તા. ૨ માર્ચ થી ૮ માર્ચ ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 01st March 2019 05:05 EST
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં માનસિક સ્વસ્થતા ખોરવાય તેવા પ્રસંગો બનશે. વિપરિત પ્રસંગો વખતે સહનશક્તિ ગુમાવશો તો વધુ શોષાવું પડશે. ધીરજ અને ડહાપણથી કામ લેશો. અગત્યના નાણાંકીય પ્રશ્નો હલ થતાં સફળતા મળશે. ઉઘરાણી-દેવાના પ્રશ્નો પાર પાડી શકશો. અન્યને ધીરેલા કે ફસાયેલા નાણાં પરત મળતાં રાહત મળે. નોકરિયાતને કેટલીક મુશ્કેલીઓ હોવા છતાં કશું બગડવાનો ભય રાખવાની જરૂર નથી. વેપાર-ધંધામાં મહત્ત્વના કોલ-કરારો કરવામાં ધ્યાન રાખવું.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહમાં તમારી પ્રવૃત્તિઓનો વિકાસ થશે. બૌદ્ધિક અને યોજનાલક્ષી કામગીરીમાં સફળ થશો. માનસિક ઉત્સાહ અનુભવી શકશો. ધ્યેય સિદ્ધ કરવાની સાનુકૂળતા વધશે. આવકના નવા સ્રોત વધારવાનું કાર્ય સફળ થશે. વર્તમાન આવકમાં વધારો થાય. તમારા માર્ગમાં આવતા અવરોધોને પાર કરી શકશો. ચિંતાનો ઉકેલ મળશે. અલબત્ત, ઉતાવળા પરિણામોની આશા ન રાખવી. નોકરિયાતને બદલી કે પરિવર્તનનો યોગ છે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં મનોઉદ્વેગના બનાવો બનશે. કેટલીક તકલીફો વધતા ચિંતાનો અનુભવ થશે. સ્વસ્થતા કેળવવા તરફ વધુ લક્ષ આપજો. નાણાંકીય દૃષ્ટિએ આ સમય સાનુકૂળ નીવડશે. આવનાર ખર્ચ માટેની જોગવાઈ કરી શકશો. લોન-કરજ વગેરેના કાર્યો પાર પડતા જણાય. સારી નોકરી મેળવવાના નોકરિયાતના પ્રયત્નો ફળદાયી બનશે. વર્તમાન નોકરીમાં કોઇ પ્રશ્નો હશે તો ઉકેલીને સાનુકૂળતા સર્જી શકશો. વેપાર-ધંધાની બાબતોથી સંતોષ રહે નહીં.

કર્ક (ડ,હ)ઃ માનસિક અશાંતિ કે તાણમાંથી મુક્તિ મેળવવા માટે ગ્રહો મદદરૂપ થશે. અન્ય વ્યક્તિઓ સાથે માનસિક ઘર્ષણના પ્રસંગો સર્જાય. કેટલીક મહત્ત્વની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહક તકો પણ મેળવી શકશો. ખર્ચની સામે આવક અલ્પ રહેવાથી આર્થિક પરિસ્થિતિ કપરી બનતી જણાશે. આવકનો નવો માર્ગ શોધવો પડશે. નોકરીના ક્ષેત્રે કોઈ મુશ્કેલી કે અંતરાય હશે તો તે દૂર થતો જણાય. પ્રગતિનો માર્ગ મોકળો થતો જણાશે.

સિંહ (મ,ટ)ઃ સપ્તાહ દરમિયાન ન કહેવાય અને ન સહેવાય તેવા પ્રશ્નોના કારણે માનસિક ટેન્શન રહેતાં અજંપો અનુભવાશે. મહત્ત્વના કામકાજોમાં વિલંબ થતાં ચિંતાનો બોજો વધશે. ગ્રહયોગ દર્શાવે છે કે બહુ મોટો નાણાંકીય લાભ કમાઈ લેવાની લાલચમાં પડવાનું ટાળજો. આમાં નાણાં મળવા કરતાં ગુમાવવા પડે તેવી શક્યતા વધુ છે. આવક કરતાં ખર્ચા વધુ રહેવાના યોગો પ્રબળ છે. આથી સાચવીને નાણાં વાપરજો. નોકરિયાતોને શુભ ફળ મળે. અવરોધોમાંથી નીકળી શકશો. બદલી-બઢતીના યોગ છે.

કન્યા (પ,ઠ,ણ)ઃ નિરર્થક કારણસર ચિંતાઓ મનને અસ્વસ્થ કરશે. અકળામણ અને બેચેની વધતાં જણાશે. માનસિક તાણના ભોગ બનવું પડે. અગાઉનાં કરેલા કેટલાંક કામકાજોનો આર્થિક લાભ મેળવવાના સંજોગો આ સમયમાં ઊભા થતાં જણાશે. જરૂરિયાતો પૂરતી સગવડો ઊભી પણ થઈ શકશે. શેર-લોટરીથી લાભની શક્યતા જણાતી નથી. લાલચમાં સપડાશો નહીં. નોકરિયાતોને સમસ્યાના ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. વિરોધીઓ ફાવશે નહીં. ધંધા-વેપારના ક્ષેત્રે સફળતા લાભ જણાશે.

તુલા (ર,ત)ઃ આસપાસના સંજોગો અને માહોલ માનસિક તાણ અને ઉત્પાતનો અનુભવ કરાવશે. ઉતાવળાં પગલાં લેતાં પહેલાં એકસો વાર વિચારજો. અહીં ખર્ચ વધુ અને આવક અલ્પ રહેતાં પરિસ્થિતિ કપરી બનતી જોવાશે. આવકનો નવો માર્ગ શોધવો પડશે અને તે માટેના તમારાં પ્રયત્નો સફળ થશે. નોકરિયાતોને આ સમયમાં અન્ય પ્રતિકૂળતાના કારણે લાભ અટકાવશે. ધાર્યું કામ પાર પડે નહીં. વિઘ્નો વધતાં જણાશે.

વૃશ્ચિક (ન,ય)ઃ યોજનાઓ અંગે જોઈતી સાનુકૂળતા કે અગવડો ઊભી થતાં તમારી પ્રગતિ વધશે. સારી તક મળે. સફળતાના કારણે ઉમંગ-ઉલ્લાસમાં વધારો થશે. દૃઢતાપૂર્વક આગળ વધી શકશો. નાણાંકીય આયોજનો પાર પડશે. ચિંતામાંથી બહાર નીકળવાનો મળે. મિત્રો-સ્વજનોની સહાય કે મદદથી તમારા ખર્ચને તમે પહોંચી શકશો. આર્થિક જવાબદારીઓ માટેની જોગવાઈઓ થાય. નોકરિયાતોને બઢતીનો લાભ મળે. કેટલીક વ્યક્તિઓને સારી નોકરી મળે. વેપાર-ધંધામાં વિસ્તરણની તક મળશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ લાંબા સમયથી અટવાયેલા કોર્ટ-કચેરીના દાવાઓનો ઉકેલ આવતો જણાશે. વણઉકેલ પ્રશ્નો અંગે સાનુકૂળતાઓ સર્જાશે. વિરોધીઓ ફાવી શકશે નહીં. તમારું સ્વાસ્થ્ય સુધરશે. માનસિક ચિંતાઓનો ભાર હળવો થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ધીમી છતાં મક્કમ પ્રગતિ સાધી શકશો. પુરુષાર્થ વધારવો જરૂરી છે. ખોટા સાહસથી દૂર રહેજો. સફળતા માટે સંઘર્ષ અનિવાર્ય બની જશે. દામ્પત્યજીવનમાં અશાંતિ ડોકિયાં કરી જાય. જીવનસાથીનું આરોગ્ય સંભાળ માગી લેશે. યાત્રા-પ્રવાસ વધે.

મકર (ખ,જ)ઃ અંગત બાબતોના કારણે અજંપો-વ્યથા જણાય. મન સક્રિય રાખશો તો નિરાશામાંથી ઊગરી શકશો. નાણાંકીય તકલીફોમાંથી છૂટકારો મેળવી શકશો. ખર્ચ અને ચૂકવણીના કારણે બચત વાપરવાની ફરજ પડશે. અણધાર્યા માર્ગે લાભની ફળશે નહીં. મકાનની લે-વેચના કામમાં અવરોધ આવી શકે છે. ગૃહજીવનમાં સર્જાયેલા મતભેદો કે ગેરસમજોને દૂર કરી શકશો. આરોગ્યની કાળજી લેતા રહેજો. સંતાનોના પ્રશ્ન માનસિક બોજો વધારશે. અંગત આરોગ્ય સાચવવા તરફ લક્ષ રાખજો.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ અકારણ અને ખોટી ચિંતાને કારણે માનસિક તાણ વધશે. તમારા આયોજન, ધારણા કે અપેક્ષા કરતાં પ્રતિકૂળ સંજોગો જણાતા અશાંતિ અને ઉત્પાતમાં વધારો થશે. માનસિક અજંપો વર્તાશે. આર્થિક સમસ્યાઓ ઘેરી જણાય તો પણ કાર્યશીલ રહી ચાલશો તો કોઈને કોઈ રીતે નાણાંનો બંદોબસ્ત થતાં તમારા કામ ઉકેલાશે. ધીરજની કસોટી થતી જણાય. વધારાના લાભની આશા પણ ફળે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારી પ્રવૃત્તિઓ વિકાસ તરફી થતાં આત્મવિશ્વાસ વધતો જણાશે. કેટલીક નવરચના અને લાભદાયી તકો મળતાં ઉત્સાહ વધશે. આર્થિક દૃષ્ટિએ ગ્રહયોગો શુભ હોવાથી તમારી ચિંતા કે બોજો હળવો થાય. નાણાંકીય ગોઠવણ માટે સાનુકૂળતા રહે. ઉઘરાણી કે લેણી રકમો પ્રાપ્ત કરી શકશો. નોકરિયાતોની અંગત સમસ્યા હલ થશે. નોકરીમાં પ્રગતિ અને બઢતીનો માર્ગ ખુલ્લો થશે. હરીફો અંગે ચિંતા રાખવાને કોઇ કારણ નથી. વેપાર-ધંધા માટે સમય સાનુકૂળ રહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter