તા. ૯ માર્ચ થી ૧૫ માર્ચ ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 08th March 2019 05:51 EST
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં અટવાયેલા કામકાજો ગૂંચવાય નહિ તે જોજો. ધીરજથી સ્વસ્થતાપૂર્વક અને વ્યવસ્થિત રહીને ચાલશો તો કામકાજનો નિકાલ આવશે. ઉતાવળા અને અસ્વસ્થ રહેશો તો વધુને વધુ ગૂંચવાતા જશો. મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી લાગશે. આર્થિક બાબત પ્રત્યે વધુ લક્ષ આપજો. આવક-જાવકના બંને પાસાઓની ગણતરી કરીને જરૂરી ખર્ચા કરવાથી રાહત રહે. આ સમયમાં જરૂરી પૈસાની ગોઠવણ કરી શકશો. નોકરિયાતોને પ્રશ્નોના ઉકેલ માટે આ સમય સાનુકૂળ છે.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન ખોટી ચિંતા-ભય રાખવાની જરૂર નથી. કશું અનિષ્ટ થવાનું નથી. ખોટી ચિંતા કરવાને કોઇ કારણ નથી. જરૂરી ખર્ચ કે મૂડીરોકાણ અંગે જોઈતી સહાય મેળવી શકશો. કોઈ કામગીરી અટકશે નહી ખર્ચને પહોંચી વળશો. અટવાયેલા લાભ મેળવવા પ્રયત્નશીલ રહેજો. નોકરીમાં વિકાસ અને પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. વેપાર-ધંધામાં કાર્ય આડેના વિઘ્નોને પાર કરી સફળતા મેળવી શકશો. શત્રુઓ ફાવશે નહીં.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં જવાબદારીઓ અને કેટલીક ચિંતાઓના કારણે માનસિક તાણનો અનુભવ થશે. વાદ-વિવાદથી દૂર રહેજો. તમારા પ્રયત્નો સફળ થતાં નાણાંકીય કામકાજો પાર પડશે. અણધાર્યા પ્રસંગો માટે નાણાંની વ્યવસ્થા થઈ શકશે. લાંબા સમયથી ફસાયેલાં નાણાં મેળવી શકશો. નોકરીના ક્ષેત્રે પરિસ્થિતિ અને સંજોગો સુધરતા તમારો પુરુષાર્થ ફળે. યશ-માનમાં વૃદ્ધિ થાય. સારી યોજનાઓમાં પ્રગતિ થાય. ધંધા- વેપારના ક્ષેત્રે તમામ અવરોધોને પાર કરી શકશો. લાભની વૃદ્ધિ થાય.

કર્ક (ડ,હ)ઃ તમારા ઉત્સાહમાં વધારો થાય. ઉન્નતિના સંજોગો સર્જાતા ઉલ્લાસ અનુભવશો. નાણાંકીય મૂંઝવણોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. ઉઘરાણી મેળવવા તરફ લક્ષ આપજો. નાણાંકીય રોકાણ માટે સંજોગો સાનુકૂળ જણાય છે. નોકરીના ક્ષેત્રે નવીન ફેરફારો થતાં જણાય. ઉપરી સાથેના સંબંધો સારા બનશે. ધંધાકીય પ્રશ્નો હલ કરી શકશો. વેપાર-ધંધા સંબંધિત નવીન આયોજન આરંભી શકશો. સંપત્તિના પ્રશ્નો વધુ ગૂંચવાતા લાગે. સંજોગો પ્રતિકૂળતા સૂચવે છે.

સિંહ (મ,ટ)ઃ સપ્તાહના ગ્રહયોગો ચિંતા-ઉદ્વેગની સાથોસાથ કેટલાક શુભ પ્રસંગો, મહત્ત્વની તકોથી આનંદ પણ સૂચવે છે. સમય મિશ્ર છે. આમ છતાં એકંદરે સુખ આપનાર સપ્તાહ છે. અંગત મૂંઝવણો દૂર થવા લાગે. આ સમય નાણાંકીય દૃષ્ટિએ સાનુકૂળ પરિસ્થિતિનો લાભ આપનાર છે. આવકમાં વૃદ્ધિ થતી જણાય. ખર્ચ અંગેની જોગવાઈ કરી શકશો. નોકરિયાતો માટે સમય મહત્ત્વનો નીવડશે. તમારી યોજના સફળ થાય. તમારા માર્ગ આડેના અવરોધ દૂર થતાં જણાશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ તમારા મહત્ત્વના કામ, પ્રસંગોમાં અણધારી સહાય અને ઇચ્છિત પરિણામ આવતાં જણાશે. ખર્ચ-વ્યયનું પ્રમાણ વધતાં નાણાંભીડનો અનુભવ થાય. કોઈ જોખમ ઉઠાવીને નાણાંનું રોકાણ કરતા નહીં નોકરિયાત વર્ગ આંતરિક ખટપટના કારણે પ્રતિકૂળ પરિસ્થિતિમાં હશે તો તેમાંથી બહાર નીકળશે. અનાયાસ જ સહાય મળી જશે. વેપાર-ધંધાના ક્ષેત્રે તમારા સંજોગો સાનુકૂળ બનશે. દામ્પત્યજીવનમાં પ્રેમ-સહકાર વધશે. મકાન-જમીન સંપત્તિને લગતા કામકાજો ગૂંચવાશે. ધાર્યું પરિણામ આવે નહીં.

તુલા (ર,ત)ઃ આ સમયગાળામાં અણઉકેલ્યા પ્રશ્નોનો નિવેડો લાવી શકશો. સાનુકૂળ તક આવી મળે. અગત્યની કાર્યરચના માટે સમય સાનકૂળ બનશે. પ્રયત્નો સફળ થતા જણાય. આર્થિક બાબતોને વ્યવસ્થિત કરી શકાય. ધંધાકીય કે કૌટુંબિક કાર્ય અંગે નાણાંની જરૂરી ગોઠવણ થઈ શકશે. નોકરિયાતોને મૂંઝવણ કે સમસ્યાનો ઉકેલ મળશે. મહત્ત્વની વ્યક્તિનો સાથ-સહકાર મળે. ધંધાકીય પરિસ્થિતિ માટે ગ્રહમાન અનુકૂળ બનશે. વિકાસ અને સફળતાના યોગ છે.

વૃશ્ચિક (ન,ય)ઃ ચિંતાના વાદળો દૂર હઠતાં ઉત્સાહ અને આનંદ અનુભવી શકશો. આપના મહત્ત્વના પ્રશ્નો હલ કરવા માટે સમય સાનુકૂળ જણાય છે. અવરોધોમાંથી માર્ગ નીકળશે. આર્થિક રીતે જોઇએ તો, નાણાંભીડનો ઉકેલ મળશે. ઉઘરાણીની રકમ તેમજ અન્ય આવકોના આધારે આર્થિક સ્થિતિ સમતોલ જણાશે. મિત્રોની મદદ મળી રહે. નોકરિયાતોની મુશ્કેલીઓ હળવી થાય. ઇચ્છિત સ્થળે બદલી થવાના સંજોગો સર્જાય.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય હિંમત અને સ્વસ્થતા ટકાવી રાખવામાં મદદરૂપ થશે. નિરાશા અને નકારાત્મક વિચારો છોડી દેજો. નાણાંકીય આયોજનને વ્યવસ્થિત રાખજો, નહિ તો હેરાન થશો. ખોટાં ખર્ચ વધી જવાની સંભાવના છે. હજુ અટવાયેલા લાભ કે ઉઘરાણી મેળવવામાં વિલંબ વધે. નોકરિયાતને કામકાજનો બોજ વધતો લાગે. ઉપરી વર્ગ સાથે વાદવિવાદ ટાળજો. વેપાર-ધંધામાં પરિસ્થિતિ ધીમે ધીમે આશાજનક અને પ્રગતિકારક થશે.

મકર (ખ,જ)ઃ આ સમયમાં આશાસ્પદ સંજોગો પેદા થતાં માનસિક આનંદ અને શાંતિ અનુભવશો. ખોટી ચિંતાઓને મનમાં લાવવા ન દેશો. નાણાંકીય રીતે તમારી આવક ગમેતેટલી વધે તો પણ નાણાંભીડ વર્તાશે. કૌટુંબિક અને ગૃહોપયોગી ચીજવસ્તુ પાછળ ખર્ચ વધે. હરીફોથી ચિંતા રાખવાને કારણ નથી. નોકરી-ધંધામાં પ્રગતિ-બઢતીનો માર્ગ ખુલ્લો થતાં સારી તકો ઊભી થતી જોઈ શકશો. મિલકત અને મકાનના પ્રશ્નો માટે સમય સાથ આપતો જણાતો નથી.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ ગ્રહયોગ દર્શાવે છે કે નિરર્થક ચિંતા કરવાની જરૂર નથી. કશું અનિષ્ટ બનવાનું નથી. નાણાંકીય સ્થિતિ વધુ બગડે નહીં તે જોવું જરૂરી છે. ખર્ચ પર કાબુ રાખજો. આવક વધવાના પ્રયત્નો ઝાઝા સફળ થશે નહિ. નોકરીમાં પરિવર્તનનો સમય છે. બદલીની ઇચ્છા સાકાર થશે. વિઘ્નોને પાર કરી શકશો. ધંધા-વેપારના ક્ષેત્રે જણાતી મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગશે. મકાનની લે-વેચનું કામ પાર પાડી શકશો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ હજુ તમારા માર્ગ આડે કેટલાક અવરોધો છે. તેને પાર કરવા તરફ ધ્યાન આપજો. ઉતાવળા સાહસથી દૂર રહેજો. અકારણ વિખવાદ કે ઘર્ષણમાં ઉતરશો તો દુઃખી થશો. આર્થિક દૃષ્ટિએ તમારી ચિંતા યા બોજો હળવો થતો લાગે. નાણાંકીય આયોજન પાર પડતું જણાય. ઉઘરાણી યા લેણાના કાર્યો પાર પાડી શકશો. નોકરિયાતોને સફળતા અને પ્રગતિની તકો મળશે. મુશ્કેલીઓ દૂર થશે. ધંધાકીય ક્ષેત્રે સારી સફળતા મેળવી શકશો. સ્થાવર મિલકતના પ્રશ્નો અંગે અનુકૂળતા જણાય. જમીન-મકાનને લગતા લાભ મેળવવાના પ્રયત્નો ફળશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter