તા. ૬ એપ્રિલ થી ૧૨ એપ્રિલ ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 05th April 2019 08:17 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ તમારા મહત્ત્વના કામકાજોમાં જણાતી પ્રગતિ ઉત્સાહપ્રેરક બનશે. ચિંતા-ટેન્શનને હળવી બનાવી શકશો. વિઘ્નો દૂર થવા લાગે. નાણાંકીય દૃષ્ટિએ આવક ગમેતેટલી વધે છતાં ચૂકવણી અને રોકાણના કારણે ભીંસ વધે. પરિણામે મનમાં અસંતોષ વર્તાય. જમીન-મકાનને લગતા પ્રશ્નો અંગે ખર્ચ અને પ્રતિકૂળતા જણાશે અને ધારી સફળતા જણાશે નહીં. નોકરિયાતને મહત્ત્વની કામગીરી માટે સંજોગો સાનુકૂળ થતા જણાશે. વિરોધીઓની કારી ફાવશે નહીં.

વૃષભ (બ,વ,ઉ)ઃ મનની મુરાદો મનમાં રહેતી જણાય. અશાંતિ અને ઉદ્વેગ વધશે. અકારણ ચિંતાનો અનુભવ થાય. માનસિક સ્વસ્થતા જળવાય નહીં. નાણાંકીય પરિસ્થિતિ વધુ કટોકટીરૂપ બનશે. આવક ઘટે અને ખર્ચ વધે. આર્થિક ભાર યથાવત્ રહે. ઉઘરાણીના કાર્યોમાં વિલંબ જણાય. મહત્ત્વના કામમાં આગળ વધી શકશો. વિરોધીઓના હાથ હેઠા પડતાં જણાય. ધંધાકીય કામગીરીમાં હજુ મંદી વર્તાશે. અગત્યના કામકાજમાં હજુ મનોવાંચ્છિત ફળ મળે નહીં. મકાન-જમીનની બાબત અંગે સંજોગો પ્રતિકૂળ છે.

મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહમાં વણઉકેલ્યા પ્રશ્નોનો નિવેડો આવશે. હવે વધારાની જવાબદારી ઉઠાવવી પડશે. નવીન તકો પણ પ્રાપ્ત થાય. જેટલી સાનુકૂળતા વર્તાય છે તેટલી જ નવી કામગીરીઓ પણ આવશે. નાણાંકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહે. જૂની જવાબદારીનો બોજ હળવો બનાવી શકશો. મકાન, સંપત્તિ તેમજ મિલકત અંગેના પ્રશ્નોનો નિવેડો આવશે. ભાડૂઆત અંગેના પ્રશ્નો હલ થશે.

કર્ક (ડ,હ)ઃ આ સમયગાળામાં તબિયતના કારણે અસ્વસ્થતા જણાય. ખોટી અને કાલ્પનિક ચિંતા પણ જોવા મળે. માનસિક ભારણ વધતું જણાય. મનની મુરાદ મનમાં જ રહેતી જણાય. વધુ મહેનતે અલ્પ ફળ જોવા મળશે. નાણાંકીય દૃષ્ટિએ આ સમય કટોકટીભર્યો જણાય. તમારા આર્થિક કાર્યોમાં અંતરાય જોવા મળશે. અટેવાયેલા લાભ કે લેણા મેળવવામાં હજી સમય લાગશે. નાણાંકીય સમસ્યાઓ વધુ ગૂંચવાય નહીં તે જોવું રહ્યું. નોકરિયાતોને યથાવત્ સ્થિતિ જણાશે. વિરોધીઓના હાથ હેઠા પડશે.

સિંહ (મ,ટ)ઃ આ દિવસોમાં આશા-નિરાશાનો મિશ્ર અનુભવ કરાવશે. શુભ ગ્રહની અસરથી તમે દૃઢતાપૂર્વક આગળ વધી શકશો. અકારણ ચિંતાઓના વાદળો વિખેરાશે. નકારાત્મક વિચારોને છોડજો. અહીં અણધાર્યા ખર્ચના પ્રસંગો વધતા નાણાંભીડ જણાય. નોકરી અંગે મહત્ત્વના નિર્ણયો લઈ શકશો. વેપાર-ધંધામાં સાવધાન રહીને ચાલશો તો જ હરીફો સામે ટકી શકશો. સ્થાવર મિલકતો સંબંધિત કામકાજો માટે આ સમય પ્રતિકૂળતા અને તકલીફો સૂચવે છે. સરકારી કામકાજો અટવાતાં જણાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ માનસિક અશાંતિ કે તણાવના પ્રસંગોથી મુક્તિ મેળવવામાં આ સમયના ગ્રહયોગો મદદરૂપ નીડવશે. તમારી કેટલીક મહત્ત્વની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહક તકો પણ મેળવી શકશો. નોકરિયાતોને પ્રગતિની ઉત્સાહવર્ધક તકો મળશે. ઉન્નતિનો માર્ગ ખૂલતો જણાય. વિરોધીઓના હાથ હેઠાં પડતા લાગે. જોકે વેપાર-ધંધાના ક્ષેત્રે વાતાવરણ મૂંઝવણરૂપ બનશે. મકાન-મિલકત અથવા તો ભાડાના મકાન અંગેની બાબતો માટે આ સમય સફળતા સૂચવે છે.

તુલા (ર,ત)ઃ આ સમયગાળામાં માનસિક અસુખ અને અકારણ ભારની લાગણી અનુભવશો. તમારા અગત્યના કાર્યમાં પણ અવરોધના કારણે ચિંતા જણાય. આર્થિક પ્રશ્નો ઘેરા બનતા જણાશે અને ધાર્યો લાભ મળે નહીં. નોકરિયાતોને તેમના પ્રશ્નો હલ થતાં જણાય. કાર્યસ્થળે ઉપરી તરફથી યશ-માન મળશે. સહકર્મચારીઓના કારણે ચિંતાઓ હશે તો તે દૂર થતી જણાય. જમીન-મિલકત અંગેના કામકોજામાં પ્રગતિ જણાય. કૌટુંબિક સંપત્તિ અંગેની ગૂંચો ઉકેલી શકશો.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ સાનુકૂળ અને સફળ નીવડતાં ઉમંગ-ઉલ્લાસ અનુભવશો. મન પરનો ભાર હળવો થાય. ચિંતાના વાદળો દૂર વિખેરાતા જણાશે. જરૂરી ખર્ચાઓ કે મૂડીરોકાણ અંગે જોઈતી સહાય, લોન વગેરે મેળવી શકશો. નાણાંના અભાવે કામકાજો અટકશે નહીં. ખર્ચને પહોંચી વળશો. નોકરી સંબંધિત કોઈ સારી તક મેળવી શકશો. તમારી વર્તમાન નોકરીના ક્ષેત્રે પણ પરિવર્તન થાય. વિરોધીના કારણે થોડી પ્રતિકૂળતા જણાશે. ધંધા-વેપારની પરિસ્થિતિ યથાવત્ રહેશે. મકાન- જમીનના પ્રશ્નો સાનુકૂળ રીતે ઉકેલાશે નહીં.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ અંગત મૂંઝવણ કે સમસ્યાઓ ધીમી ગતિએ, પણ સાનુકૂળ રીતે ઉકેલાશે. વિચારો કે કોરી કલ્પનાઓ કરીને દુઃખી થશો નહીં. માનસિક સ્વસ્થતા જાળવી લેશો તો કશું જ સંકટ ભોગવવું નહીં પડે. આર્થિક બાબતે પ્રત્યે સજાગ રહેવું જરૂરી છે. તમારી ભૂતકાળની કામગીરીઓ, જવાબદારીઓના કારણે ખર્ચ-વ્યય થશે. નાણાંકીય મૂંઝવણ જણાય. કોઈ નવા ખર્ચ વધવા ન દેવા. નોકરીના ક્ષેત્રે જો કોઈ પ્રતિકૂળ સ્થિતિ નિર્માણ થઈ હશે તો તેમાંથી બહાર નીકળી શકશો. યશ-માન પ્રાપ્ત કરવાનો વિજયયોગ છે.

મકર (ખ,જ)ઃ આ સમય ઉત્સારપ્રેરક બનાવોના કારણે માનસિક અશાંતિમાંથી ઉગરી શકશો. મહત્ત્વના કામકાજો કે કામગીરીમાં સફળતા મેળવવાના આશાસ્પદ સંજોગો આનંદનો અનુભવ કરાવશે. સ્નેહીજનથી મિલન-મુલાકાત થાય. તમારી નાણાંકીય મૂંઝવણો કે જરૂરિયાતો સંદર્ભે રાહત આપે તેવો ઉકેલ મળે. અનાયાસ ધનપ્રાપ્તિનો યોગ ન હોવાથી લાલચમાં સપડાશો નહીં. ખર્ચને કાબૂમાં રાખશો તો વિશેષ રાહત રહેશે. નોકરિયાતોને પુરુષાર્થનું સારું ફળ આપનાર ગ્રહયોગ છે. તમારી ગૂંચવાયેલી સમસ્યાઓનો હલ મળે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ લાંબા સમયથી અટવાયેલા કાર્યોમાં સફળતા મળતાં આનંદ-ખુશી વર્તાશે. મનની ઇચ્છાઓ બર આવતી જણાય. બેચેનીનો બોજો હળવો થાય. આવકનો નવો માર્ગ શોધી શકશો. સારી તકો મળશે. જોકે આવકના પ્રમાણમાં ખર્ચ રહે. જૂના લાભ અટક્યા હોય તો તે મળે. વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિકારક કાર્યરચના થાય. ઉન્નતિનો માર્ગ ખૂલે. પ્રવાસ-યાત્રા સફળ થાય. મકાન-મિલકતના કામકાજો ગૂંચવાયેલા હશે તો તેનો ઉકેલ લાવી શકશો. કૌટુંબિક જીવનમાં મતભેદો હશે તો દૂર થશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન મનોસ્થિતિ ગૂંચવાયેલી અને ગૂંચવણભરી રહેશે. અલબત્ત આ મૂંઝવણો કાલ્પનિક વધુ હશે. નાણાંકીય જવાબદારીઓ વધતી જશે. આવક કરતા ખર્ચના પ્રસંગો અને લાભમાં અંતરાય જણાશે. ધીરધાર કરશો નહીં. મોટા સાહસમાં પડશો નહીં. નોકરીના ક્ષેત્રે વાતાવરણ યથાવત્ રહે. બદલી-બઢતીનો માર્ગ અવરોધાશે. વાદવિવાદ સર્જાય. વેપાર-ધંધાના ક્ષેત્રે તમારા સંજોગો સુધરતા હોય તેમ જણાતું નથી. મકાન-સંપત્તિ બાબતે પ્રશ્નો મૂંઝવશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter