તા. ૩ જુલાઇ ૨૦૨૧થી ૯ જુલાઇ ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 02nd July 2021 06:52 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઈ)ઃ આ સમય આપને મિશ્ર પરિણામ આપશે. નોકરિયાતને કામગીરીમાં પરિવર્તન આવી શકે છે. વ્યવસાયિક દૃષ્ટિકોણથી આ સમય આપના માટે ઉત્તમ ફળદાયી પુરવાર થઈ શકે છે. મૂડીરોકાણો થકી મોટા લાભ મેળવી શકાય. નવીન ભાગીદારી પણ આપના માટે ફાયદાકારક રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત થોડી ઘણી સમસ્યાઓ વધે જેથી કાળજી રાખવી. આવક-જાવકનું પ્રમાણ યથાવત્ રહેશે. પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ અંગત સમસ્યાઓ કે મૂંઝવણો ધીરે-ધીરે ઊકેલાતાં જણાશે. વિચારોમાં ફેરફાર માનસિક સ્વસ્થતા લાવી શકે છે. લાંબા સમયના અટવાયેલા નાણાકીય પ્રશ્નોનો કોઈક સારો ઉકેલ અહીં મેળવી શકશો. કૌટુંબિક કાર્યોમાં ખર્ચાઓ વધશે. નોકરીમાં મહેનત થકી પરિસ્થિતિ સાનુકૂળ બનતી જોવા મળશે. વ્યાપારમાં થોડોક ધીમા પરંતુ આશાસ્પદ વિકાસની શરૂઆત થાય. જમીન-મકાનના સોદાઓમાં થોડી વધુ કાળજી રાખવી જરૂરી.
મિથુન (ક,છ,ઘ)ઃ આપના ઉગ્ર સ્વભાવ અને આવેશને કાબૂમાં રાખશો તો ખોટાં વિવાદોથી દૂર રહી શકશો. કામકાજની ચિંતાઓને કારણે થોડીક અસ્વસ્થતા અનુભવાય. અગત્યની કામગીરીની દિશામાં આગળ કાર્યવાહી શક્ય બને. નોકરી-વ્યવસાયમાં સાનુકૂળતા વધે. તકનો લાભ લઈ શકાય. આર્થિક રીતે હજી થોડીઘણી સમસ્યાઓ રહેશે. વિદ્યાર્થીઓને થોડી રાહત થાય એવા સમાચાર પ્રાપ્ત થાય. પ્રવાસની ઈચ્છાઓ પૂર્ણ થતી જોવા મળે.
કર્ક (ડ,હ)ઃ કાર્યમાં પ્રગતિ અને કારકિર્દીલક્ષી તક પ્રાપ્ત થતાં આપની મનોસ્થિતિ સુધરતી જોવા મળે. નવીન જવાબદારી તેમજ મહત્ત્વપૂર્ણ યોજનાઓ થકી આપની કાર્યશીલતામાં ચાર ચાંદ લાગે તેવા પ્રસંગો ઊભા થઈ શકશે. વ્યવસાયિક રીતે નવી-નવી રચનાત્મક પ્રવૃત્તિઓ થકી લાભ પ્રાપ્ત કરી શકાય. પારિવારિક સંબંધોમાં સુમેળ સર્જાતા આનંદમય વાતાવરણ જોવા મળે. અપરિણિત માટે યોગ્ય જીવનસાથીની તલાશ અહીં પૂર્ણ થાય. કોર્ટ-કચેરીના કાર્યોમાં આપની તરફેણમાં ચુકાદો આવે.
સિંહ (મ,ટ)ઃ આ સપ્તાહ દરમિયાન આપના ગૃહાદિક જીવનમાં તેમજ વ્યાપારિક કાર્યોમાં વિનાકારણે ગૂંચવણો ઊભી થશે. મન પર થોડું ભારણ વધશે. તમારા પ્રત્યે લાગણી દર્શાવનાર પણ તમારી કામગીરીથી અસંતોષી બને. નોકરીના ક્ષેત્રમાં અગત્યના કાર્યો હજી વણઉકેલ રહેશે. જોકે આર્થિક ક્ષેત્રે થોડી રાહત રહેશે. જાવકનું પ્રમાણ ઓછું થાય. કોર્ટ-કચેરીના કાર્યોમાં નુકસાની ભોગવવી પડે એવો ચૂકાદો આવે. એકંદરે આ સમય થોડો વધુ ભારણવાળો રહેશે.
કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય દરમિયાન આંતરિક ઈચ્છાઓ તેમજ મનના વિચારોને બહાર લાવી શકશો. સંબંધોની મીઠાશ વધતી જોવા મળે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવશે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રે પ્રતિસ્પર્ધામાં ટકી રહેવા માટે ખૂબ મહેનત કરવી પડશે. ગૃહાદિક જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય. વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ સાબિત થાય. માતા-પિતાના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વધે.
તુલા (ર,ત)ઃ કામગીરીના દૃષ્ટિકોણથી આપનો આ સમય સરેરાશ કરતાં વધુ સારો પૂરવાર થાય. ધંધાકીય રીતે ઘણો સારો સમય આવી રહ્યો છે, જે લાભકારક સાબિત થાય. થોડી એકાગ્રતા તેમજ લક્ષ્યને ધ્યાનમાં રાખીને પ્રયત્નો કરશો તો અચૂક સફળતા પ્રાપ્ત કરી શકાય. પારિવારિક સમસ્યાઓનો અંત આવશે. આર્થિક સ્થિતિ વધુ સારી બનતી જણાય. ઉચ્ચ શિક્ષણ માટે પ્રયાસ કરતાં વિદ્યાર્થીઓ માટે સમય સાનુકૂળ સાબિત થાય. પ્રવાસની ઈચ્છાઓ પૂર્ણ થાય.
વૃશ્ચિક (ન,ય)ઃ શરૂઆતના દિવસોમાં થોડી મુશ્કેલી તેમજ સમસ્યાઓનો સામનો કરવો પડે. અંતના દિવસોમાં થોડી રાહત રહેશે. નોકરીમાં આપનું સ્થાનફેર થવાની શક્યતાઓ રહેશે. જોકે નાનાં-મોટાં અવરોધો આપની કાર્યશીલતામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. વ્યવસાયિક રીતે સમય સારો છે. નવી યોજનાઓ થકી ફાયદો થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે તાલમેળ બનાવી રાખવો અતિ આવશ્યક રહેશે. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો જણાય.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ કામનું ભારણ ઓછું થતાં રાહત અનુભવાય. સમયનો સદુપયોગ જીવનમાં લાભકર્તા સાબિત થાય. આવકની દૃષ્ટિએ આ સમયમાં આપના ફસાયેલાં નાણાં પરત મેળવી શકાય. જમીન-મકાનની ખરીદીના પ્રશ્નો હલ થાય. વ્યવસાયમાં કોઈના પર અતિ વિશ્વાસુ બની જવાબદારી ન સોંપવા સૂચન છે. આપની કારકિર્દીલક્ષી સમસ્યાઓનો અહીં અંત આવે. નવી નોકરીના પ્રયાસો સફળ બનતા જણાય. માંગલિક પ્રસંગોનું આયોજન થાય.
મકર (ખ,જ)ઃ આપની ક્ષમતા કરતાં વધુ પડતું કામ આપના સ્વાસ્થ્ય પર અસર કરશે, જેથી કાળજી રાખવી. નાણાકીય દૃષ્ટિએ આપના ભૂતકાળના રોકાણો થકી અહીં સારી એવી આવક ઊભી કરી શકશો. જે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ઉપયોગી સાબિત થાય. નોકરી-વ્યવસાયમાં પણ સારી એવી તકો હાથ લાગે. નવા ઔદ્યોગિક રોકાણ શક્ય બનતાં જોવા મળે. નાની પિકનિક ઘણો મોટો આનંદ આપી જાય. વિદ્યાર્થીઓએ આગળ વધવા માટે નકારાત્મક વિચારો દૂર કરીને વધુ મહેનત કરવી પડશે.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ આપના બાકી રહેલા કામકાજને પૂરાં કરવા માટે આ સમય ખૂબ મહત્ત્વપૂર્ણ પૂરવાર થાય. નવા વ્યવસાય અને વિસ્તરણ માટેની યોજનાઓ અહીં સાકાર થતી જોવા મળે, જેથી કામનું ભારણ પણ ખૂબ વધતું જોવા મળશે. આર્થિક પરિસ્થિતિ વધુ મજબૂત થતી જોવા મળશે. નોકરિયાત વ્યક્તિઓને બઢતી માટેની ઉત્તમ તક પ્રાપ્ત થાય, જેને ઝડપી લેશે તો સફળતા પ્રાપ્ત કરી શકશો. જીવનસાથી સાથેના સંબંધોની તિરાડ વધુ ઊંડી ન થાય તેનું ખાસ ધ્યાન રાખશો.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય દરમિયાન આપના જીવનમાં કેટલાક સકારાત્મક પરિવર્તન આવી શકે છે. ઈચ્છિત આર્થિક લાભ મેળવી શકશો. કામ અને અંગત જીવન વચ્ચે બેલેન્સ બનાવવામાં સફળ થઈ શકશો. વ્યાપારિક ક્ષેત્રમાં તેજીનું વાતાવરણ જોઈ શકાય. વ્યવસાયિક કામગીરીમાં મોટાં ફેરફાર કરતાં પહેલાં થોડી વધુ સાવધાની રાખવી જરૂરી છે. પરિવારસંબંધી કોર્ટ-કચેરીના કાર્યમાં સુખદ સમાચાર પ્રાપ્ત થાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter