યવસાય-ઉદ્યોગમાં જો નવા રોકાણો કરવાની ઈચ્છતા ધરાવતા હો તો થોડાં ઘણાં અંશે સફળતા તરફ આગળ વધી શકશો. અપરિણીત પાત્રો માટે જીવનસાથીની શોધખોળ પૂર્ણ થાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter