તા. ૩ નવેમ્બર થી ૯ નવેમ્બર ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 02nd November 2018 06:28 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં તમારા આજુબાજુના સંજોગો ગમેતેટલા મુશ્કેલીભર્યા હશે તો પણ તમે તેમાંથી કુનેહપૂર્વક રસ્તો કાઢી શકશો. જોકે નાણાંકીય સ્થિતિ સંતોષકારક રહે નહીં. ખર્ચ, નુકસાન, કરજ અને તેના કારણે નાણાંભીડનો સામનો કરવો પડે. આગોતરું આર્થિક આયોજન કરશો તો અવશ્ય તમારા વ્યવહારો નભી શકશે. નોકરીના ક્ષેત્રે બદલી-બઢતીની આશા હજુ ફળે તેમ જણાતું નથી.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહમાં માનસિક તણાવ અને કાલ્પનિક ચિંતાઓના કારણે મનમાં મૂંઝવણ રહેશે કે બેચેનીનો અનુભવ થશે. ખોટા વાદવિવાદોથી દૂર રહેવું જરૂરી છે. આધ્યાત્મિક વલણ કેળવવું જરૂરી છે. નાણાંકીય બાબતો અંગે આ સમયના ગ્રહો સાથ આપતા જણાય છે. તમારા પ્રયત્નો સફળ થાય. વધારાના ખર્ચના પ્રસંગો કાબુમાં રાખજો. નોકરિયાતો માટે આ સમય પરિવર્તન અને સાનુકૂળતા સૂચવે છે. મિત્રો-પરિચિત ઉપયોગી બનતા જણાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ માનસિક ઉત્સાહ જાળવવો પડશે. જો તમારો આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવી બેસશો તો ધારી સફળતા નહીં જ મળે. આથી ઉલ્ટાની નિષ્ફળતા જોવી પડશે. ભલે ગમેતેવા વિપરીત સંજોગો સર્જાય. ચિંતા કરશો નહીં. નાણાંકીય સંજોગો સુધારવામાં હજુ સમય લાગશે. આથી સમજીવિચારીને ખર્ચા કરવા જરૂરી છે. બચત અશક્ય બનશે. વેપારી વર્ગને ધીમે ધીમે પ્રગતિ જણાય.

કર્ક (ડ,હ)ઃ હજુ તમારા માર્ગ આડે કેટલાક અવરોધો છે. તેને પાર કરવા તરફ મનને શક્તિ કેન્દ્રીત કરવી પડશે. કોઇ પણ મુદ્દે ઉતાવળા સાહસથી દૂર રહેજો. કોઈની પણ સાથે કારણ વિનાના વિખવાદ કે ઘર્ષણમાં ઉતરવાનું ટાળજો. નાણાંકીય દૃષ્ટિએ સમય સાનુકૂળ હોવાથી જરૂરિયાતો અને ખર્ચાઓ માટેની આર્થિક વ્યવસ્થા ઊભી થઈ શકશે. ઉઘરાણીના કામ પણ પાર પડશે. નોકરિયાતો માટે આ સપ્તાહના યોગો પ્રગતિકારક અને આશાજનક છે.

સિંહ (મ,ટ)ઃ સપ્તાહ દરમિયાન અંગત મૂંઝવણ દૂર થતાં આશાવાદી વાતાવરણ સર્જાશે. માનસિક અકળામણ દૂર થશે. આમ છતાં પણ આર્થિક દૃષ્ટિએ મોટા સાહસ કરવા જેવો આ સમય નથી. નાણાંભીડને કારણે ધાર્યાં કામો પાર પડે નહીં. આવક કરતા જાવકનું પ્રમાણ વધી ન જાય તે જોવું રહ્યું. નોકરિયાતો માટે આ સમય સફળતા, પ્રગતિ અને યશમાન આપનાર છે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયગાળો કામકાજનું દબાણ અને વધારાના ખર્ચના પ્રસંગો સૂચવે છે. સંતાનો અંગેની સમસ્યાઓનો ઉકેલ મળશે. માનસિક રાહત જણાય નહીં. પ્રતિકૂળતાના કારણે ધાર્યા કામ નિર્ધારિત સમયમાં પાર પડે નહીં. સપ્તાહ દરમિયાન મકાન સંબંધિત સમસ્યા જણાશે. મુશ્કેલીઓ સંદર્ભે ધાર્યો ઉકેલ ન આવતાં અસંતોષ જણાય. ભાડાના કે સરકારી મકાન બાબત મુશ્કેલી પેદા થાય.

તુલા (ર,ત)ઃ સપ્તાહની ગ્રહચાલ દર્શાવે છે કે તમારા મહત્ત્વના કામકાજોમાં સાનુકૂળતા અને સફળતા મળશે. સારી તક પ્રાપ્ત થાય. અવસર ચૂકતા નહીં. ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલી શકશો. માનસિક તાણમાં ઘટાડો થશે. આવકની દૃષ્ટિએ સંજોગો પ્રતિકૂળ બનશે. ધારેલા લાભ કે આવકના માર્ગો અટકતા જણાશે. અલબત્ત, તમારા જરૂરી કાર્યો માટેની જોગવાઈઓ થતાં રાહત મળશે.

વૃશ્ચિક (ન,ય)ઃ પ્રયત્નો સફળ બનતા જણાશે. લાભકર્તા બનતા આશા-ઉમંગ વધશે. સારી તકો આવી મળશે. તેને ઝડપી લેજો. મનનો બોજ હળવો થવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. નાણાંકીય પરિસ્થિતિને તમે સમતોલ કરી શકશો. એકાદ-બે સારા લાભોની તક આવે. ઉઘરાણીના કામોમાં સફળતા મળે. નોકરિયાતોને તેમના પ્રયત્નોનું શુભ ફળ મળે. અવરોધોમાંથી બહાર નીકળી શકશો. બદલીનો યોગ છે. વેપાર-ધંધાની વૃદ્ધિ અને વિકાસના પગલાં આયોજન માટે આ સમય લાભકારક છે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં એક પ્રકારની ઉદાસીનતા અને વ્યગ્રતાની લાગણીનો અનુભવ થશે. તમારા વિચારોને અમલમાં મૂકવાનું અશક્ય લાગતા તંગદિલી વધશે. સંજોગો સુધરવામાં હજુ સમય લાગશે. આથી સમજીવિચારીને ખર્ચ કે સાહસ કરશો. નાણાંનો દુર્વ્યય ન થઈ જાય તે જોવું રહ્યું. બચત કરવાનું આયોજન ખોરવાશે. નોકરીના ક્ષેત્રે કોઈ તક મેળવી શકશો. વર્તમાન નોકરીના ક્ષેત્રે પણ પરિવર્તન થાય.

મકર (ખ,જ)ઃ તમારી આસપાસના સંજોગો ગમેતેટલા મુશ્કેલીભર્યા હોય હામ હારશો નહીં. તમે આમાંથી કુનેહપૂર્વક તેમાંથી રસ્તો મેળવીને તમારી સમસ્યાનો ઉકેલ મેળવી શકશો. રાહતની લાગણી અનુભવશો. નાણાંકીય સ્થિતિ સંતોષકારક રહેશે નહીં. ખર્ચ-નુકસાન, કરજ અને તેના કારણે નાણાંભીડનો સામનો કરવો પડશે. જોકે ઉકેલનો માર્ગ મળતા તમારા વ્યવહારો નભી શકશે. નોકરીના ક્ષેત્રે જે કંઈ લાભ દેખાશે તે મૃગજળસમાન સાબિત થશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારા સંજોગો ગમેતેટલા વિપરીત કે પ્રતિકૂળ લાગતા હોય પણ તેમાંથી તમે બહાર નીકળવાનો માર્ગ શોધી શકશો. તમારા ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલાશે. મિત્રો અને પરિચિતોની મદદ પણ માનસિક ઉમંગ-ઉત્સાહમાં વધારો કરશે. સર્જનાત્મક વિકાસ થાય. નાણાંકીય ક્ષેત્રે અગાઉ કરેલા પ્રયત્નો ફળદાયી બનશે અને તે દ્વારા આવકવૃદ્ધિ થાય. નોકરિયાતોને આ સમયગાળામાં કામકાજોનો બોજો વધુ રહેશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ માનસિક અકળામણ અને તીવ્ર તણાવના કારણે અસ્વસ્થતા વધે. ખોટી ચિંતાઓના કારણે વધુ પડતા અશાંત રહેશો. શંકા કે ચિંતા છોડીને કાર્ય કર્યે જવાથી વધુ આનંદ મેળવી શકશો. ખર્ચાઓ વધતાં પરિસ્થિતિ વણસતી જણાય. આર્થિક બોજો અને કરજ વધશે. ધાર્યા લાભો કે આવક મળવામાં હજુ અંતરાય છે. નોકરીના ક્ષેત્રે પરિસ્થિતિ અને સંજોગો સુધરતા તમારો પુરુષાર્થ ફળે. વેપાર-ધંધામાં સારી યોજનાઓમાં પ્રગતિ થાય. અવરોધોને પાર કરીને આગેકૂચ કરી શકશો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter