તા. ૨૬ ઓક્ટોબર થી ૧ નવેમ્બર ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 25th October 2019 08:06 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ અગત્યની કાર્યવાહીઓમાં સફળતાથી ઉત્સાહવૃદ્ધિ થાય. સંજોગો અને પરિસ્થિતિ સુધરતાં સાનુકૂળતા જણાશે. અગાઉના કરેલા કેટલાક કામકાજોમાંથી આર્થિક લાભ મળવાના સંજોગો આ સમયમાં ઊભા થતાં જણાશે. જરૂરિયાતો પૂરતી સગવડ પણ થઈ શકશે. શેરસટ્ટાથી લાભ જણાય નહીં. નોકરિયાતોને આ સમયમાં કેટલીક કઠિનાઈઓ હોવા છતાંય કશું બગડવાનો ભય રાખવાની જરૂર નથી. સમસ્યાઓને ધીરજપૂર્વક ઉકેલી શકશો. મકાનની લે-વેચ યા ભાડાનું ઘર બદલવાની ઇચ્છા આ સમયમાં સાકાર થાય તેમ લાગતું નથી. પ્રયત્નો ચાલુ રાખવા જરૂરી. કૌટુંબિક મિલકતોના વિવાદ દૂર થાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં મન પરના ભારનો બોજો, ઉદ્વેગ અને અશાંતિના ઓળાઓ હઠતા જણાશે. લાંબા સમયથી અનુભવાતી બેચેનીથી મુક્તિ મળે. તમારા આર્થિક કામકાજો માટે સમય સાનુકૂળ પુરવાર થશે. કેટલીક વધારાની આવક ઊભી કરવાનો માર્ગ ખૂલશે. કર્જ-બોજામાંથી મુક્તિ મેળવી શકશો. નોકરિયાતોને હવે કેટલીક મહત્ત્વની કામગીરી અંગે યશ મળશે અને બઢતી માટેની તકો કે વાતાવરણ ઊભું કરી શકશો. નોકરી અંગેના પ્રવાસ વધશે. ધંધાના ક્ષેત્રે સમય મિશ્ર સમજવો. મકાન કે સંપત્તિની ખરીદ-વેચાણની લગતા કામકાજો કરી શકશો.

મિથુન (ક,છ,ઘ)ઃ તમારા માર્ગ આડે કેટલાક અવરોધો છે તેને પાર કરવા તરફ મનની શક્તિને કેન્દ્રિત કરવી પડશે. ઉતાવળા સાહસથી દૂર રહેજો. કોઈની સાથે કારણ વિનાના વિખવાદ કે ઘર્ષણમાં ન ઉતરશો. નાણાકીય દૃષ્ટિએ સમય સાનુકૂળ હોવાથી જરૂરિયાતો અને ખર્ચાઓ માટેની આર્થિક વ્યવસ્થા ઊભી થઈ શકશે. ઉઘરાણીના કામ પણ પતશે. મૂડીરોકાણ લાભદાયી પુરવાર થાય. નોકરિયાતોને સફળતા અને પ્રગતિની તકો મળશે. મુશ્કેલી હશે તો દૂર થાય.

કર્ક (ડ,હ)ઃ તમારા પ્રયત્નોનું ફળ મેળવવા તમારે ધીરજ રાખવી પડશે. તમારી ઉન્નતિનો માર્ગ ખૂલ્લો થશે. ઉજ્જવળ સફળતા મળતા તમારી પ્રગતિ થયા વિના રહેશે નહીં. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નાણાકીય દૃષ્ટિએ આ સમય મૂંઝવણભર્યો છે. ખર્ચને પહોંચી વળવા માટે તમારે વધુ વ્યવસ્થિત બનવું પડશે. એકાદ-બે મોટા ખર્ચ થશે. ધીરેલા કે ફસાયેલા નાણાં મળતાં રાહત થાય. નોકરિયાતોને સમય સાનુકૂળ નીવડશે. તમારા માર્ગના અવરોધોથી ચિંતા કરશો નહિ. આગળ વધ્યે જાવ કોઈ કશું છીનવી શકશે નહીં. વેપાર-ધંધાના ક્ષેત્રે લાભ થશે. મકાન-મિલકતોની બાબતોથી ચિંતા રહે. કોઈને કોઈ રીતે પ્રતિકૂળતા જોવા મળશે.

સિંહ (મ,ટ)ઃ રચનાત્મક પ્રવૃત્તિઓ માટે મહત્ત્વના કામો થઈ શકે. આશા અને પ્રગતિનું વાતાવરણ સર્જાશે. પુરુષાર્થ ફળદાયી બનતો જોવા મળશે. નાણાકીય જવાબદારીઓ વધશે. આવક વધવાના યોગો અલ્પ છે. ખોટા નાણાકીય રોકાણ ન થઈ જાય તે જોજો. નોકરિયાત જે તકની આશા રાખે છે તે તક હજુ દૂર ઠેલાતી જણાશે. સંપત્તિવિષયક ચિંતા વિલંબથી ઉકેલાશે. દામ્પત્યજીવનમાં જીવનસાથીનો સહકાર મળે. કૌટુંબિક મતભેદોનો ઉકેલ લાવી શકશો. સામાજિક - માંગલિક કાર્યો પાર પડે. સ્વજનોનો સાથ મેળવી શકશો. પ્રિયજનથી વિયોગ થાય. આ સમયમાં અંગત આરોગ્યની તકેદારી લેજો.

કન્યા (પ,ઠ,ણ)ઃ તમારી માનસિક દૃઢતા સ્વસ્થતા વધશે. મહત્ત્વકાંક્ષાની પૂર્તિ માટે જરૂરી સાનુકૂળતા જોવા મળશે. માન-મરતબો વધશે. તમારી યોજનાઓમાં પ્રગતિ થતી જોઈ શકશો. આર્થિક દૃષ્ટિએ અનિશ્ચિતતા અને અસ્થિરતાના માહોલ વચ્ચે પરિસ્થિતિ સાચવી શકશો. ખરા. જરૂર વખતે તમને પૈસા મળતા આનંદ થશે. તમારી આવકવૃદ્ધિ કરતાં ખર્ચને વધવા ન દેશો. નોકરીના ક્ષેત્રે જો કોઈ ચિંતા પેદા થઈ હશે તો તેનો ઉકેલ મળશે અને સારી રીતે હલ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિકારક તકો મળશે.

તુલા (ર,ત)ઃ સંજોગો સાનુકૂળ બની રહ્યા હોવાથી માનસિક ચિંતાઓનો બોજો હળવો થાય. આશાવાદી કાર્યરચનાના કારણે તમારો માનસિક બોજ હળવો થશે. જેટલા વધુ કાર્યશીલ થશો તેટલો આનંદ મળશે. નાણાંકીય રીતે અણધાર્યા લાભ મળવાના યોગ નથી. વધુ પડતા ખર્ચા રહેશે, તેથી સાચવીને નાણાં વાપરવાની સલાહ છે. નોકરિયાતોને જો કોઈ સમસ્યા હોય તો તે ઉકેલાશે. બદલી અને બઢતી બાબતમાં સાનુકૂળ માર્ગ નીકળે. વેપાર-ધંધાના ક્ષેત્રે તમારા પ્રયત્નો લાભકારક બનશે. જમીન-મકાન અંગે કેટલીક મૂંઝવણો આવે. જમીન-મકાનના સોદામાં અવરોધોનો સામનો કરવો પડે. વારસા યા કૌટુંબિક સંપત્તિના પ્રશ્નો યથાવત્ રહેશે. લગ્ન-વિવાહના પ્રશ્નો અંગે માનસિક અશાંતિનો અનુભવ થાય.

વૃશ્ચિક (ન,ય)ઃ મનના આવેગો શાંત પડતાં જણાશે. બેચેની-અસ્વસ્થતા દૂર થાય. આશાસ્પદ વાતાવરણ સર્જાતું જોવા મળે. અવરોધો દૂર થતાં જણાશે. નાણાકીય મૂંઝવણના પ્રસંગો બાબતે કોઈને કોઈ પ્રકારે ઉકેલ મળશે. મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશો. લાભની તકો પણ મળે. સારા માર્ગે ખર્ચ થાય. નોકરિયાતને રચનાત્મક અને સફળ કામગીરીની કદર થતી જણાશે. વિરોધીઓ દૂર થાય. ઉપરીનો સાથ-સહકાર મળે. બઢતી-બદલીના સંજોગો પણ આવે. વેપાર-ધંધામાં હવે વિકાસની યોજના આગળ વધશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં માનસિક રાહત અને સ્વસ્થતાનો અનુભવ કરી શકશો. મહત્ત્વના કામકાજોમાં પ્રગતિ થતાં તમારો આનંદ વધશે. સક્રિયતા વધશે. ચિંતામાંથી મુક્તિ મળે. વધુ પડતાં ખર્ચના કારણે નાણાંકીય બોજનો અનુભવ થશે. ધારી આવક થાય નહીં. એકાદ-બે આવકના પ્રસંગોથી કામ પાર પડતું જણાશે. નોકરિયાતોના પ્રયત્નો સફળ થશે. વિરોધીઓના હાથ હેઠાં પડતા જણાશે. અગત્યના કોઈ કરારો થશે કે નવી તક મળશે.

મકર (ખ,જ)ઃ લાગણીઓના ઘોડાપુરમાં વધુ પડતા તણાશો તો ઉશ્કેરાટ - વ્યથા અને માનસિક તંગદિલી સિવાય કશું મળવાનું નથી. ધીરજ અને સંયમથી વર્તશો તો ઘણી સમસ્યાઓ આપઆપ ઉકેલાશે. મુશ્કેલીઓને તમે કુનેહપૂર્વક પાર કરી શકશો. કૌટુંબિક અને ગૃહજીવનને લગતાં ખર્ચાનું પ્રમાણ વિશેષ રહેતા તમે ચાહો છો તેવી સ્થિતિ થાય નહિ. નવા મૂડીરોકાણ સમજીવિચારીને કરવા. આવકવૃદ્ધિના પ્રયાસો પૂર્ણ સફળ થશે નહિ. નોકરિયાતો માટે આ સમય મહત્ત્વનો છે. તમે સારી નોકરી કે પદ મેળવવામાં સફળ થશો. સ્થળાંતરનો મુદ્દો હલ થાય. ધંધા-વેપારના ક્ષેત્રે પરિસ્થિતિ ઉજ્જવળ જણાશે. મહત્ત્વના લાભની આશા રાખી શકો છો.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ અંગત પ્રશ્નો અને યોજનાઓના નિરાકરણમાં ગ્રહયોગો મદદરૂપ થશે. માર્ગ આડેના અંતરાયો ધીમે ધીમે દૂર થતાં જણાશે. વિકાસની તક હાથમાં આવીને સરી ન પડે તે જોજો. ગાફેલ રહેશો તો તક ગુમાવવી પડશે. નોકરિયાતને બદલીનો યોગ પ્રબળ છે. વિરોધી અને સહકર્મચારીથી સાવધ રહેવું. વ્યવસાયના ક્ષેત્રે વિકાસ મંદ જણાશે. મૂંઝવણભર્યું વાતાવરણ જણાશે. કૌટુંબિક મિલકતોના પ્રશ્નો વધુ ગૂંચવાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ કાર્યપ્રવૃત્તિ વિકાસ તરફી થતાં આત્મવિશ્વાસ વધતો જણાશે. નવરચના થશે. લાભદાયી તકો મળતાં ઉત્સાહ વધશે. ખર્ચાઓ અને અગત્યના મૂડીરોકાણ માટે જરૂરી નાણાંની જોગવાઈ થઈ શકશે. એકાદ-બે લાભની આશા જણાશે. એકંદરે ચિંતાનો બોજો હળવો થતો જણાશે. નોકરિયાતોને અંગત સમસ્યાઓ હલ થતી જણાશે. નોકરી બદલવાના પ્રયત્નો સફળ થાય. વિકાસકારક સ્થાન હાંસલ કરી શકશો. ધંધા-વેપારના ક્ષેત્રે કોઈ મહત્ત્વની સફળતા મેળવી શકશો. જમીન-મકાનની લે-વેચના કામકાજોમાં રુકાવટ જણાશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter