તા. 1 ઓક્ટોબર 2022થી 7 ઓક્ટોબર 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 30th September 2022 04:53 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહ દરમિયાન સંત-મહાપુરુષના આશીર્વાદ માનસિક શાંતિ આપશે. પેરન્ટ્સની સલાહથી આગળ વધી શકો છો. આર્થિક રીતે જે પણ કોઈ સમસ્યા છે તેનો ઉકેલવામાં સફળ થશો. વ્યવસાયમાં તમારા ભાગીદારો તરફથી પૂર્ણ સહયોગ પ્રાપ્ત થાય. નવા રોકાણો અથવા તો નવી ડીલ મેળવવામાં સફળ રહેશો. નોકરીમાં નવી જગ્યાની શોધખોળનો હવે અંત આવે. આપને અનુકૂળ સ્થાન મેળવવામાં સફળ થઈ શકશો. જીવનસાથી સાથે ખૂબ સારો સમય પસાર થાય.

• વૃષભ (બ,વ,ઉ)ઃ લાંબા સમયથી ચાલતી ચિંતામાંથી રાહત મળશે. સમયની સાનુકૂળતાને કારણે બાકી કામ આસાન બનાવી શકશો. રોકાણ સંબંધિત કાર્યોમાં થોડી દોડધામ કરવી પડશે. નોકરિયાતને પોતાનો ટાર્ગેટ પૂરો કરવા સહકર્મચારીની મદદ લેવી પડશે. વ્યાપારિક તાલમેલ બનાવી રાખવા વધુ મહેનત કરવી પડશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં થોડી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. પરંતુ તમારું લક્ષ્ય નક્કી હશે તો સફળતા દૂર નથી. ઘરમાં નજીકના સંબંધીનું આગમન થશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ મનોસ્થિતિને કંટ્રોલમાં રાખવા કોઈ એક સમય ઉપર એક જ વિચાર કરો અને આગળ વધો, નહીં તો ચિંતાના વાદળો ઘેરાયેલાં જોવા મળશે. પોતાના અંગત અને વ્યવસાયિક જીવન વચ્ચે બેલેન્સ જાળવવું જરૂરી રહેશે. કરિયરની બાબતમાં પોતાની ક્ષમતા અને અનુકૂળતાને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાથી ફાયદો થાય. વ્યવસાય જગતમાં તમારું ધ્યાન હાલ પૂરતું બધી બાજુ દોડાવવાની જગ્યાએ કોઈ એક દિશા પકડી આગળ વધવું જરૂરી. તબિયતનું ધ્યાન રાખવું.
• કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહ થોડું મિશ્ર રહેશે. શરૂઆત તણાવપૂર્ણ રહેશે. બાદમાં આપની સૂઝબૂઝથી કામ સરળ બનાવી શકશો. કોઈ ગૂંચવાયેલા કાર્યોના ઉકેલ માટે આપ વડીલો સાથે ચર્ચાવિચારણા કરી શકો છો. વ્યવસાય-ઉદ્યોગમાં ઉદારતા રાખવાથી નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. સ્વહિતને પ્રાધાન્ય આપીને સ્વાર્થી બનવાથી ફાયદો થાય. મકાન-મિલકત સંબંધિત કાર્યો હવે પૂરજોશથી આગળ વધી શકશે.
• સિંહ (મ,ટ)ઃ અનેક મુશ્કેલીઓમાંથી પસાર થયા બાદ હવે પરિસ્થિતિ તમારા પક્ષે આવતી જોઈ શકશો. આર્થિક બાબતોમાં નહીં નફો નહીં નુકસાનવાળી પરિસ્થિતિ રહેશે. જોકે, તમારી જરૂરિયાતોને પહોંચી વળશો. નોકરી-વ્યવસાયમાં હજી પણ કેટલીક બાબતોમાં સ્પષ્ટતા જરૂરી છે. તમારા કોઈ સંબંધોમાં અણબનાવ હોય તો હવે દૂર થાય. આરોગ્યમાં સુધારો જોઈ શકશો. તમારા પાર્ટનર સાથે ખુલ્લા દિલથી વાતચીત કરો.
• કન્યા (પ,ઠ,ણ)ઃ દરેક કામમાં સાવધાની રાખો નહીં તો કોઈ તમને પોતાની વાતોમાં ભોળવીને કામ કઢાવી તમને નુકસાન પહોંચાડી શકે છે. રાજનૈતિક તેમજ સામાજિક વ્યક્તિઓ સાથેનો વ્યવહાર વધુ મજબૂત બનાવી શકશો. આર્થિક રીતે કોઈ મુશ્કેલી જણાતી નથી. વ્યવસાયિક કાર્યોમાં સંપૂર્ણ ધ્યાન તમારું તમારા કાર્યો પર રાખો. તમારો પોઝિટિવ એપ્રોચ તમારા કાર્યોને સફળ બનાવી શકશે. નોકરીમાં બઢતી મળવાના યોગો બળવાન રહેશે. પારિવારિક જીવન સુખમય વ્યતીત થાય.
• તુલા (ર,ત)ઃ સપ્તાહ દરમિયાન આપના માતા-પિતાના આરોગ્યને લઈને થોડી ચિંતા રહેશે. વ્યવસાય-નોકરીમાં પ્રોજેક્ટની મહત્ત્વની જવાબદારી તમને સોંપાઇ શકે છે. જેનો સંપૂર્ણ ફાયદો તમે લઈ શકે છો. વિદ્યાર્થીઓને અભ્યાસમાંથી મન થોડું ભટકતું જોવા મળે જેની કાળજી રાખવી. નાણાંકીય રીતે આ સપ્તાહ ફાયદો કરાવનારું સાબિત થાય. કોઈ ચીજવસ્તુની ખરીદી પણ કરી શકો છો. કોર્ટ-કચેરીના કામમાં રાહત મળશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ તમારા કાર્યોને યોજનાબદ્ધ રીતે કરતાં રહેશો તો કોઈ પણ નકારાત્મક ગતિવિધિની અસર એના પર થશે નહીં. તમારી સફળતા વિરોધીઓને પરાજિત કરશે. પારિવારિક જીવનમાં થોડી ઉથલપાથલ જોવા મળશે. આર્થિક રીતે થોડું બેલેન્સ બનાવી રાખજો. વિદ્યાર્થીઓએ પરીક્ષાલક્ષી ધ્યેય રાખીને અભ્યાસમાં મન પરોવવું. કોઈ નાની જગ્યાની ટ્રીપનું આયોજન બનાવી શકો છો. વિઝાને લગતી કામગીરીમાં ઉલમાંથી ચુલમાં ન પડો તેનું ખાસ ધ્યાન રાખજો.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સપ્તાહ થોડું બેચેની અને ચિંતા સાથે પસાર થાય. કોઈ પણ કાર્ય ઉતાવળથી કે ઝડપથી પૂરું કરવામાં નુકસાની ભોગવવી પડી શકે છે, જેથી શાંતિથી કાર્યની પૂર્તતા કરવાનું રાખો. નોકરી-વ્યવસાયમાં તમારા ઉપરની સલાહ-સૂચનને ધ્યાનમાં રાખી આગળ વધો. આરોગ્યને લઈને થોડી કાળજી રાખવી જરૂરી. જીવનસાથી સાથેની ગેરસમજને વાતચીતથી દૂર કરવાનો પ્રયત્ન કરો. વ્યવસાયિક કારણોથી દોડધામ થઈ શકે છે.
• મકર (ખ,જ)ઃ તમારા લક્ષ્યને લઈને એકાગ્ર મનથી કામગીરી કરશો તો સફળતા અચુક મેળવી શકશો. ધાર્મિક સંસ્થાઓ સાથે સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લઈને માનસિક શાંતિ મેળવી શકશો. આર્થિક બોજો ઓછો થાય. કરજમાંથી મુક્તિ મેળવી શકશો. વ્યાપારમાં થોડી મુશ્કેલી આવી શકે છે. નોકરીમાં સ્થળાંતરના યોગ છે. મકાન-મિલકતના પ્રશ્નોનો હલ હવે પ્રાપ્ત કરી શકશો.
• કુંભ (ગ,સ,શ,ષ)ઃ આ સપ્તાહ વ્યસ્ત પસાર થાય. કામકાજને લઈને જવાબદારી તેમજ દોડધામ વધતી જોઈ શકશો. પરિવારમાં પણ તમારી જવાબદારીમાં વધારો થાય. નાણાંકીય રીતે પરિસ્થિતિ યથાવત્ રહેશે. વ્યાપાર-ધંધામાં નવું કામ કે નવા પ્રોજેક્ટ્સ હાથ પર લઈ શકશો. નોકરિયાત વર્ગને પોતાની મહેનતનું યોગ્ય પરિણામ મળશે. કામના સ્થળ પર માન-સન્માન મેળવશો. શક્ય છે કે તમારા બોસ તરફથી તમને કોઈ ઉપહાર પણ મળશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહમાં થોડા મિશ્ર પરિણામો જોવા મળશે. આર્થિક સ્થિતિ સુધરતી જોઈ શકશો. સામે કામનું ભારણ વધશે. તમારી ઉદારતા અને સરળ સ્વભાવને કારણે વ્યવસાયમાં લોકો તમારી તરફ આકર્ષિત થતાં જોઈ શકશો. આરોગ્યની બાબતમાં થોડી મુશ્કેલી ઊભી થઈ શકે છે. સંપત્તિ બાબતે જો કોઈ કાર્યવાહી ચાલતી હોય તો તેમાં હજી વધુ ગૂંચ ઊભી થઈ શકે છે. પરિવાર સાથે આનંદમય સમય વ્યતીત કરશો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter