તા. ૨૬ જૂન ૨૦૨૧થી ૨ જુલાઇ ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 25th June 2021 06:17 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઈ)ઃ દરેક કાર્ય પૂર્વ આયોજનથી કરશો તો સફળતા પ્રાપ્ત કરી શકશો. આ સમય આળસ છોડી વધુ સ્ફુર્તિથી કામ કરવાનું સૂચન કરે છે, અને તો જ સફળતા પ્રાપ્ત કરી શકશો. વ્યાપારિક કામગીરીમાં થોડા ઘણા બદલાવ જરૂરી રહેશે. કૌટુંબિક જવાબદારીને કારણે થોડી દોડધામ રહેશે. આત્મબળ ટકાવી રાખવું પડશે. મિલકત ખરીદીના સ્વપ્ન અહીં પુરા થાય. નોકરિયાત વર્ગને વધુ પરિશ્રમ કરાવે એવો સમય રહેશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ તંદુરસ્તીની બાબતે થોડીક કાળજી વધુ રાખવી પડશે. પેટ-આંખ-મસ્તકની તકલીફ વધુ જોવા મળે. નાણાકીય રીતે આપના કોઈ અટવાયેલા કે ફસાયેલાં નાણાં અહીં આપને પરત મળશે પરંતુ એમાં ધીરજની કસોટી થતી લાગે. વ્યાપારિક ક્ષેત્રમાં રોકાણો થકી લાભ મેળવી શકાય. લગ્નોત્સુક માટે આ સમય થોડાં અવરોધો ઊભા કરી શકે છે. નોકરીમાં આપની ઈચ્છિત પ્રગતિ તેમજ વિકાસ જોવા મળે.
મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં વિરોધીઓ આપને નીચા પાડવા કે નુકસાન કરવાનો પ્રયાસ કરશે જેથી વધુ કાળજી રાખવી. સ્વજનો કે ખાસ અંગત વ્યક્તિની સલાહ-સૂચન અહીં કામ લાગે. આપની મિલકત બાબતની કામગીરીનો અહીં ઉકેલ આવતો દેખાય. જમીન-ફેક્ટરી વગેરે બાબતોની કામગીરીમાં સફળતા મળે. ધાર્મિક તેમજ સામાજિક કામગીરીને કારણે વધુ વ્યસ્તતા રહેશે. નાણાકીય રીતે કોઈ તકલીફ રહેશે નહીં. સંતાનો બાબતે થોડીક ચિંતા રહેશે.
કર્ક (ડ,હ)ઃ આપની ચિંતાઓ અને મૂંઝવણ યથાવત્ રહેશે. વગર કારણે લીધેલી જવાબદારીઓને લઈને વધુ ભાર મહેસૂસ કરશો. નવી ઓળખાણ થકી લાભ થાય. ભાગીદારીના કાર્યોમાં પણ અહીં લાભ જોઈ શકશો. નાણાકીય ગૂંચવણ હોય તો એ અહીં દૂર થાય. જમીન-મકાનના લે-વેચના ધંધામાં તેજીનો સમય રહેશે. અહીં નોકરિયાત વર્ગને ઈચ્છિત બદલી કે બઢતી પ્રાપ્ત થાય. નવી નોકરીના પ્રયાસો પણ સફળ થાય. સંતાનોના અભ્યાસ સંબંધિત ચિંતા દૂર થાય. પ્રવાસથી લાભ થાય.
સિંહ (મ,ટ)ઃ દાંપત્યજીવનમાં બીજી વ્યક્તિઓની અદેખાઈનો ભોગ ન બનાય તેવું ખાસ ધ્યાન રાખશો. તમારી અંગત બાબતોની ચર્ચા કરતાં પહેલાં સો વાર વિચારજો, નહીં તો પોતાના જ પગ પર કુહાડી મારવાની કહેવત અહીં સાચી સાબિત થશે. પૈસાની બાબતે આપના વ્યવહાર ચોખ્ખા રાખવા હિતાવહ રહેશે. નોકરી-ધંધાની પરિસ્થિતિ હજી યથાવત્ રહેશે. કેટલાક મહત્ત્વના રોકાણો અહીં શક્ય થતાં જોવા મળશે. વાહનખરીદીની ઈચ્છા પૂર્ણ થાય. ક્રમશઃ પ્રગતિના માર્ગે આગળ વધી શકશો.
કન્યા (પ,ઠ,ણ)ઃ સમયની સાથેસાથે આપની વિચારસરણી પણ બદલવી પડશે. આપનું જીદ્દીપણું તથા ગુસ્સો આપના માટે જ નુકસાનકારી પૂરવાર ન થાય તેની કાળજી રાખવી. દેવું થાય એવા ખર્ચા અહીં ન કરવાનું સૂચન છે. વ્યાપાર ક્ષેત્રમાં હજી સમય થોડોક મંદીવાળો રહેશે. નોકરિયાત વ્યક્તિઓની જવાબદારીનું ભારણ અહીં વધતું જોવા મળે. અહીં નવીન કામગીરી હાથમાં લેતાં પહેલાં કાળજી રાખવી. સંતાનના લગ્ન બાબતની ચિંતાઓ દૂર થાય.
તુલા (ર,ત)ઃ સ્વજનો તથા મિત્રો દ્વારા ઈચ્છિત કાર્યોમાં સહયોગ પ્રાપ્ત કરી શકશો, જે આપને પ્રગતિના માર્ગે આગળ લઈ જશે. જુદા જુદા કાર્યોમાં મન સતત વ્યસ્ત રહેશે, જેથી થોડી માનસિક આરામની પણ જરૂરિયાત રહેશે. કૌટુંબિક પ્રશ્નોના હલ આવે જેના કારણે જીવનમાં સરળતા થાય. મિલકતમાં સુધારો-વધારો કરવા માટે તેમજ નવીન ખરીદી માટેના યોગો વધુ બળવાન બનશે. ધંધાકીય કાર્યોમાં પ્રગતિ થાય. નોકરીમાં આપના કાર્યોની પ્રશંસા થાય.
વૃશ્ચિક (ન,ય)ઃ ધાર્મિક ક્ષેત્રમાં આપની લાગણીઓનો ઝુકાવ આપના માટે પરમ સુખનો અનુભવ કરાવે એવા સંજોગો ઊભા થાય. સંતો-મહાપુરુષોના મિલનથી માનસિક શાંતિ અનુભવશો. જીવનમાં વડીલોના સહયોગ દ્વારા ઈચ્છિત કાર્યોની પૂર્તિ કરી શકશો. નાણાકીય રીતે સમય અને સંજોગો બંને આપના તરફી રહેશે. બેલેન્સરૂપે સારા એવા નાણા એકત્રિત કરી શકો એવા સંજોગો છે. વ્યાપારિક ક્ષેત્રમાં પણ આપના કાર્યોની સરાહના થાય. સમાજમાં આગવી છાપ ઊભી કરી શકશો. પ્રવાસના આયોજન અહીં સફળ થાય.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આપની લાંબા સમયની સમસ્યાઓનો અંત આવતો જોવા મળશે, જેનાથી આપની ચિંતાઓ દૂર થાય અને હળવાશનો અનુભવ થાય. નોકરીના ક્ષેત્રમાં બીજાઓના દબાણમાં રહીને કામગીરી કરવાનો સમય અહીં પૂરો થાય. આપના નિર્ણયો જાતે લઈ શકશો. વ્યાપારમાં નવાં રોકાણોથી લાભ પ્રાપ્ત કરી શકશો. લોખંડ-ખનિજ-મેડિકલ ક્ષેત્રના વ્યાપારમાં અહીં તેજીનો રૂખ જોવા મળે. સંતાનોના અભ્યાસવિષયક પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. મન ચિંતામુક્ત બનતાં આનંદની લાગણી અનુભવી શકાય.
મકર (ખ,જ)ઃ આ સમય આપના ઘણાં મહત્ત્વના કામકાજો માટે અનુકૂળ રહેશે. જોઈજાળવીને આગળ વધવાનું સલાહભર્યું રહેશે. અગાઉ કરેલા મૂડીરોકાણનું સારું વળતર જોવા મળશે. અધૂરા કાર્યો પૂરાં કરવા માટે યોગ્ય મદદ પ્રાપ્ત કરી શકશો. નોકરીના ક્ષેત્રમાં આપને કોઈ આનંદના સમાચાર પ્રાપ્ત થાય. વ્યાપારિક વ્યસ્તતામાં વધારો જોવા મળે. કૌટુંબિક પ્રસંગોને કારણે પણ વ્યસ્તતા વધે. કોર્ટ-કચેરીના કાર્યોમાં આપનો વિજય થાય.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ માનસિક અશાંતિનું મૂળ કારણ વગરની ચિંતાઓ છે. આથી ખૂબ સાચવીને કામગીરી કરવી. બીજાના સલાહ-સૂચન સાંભળવા, પરંતુ છેલ્લો નિર્ણય જાતે કરશો તો સફળતા મેળવી શકશો. નાણાકીય રીતે થોડી વધુ સાવચેતીનું સૂચન છે. નહીં તો નુકસાનીનો ભોગ બનવું પડશે. કુંવારા પાત્રો માટે ચર્ચાનો દોર આગળ વધે. વ્યાપારિક ક્ષેત્રમાં ઉતાર-ચઢાવની પરિસ્થિતિ યથાવત્ રહેશે. નવી નોકરીની શોધ અહીં પૂર્ણ થાય.
મીન (દ,ચ,ઝ,થ)ઃ સમયની સાથે સાથે આપની પ્રગતિ તેમજ વિકાસની આડે આવતા અવરોધો હવે દૂર થતાં જોવા મળશે. અટકેલા કામકાજો તેમજ મનદુઃખ થયેલી વ્યક્તિઓ સાથે પણ મનમેળ સાધી શકશો. આપને સામેથી લોકો માનપાન આપે એવા સંજોગો ઊભા થાય. મનન અને ચિંતનથી અહીં લાભ પ્રાપ્ત કરી શકાય. વ્યવસાયિક કામગીરીમાં સફળતાના નવા શીખરો સર કરી શકશો. નોકરિયાત વર્ગને અહીં બઢતી તેમજ પ્રગતિ જણાય. દાંપત્યજીવનની કડવાશ દૂર થાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter