તા. ૨ ડિસેમ્બર થી ૮ ડિસેમ્બર ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Saturday 02nd December 2017 09:41 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં વિકાસનો નવો માર્ગ મળતા આશા-ઉત્સાહ વધશે. મહત્ત્વના કાર્ય સફળ થતાં આનંદ મળે. આર્થિક સમસ્યાનું નિરાકરણ મળશે. સંપત્તિ અંગેના કામમાં ધારી સફળતા મળે નહીં. મકાન-જમીનના લે-વેચના કામમાં ધ્યાન રાખવું જરૂરી છે. વિશ્વાસઘાતથી સાચવવું. સંઘર્ષ-વિવાદ વધે નહીં તે જોજો. નોકરીમાં ઉપરી અધિકારીનો સાથ ન મળે. વિરોધીઓથી ચેતતા રહેજો. ધંધાકીય દૃષ્ટિએ આ સમય સુધારો સૂચવે છે. દામ્પત્યજીવનના પ્રશ્નો ઘેરા બનતા જણાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં તમારે કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. તમારા પ્રયત્નો કે કામગીરીઓ મુજબ યશ કે લાભ ન મળવાથી મન વ્યથિત બનશે. અપમાનના કડવા ઘૂંટ પીવા પડે. આ સમય નાણાંકીય રીતે એક યા બીજી બાબતે ચિંતાપ્રદ બનશે. નોકરિયાત માટે આ સમય આશાજનક સંજોગો સૂચવે છે. અગત્યના કામકાજોમાં સફળતા મેળવી શકશો. વિવાદોને ટાળવા વધુ હિતાવહ છે. વેપારીને નવા લાભની તક ઊભી થાય. મકાનની લે-વેચના કામમાં સાનુકૂળતા સર્જાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ તમારા મહત્ત્વના કાર્યોમાં પ્રગતિ થાય. આ સમયમાં ઉત્સાહ અને આશાપ્રેરક નવા સંજોગો ઊભા થાય. તમારા આર્થિક પ્રશ્નોના ઉકેલ માટે સંજોગો સારા બનતાં જણાશે. વધારાની આવક પણ ઊભી કરશો. સંપત્તિ અગેના કામમાં સાનુકૂળતા જણાશે. લે-વેચના કામ થઈ શકે છે. નોકરિયાતોને સાનુકૂળતા જણાશે. ઉપરી સાથેની ગેરસમજો દૂર કરી શકશો. ધંધાકીય નવરચના અને વૃદ્ધિનો માર્ગ ખૂલશે. કોઈ નવી તક તમને પ્રગતિ તરફ દોરી જાય. મહેનતનું ફળ મળશે.

કર્ક (ડ,હ)ઃ આ સમય આરોગ્ય અંગેની ચિંતા તેમજ નાણાંભીડનો અનુભવ કરાવનાર બનશે. આ સમયમાં કોઈ મહત્ત્વની તક ખૂલી જતાં વિકાસનો માર્ગ મોકળો બનશે. જોકે વિકાસ મંદ ગતિએ થતો લાગશે. નોકરીના કામમાં ધાર્યું થાય નહીં. હરીફ વર્ગ હેરાન કરતો હોય તેવું જણાશે. ધંધાકીય કામ ધીમી ગતિએ આગળ વધતા સહકાર મળતો જણાશે. વેપાર-ધંધાના પ્રશ્નોમાં સાનુકૂળતા સર્જાશે. શત્રુની કોઇ કારી ફાવશે નહીં. સારી તકો વધે. મકાન-જમીનના પ્રશ્નો અંગે ગ્રહયોગો મદદરૂપ બનશે.

સિંહ (મ,ટ)ઃ અંગત સમસ્યાઓ તથા કાલ્પનિક ભયના કારણે તમારા માટે સ્વસ્થતા જાળવવાનું મુશ્કેલ બનશે. ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નોનો ઉકેલ મળશે. જરૂરી નાણાંકીય વ્યવસ્થા કરી શકશો. નોકરીમાં પરિવર્તન-બદલીના કામ કરી શકશો. સહકર્મચારીઓનો સાથ-સહકાર મળે. ધંધા-વેપારના ક્ષેત્રે જણાતી મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગશે. મકાનની લે-વેચના કામમાં ધારી સફળતા મળે નહીં. કોઈ સ્વજનની તબિયત સંભાળ માગી લેશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ તમારી યોજનાઓ અંગે જોઈતી અનુકૂળતા કે સગવડો ઊભી થતાં તમારી પ્રગતિ થશે. સારી તકો મળશે. સફળતાના કારણે માનસિક ઉલ્લાસ અનુભવશો. આ સમયમાં ખર્ચ-વ્યયનું પ્રમાણ વધતું જશે. લેણી રકમો પૂરતી ન મળે. નોકરિયાતોને બઢતી-બદલીના યોગ છે. મહત્ત્વની વ્યક્તિની મદદ ઉપયોગી થાય. વેપાર-ધંધા ક્ષેત્રે તમારો વિકાસ થતો જણાશે. મકાન-મિલકતના પ્રશ્નો હલ થાય. લગ્ન-વિવાહ સંબંધિત કાર્ય પાર પડશે.

તુલા (ર,ત)ઃ સપ્તાહમાં તમારી કામગીરી સફળ થશે. પરિણામે માનસિક ઉત્સાહ અનુભવી શકશો. ખર્ચનું પ્રમાણ વધુ જણાશે. નાણાંકીય પરિસ્થિતિ કટોકટીભરી બનતી જણાશે. મિત્રો અને પરિચિતો ઉપયોગી બનતા જણાશે. નોકરીના ક્ષેત્ર પ્રતિકૂળતા હશે તો તે દૂર થશે. સંતાનો અને પ્રિયજન સાથે વિવાદ અને મનદુઃખની ઘટના બને. કોઈ મહત્ત્વની મુલાકાતથી લાભ થાય.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયગાળામાં કેટલાક પ્રસંગોથી ચિંતા જણાય. માનસિક સ્વસ્થતા હણાય તેવા પ્રસંગો સર્જાય. જોકે પ્રતિકૂળતાથી ડગી જશો નહીં. બલકે તમારો પુરુષાર્થ જારી રાખશો. નાણાંકીય તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ મળે. ખર્ચને પહોંચી વળશો. કેટલીક નવી તક પણ મળે. મિત્રો-સ્નેહીઓ ઉપયોગી નીવડશે. નોકરિયાતોને બદલી-બઢતી બાબતમાં સાનુકૂળતા જણાય. ઉપરી વર્ગનો સહકાર મળે. વેપાર-ધંધાના ક્ષેત્રે મહેનતના પ્રમાણમાં ફળ ન મળે. જમીન સંબંધિત કાર્યો ઉકેલાતા જણાશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ તમારી આજુબાજુના સંજોગો ગમેતેટલા મુશ્કેલીભર્યા હશે તો પણ તમે કુનેહપૂર્વક તેમાંથી રસ્તો મેળવીને તમારી સમસ્યાનો ઉકેલ મેળવી શકશો. નાણાંકીય સ્થિતિ સંતોષજનક રહે નહીં. નાણાંભીડનો ઉકેલ મળતા તમારા આર્થિક વ્યવહારો નભી શકશે. નોકરીના ક્ષેત્રે જે લાભ દેખાશે તે મૃગજળ સમાન જણાશે. બઢતી-બદલીની આશા ફળે નહીં. વિરોધીના કારણે લાભ અટકશે. વેપાર-ધંધાના કામ માટે સંઘર્ષ થાય. વિપરિત પરિસ્થિતિ જણાશે. દામ્પત્યજીવનમાં સંવાદિતા રહે.

મકર (ખ,જ)ઃ આ સપ્તાહમાં મહત્ત્વની કાર્યરચનાઓ સાકાર થતી જણાય. માનસિક ભારણ હળવું થાય. સર્જનાત્મક કામ થઈ શકે. નિરાશાના વાદળો વિખેરાતા લાગે. આર્થિક પરિસ્થિતિને તમે વધુ કથળતી અટકાવી શકશો તેમજ જરૂરી આવક ઊભી થાય. નોકરીમાં પરિવર્તન, બદલીના કામકાજો થઈ શકે. ધંધા-વેપારના ક્ષેત્રે જણાતી મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગશે. મકાનની ખરીદી-વેચાણના કામમાં અવરોધ હશે તો દૂર થશે. મકાન બદલવાની ઇચ્છા પૂર્ણ થાય.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ આ સમયગાળામાં માનસિક ચિંતા કે સમસ્યા હશે તો તેનો ઉકેલ મેળવી શકશો. માર્ગ આડેના અંતરાયો દૂર થતા લાગે. કોઈ મહત્ત્વનું કાર્ય સફળ બનતાં આનંદ જણાય. નોકરિયાતને કાર્યસફળતા મળતી જણાય. વિરોધીઓ ફાવી શકશે નહીં. વેપાર-ધંધાના સંજોગો ઠીક-ઠીક રીતે સુધરતા જોવા મળે. ધંધાની કામગીરી માટે આ સમય મદદરૂપ થતો જણાશે. ગૃહજીવનની સમસ્યાઓ કુનેહપૂર્વક ઉકેલી શકશો. સાનુકૂળ માહોલ સર્જાશે. અંગત આરોગ્યની સંભાળ લેતા રહેજો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ મનની સ્થિતિ મૂંઝવણમાં મૂકી દે તેમ લાગશે. યોજનામાં હજુ જોઈએ તેટલી ધારી પ્રગતિ ન જોવા મળતાં અસ્વસ્થતા વધે. તમારી નાણાંકીય બાબતો પ્રત્યે પણ વધુ લક્ષ અને તકેદારી સમય માગી લેતો સમય છે. ખર્ચ પર કાપ મૂકવો પડે. નોકરિયાતોને કામકાજોનો બોજો વધતો લાગે. વળી કોઈને કોઈ પ્રકારનાં વિઘ્નો કે અવરોધોનું વાતાવરણ ઉદ્વેગ કરાવશે. વિરોધીઓથી સાવચેત રહેજો. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ વિલંબથી કાર્ય થવાના યોગ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter