તા. ૨૮ ઓક્ટોબર થી ૩ નવેમ્બર ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 27th October 2017 08:02 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ તન-મનની સ્વસ્થતા જાળવવામાં ગ્રહયોગો મદદરૂપ થશે. ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી, તમારું કશું અનિષ્ટ થવાનું નથી. નાહકની ચિંતા કરશો નહિ. તમારા જરૂરી ખર્ચા કે મૂડીરોકાણ અંગે જોઈતી સહાયો, લોનો વગેરે મેળવી શકશો. કામકાજો અટકશે નહિ. ખર્ચને પહોંચી વળશો. અટવાયેલા લાભ મેળવી શકશો. નોકરીમાં વિકાસ અને પ્રગતિનો માર્ગ મોકળો થશે. વેપાર-ધંધાના કાર્યો આડેના વિઘ્નોને પાર કરીને સફળતા મેળવી શકશો. શત્રુઓ ફાવશે નહીં.

વૃષભ (બ,વ,ઉ)ઃ તમારી દ્વિધાઓ અને પરેશાનીઓનો અંત આવે. તમે વિધેયાત્મક માર્ગ તરફ આગળ વધી શકશો. મહત્ત્વની તકો મળતાં વિકાસ જણાશે. આનંદ માણી શકશો. ઉત્સાહપ્રેરક પ્રસંગો બને. આ સમયમાં નાણાંકીય મૂંઝવણોનો ઉપાય મળશે અને અન્યોની મદદોથી તમારી ચિંતા દૂર થશે. નોકરીમાં પ્રગતિની તક મળે. મુશ્કેલીઓ દૂર થાય. મદદ અને લાભની આશા રાખી શકાય. ભાડે આપેલા મિલકત-મકાન અંગેની સમસ્યાઓ યથાવત્ રહેશે. નવું ઘર મેળવવામાં અવરોધોનો સામનો કરવો પડશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયગાળામાં કોઈને કોઈ પ્રકારે નાની-મોટી ચિંતાઓના કારણે અશાંતિના પ્રસંગો સર્જાતા જોવાશે. બેચેની અને અસ્વસ્થતાના કારણે તમે ધાર્યું કરી શકશો નહિ તેમ લાગે છે. ધીરજ જાળવવી જરૂરી છે. આ સમયગાળો નાણાંકીય દૃષ્ટિએ મિશ્ર જણાય છે. નોકરિયાત વર્ગ માટે આ સમય પ્રોત્સાહક છે. બઢતી-બદલીના સંજોગો ઊભા થાય. ઉપરી સાથેના સંબંધો સારા રહે. સહકર્મચારીઓ સાથે વિવાદ ન સર્જાય તે જોવું. આપના મકાનના ખરીદ-વેચાણના કામકાજમાં અવરોધ હશે તો દૂર થશે.

કર્ક (ડ,હ)ઃ સપ્તાહમાં મહત્ત્વના નિર્ણયો ફળદાયી નીવડતા જણાય. મૂંઝવણોનો ઉકેલ મળતો લાગશે. પૂર્વનિર્ધારિત કાર્યોને સફળ બનાવી શકશો. મિત્રો ઉપયોગી બને. આર્થિક દૃષ્ટિએ આ સમય ઠીક ઠીક કહી શકાય. ઉઘરાણીના કામકાજો પતાવવા પ્રયાસો વધારવા પડશે. નાણાંભીડ તીવ્ર બનતી જણાય. આ સમયમાં આવનારા ખર્ચાઓ માટે વ્યવસ્થા ઊભી કરી શકશો. નોકરિયાતોને બઢતી અટકેલી હશે તો ગૂંચવણો દૂર થાય. સ્થળાંતર પરિવર્તનનો યોગ છે. વિરોધીઓના હાથ હેઠા પડશે. વેપારી વર્ગ માટે આ સમય સફળતા સૂચવે છે.

સિંહ (મ,ટ)ઃ આ સમયમાં તમારા અણઉકેલ્યા પ્રશ્નો ઉકેલી શકશો. કોઈ સાનુકૂળ તક આવી મળશે. માનસિક ચિંતાનો બોજ હળવો થતો જણાય. અગત્યની કાર્યરચના માટે સમય સાનૂકૂળ બને. આર્થિક બાબતોને તમે ઠીકઠાક કરી શકશો. તમારા ધંધાકીય કે કૌટુંબિક કાર્ય અંગે નાણાંની ગોઠવણી થઈ શકશે. ઉઘરાણીના નાણાં મળવાની આશા છે. નોકરિયાતની મૂંઝવણ ઘટતી અને સમસ્યાઓ ઉકેલાતી જણાય. મહત્ત્વની વ્યક્તિનો સહકાર મેળવી શકશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ માર્ગ આડેના અવરોધો ધીમે ધીમે દૂર થતાં સાનુકૂળતા વધશે. દૃઢતા અને મક્કમતા કેળવશો તો પરિસ્થિતિ સાનુકૂળ બનતી અનુભવી શકશો. નાણાંકીય મૂંઝવણો કોઈને કોઈ પ્રકારે મનને સતાવ્યા કરશે. અહીં એક સાંધતા તેર તૂટે. એક બાજુથી નાણાં આવે તો બીજી બાજુથી ચૂકવણીઓમાં ખર્ચાઈ જાય. તમે જેટલા જાગૃત રહેશો તેટલી રાહત અનુભવી શકશો. નવા કામકાજોમાં જોઈતી સાનુકૂળતા વર્તાશે.

તુલા (ર,ત)ઃ તમારી માનસિક બેચેની વધતી જણાશે. નાણાંકીય સંજોગો ગમેતેટલા વિપરિત દેખાય તો પણ હિંમત હારશો નહીં. નિરાશ થશો નહીં. તેમાંથી બહાર નીકળવાનો યોગ્ય માર્ગ મેળવી શકશો. નોકરિયાતોને સ્થળ પરિવર્તનનો યોગ છે. ધંધા-વેપારના ક્ષેત્રે પણ આ સમય સિદ્ધિ અપાવનાર નીવડશે. વ્યાપારના વિકાસની યોજના સફળ બનતી જણાય. એકંદરે પ્રગતિ જણાશે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયના ગ્રહયોગો આપના પુરુષાર્થને સફળ બનાવી આપશે. યોજનાઓને આગળ ધપાવવાના સંજોગોનું નિર્માણ થાય. મહત્ત્વની તકો મળતી જણાય. પ્રવાસ-યાત્રાની ઈચ્છા પૂર્ણ થાય. મિત્રો-સ્વજનોનો સાથ મેળવી શકશો. સરકારી બાબતો કે નોકરીની સમસ્યાઓ ઊભી થાય તો તેનો ઉકેલ તમારી તરફેણમાં લાવી શકશો. ધંધા-વ્યવસાયના કામકાજોમાં તમારો પુરુષાર્થ ફળશે. અંગત આરોગ્ય સાચવી શકશો. જાહેર ક્ષેત્રમાં હો તો યશ-માન વધશે. વિદ્યાર્થીઓને જોઈએ તેવું ફળ ન મળે. સંતાનો બાબતે ચિંતા વધશે.

ધન રાશિ (ભ,ધ,ફ,ઢ)ઃ સપ્તાહમાં મિશ્ર અનુભવો થશે. લાગણી અને સ્વમાન ઘવાતા દિલમાં અજંપો વધે. તમારા ધાર્યા પ્રમાણેની પરિસ્થિતિ ન જણાતા અંતઃકરણમાં ઉત્પાત જણાશે. ખાસ નજીકના અંગત સ્નેહીથી પણ ઘર્ષણ જાગશે. માનસિક પરિતાપ સહન કરવો પડશે. નાણાકીય જવાબદારીઓ ધીમે ધીમે પૂરી થતી જણાશે. આવકનો કોઈ નવો માર્ગ મળે નહીં. નુકસાનથી બચજો. શેરસટ્ટાથી નુકસાન થશે.

મકર (ખ,જ)ઃ તમારા મહત્ત્વના કામકાજોમાં પ્રગતિ ઉત્સાહપ્રેક બનશે. ટેન્શનનો બોજો હળવો થાય. વિઘ્નો દૂર થવા લાગે. નાણાંકીય દૃષ્ટિએ વિચારીએ તો આવક ગમેતેટલી થવા છતાંય ખર્ચ તેમજ ચૂકવણી અને રોકાણના કારણે ભીંસ વધે. માનસિક સંતોષ જોવા મળે નહીં. જમીન-મકાનને લાગતા પ્રશ્નો અંગે ખર્ચ અને પ્રતિકૂળતા વધશે. ધાર્યા અનુસાર સફળતા જણાશે નહીં. નોકરિયાતોને મહત્ત્વની કામગીરીઓ માટે સંજોગો અનુકૂળ થતા જણાશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં આવેશ યા ઉશ્કેરાટ વધે તેવા પ્રસંગોથી દૂર રહેજો, નહીં તો ઘણા સાથે સંઘર્ષમાં આવવું પડશે. અગત્યના કાર્યમાં અવરોધના કારણે પણ ચિંતા જણાય. માનસિક શાંતિની આશા વ્યર્થ લાગે. એક પછી એક પ્રશ્નો સર્જાય તેથી માનસિક અસ્વસ્થતા અને તાણ વધતી જણાય. નાણાંકીય કામકાજો પ્રત્યે પણ જાગૃત રહેજો, નહીં તો નાણાંભીડનો સામનો કરવો પડશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ માનસિક સ્વસ્થતા જાળવી શકશો. પ્રવૃત્તિઓ વિકાસ તરફી થતાં તમારો આત્મવિશ્વાસ વધતો જણાશે. કેટલીક નવરચના અને લાભદાયી તકો મળતાં ઉત્સાહ વધશે. ખર્ચાઓ અને મૂડીરોકાણ માટે જરૂરી નાણાંકીય જોગવાઈઓ થઈ શકશે. એકંદરે ચિંતાનો બોજો હળવો થતો જણાશે. નોકરિયાતની અંગત સમસ્યાઓ હલ થશે. નોકરી બદલવાના પ્રયત્નો ફળશે. વધુ વિકાસકારક સ્થાન મેળવી શકશો. ધંધાકીય ક્ષેત્રે કોઈ મહત્ત્વની સફળતા મેળવી શકશો. જમીન-મકાનની લે-વેચના કામમાં અવરોધ જણાશે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter